રાજ્યભરના 20 હજારથી વધુ સ્ટાફનર્સના કર્મચારીઓ દ્વારા પ્રતીક ઉપવાસ
વિવિધ 13 જેટલી પડતર માગણીઓને અનુલક્ષીને `યુનાઈટેડ નર્સિસ ફોરમ` દ્વારા પ્રતીક ઉપવાસનું આયોજન કરાયું છે, જો સરકાર તેમની માગણીઓ પર ધ્યાન નહીં આપે તો વધુ જલદ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.
અતુલ તિવારી/ અમદાવાદઃ રાજ્યભરની વિવિધ હોસ્પીટલમાં ફરજ બજાવતા નર્સ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ગુરૂવારે દિવસીય પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા. 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' સાથે સંકળાયેલા રાજ્યભરના આશરે 20,000 જેટલા કર્મચારીઓ આ પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા. જોકે, કામકાજને કોઈ નુકસાન ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
અમદાવાદના આશરે 2500 જેટલા કર્મચારીઓ સાથે રાજ્યભરની હોસ્પિટલોમાં આવેલા નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ આજના પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા. આ પ્રતિક ઉપવાસ કરવા પાછળનો આશય નર્સ કર્મચારીઓની છેલ્લા અનેક વર્ષોથી પડતર માગણી સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતી હોવાથી સરકારનું ધ્યાન દોરવાનો છે.
ગુરૂવારના પ્રતિક ઉપવાસમાં કોઈ પણ દર્દીને સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. નર્સિંગ સ્ટાફે રાબેતા મુજબ પોતાનું કામ કાજ કર્યું હતું. 'યુનાઇટેડ નર્સિંસ ફોરમ' દ્વારા નર્સિસની માગણીઓને સરકાર સુધી પહોંચાડવામાં આવી હતી. જો હજુ પણ સરકાર નિર્ણય નહીં લે તો દર ગુરુવારે કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવશે એવું એસોસિએશન દ્વારા જણાવાયું છે.
નર્સિંગ સ્ટાફની વિવિધ માગણીઓ
1. કેન્દ્ર સરકારના ધારાધોરણો મુજબનું પગાર ધોરણ
2. નર્સિંગ, યુનિફોર્મ અને વોશિંગ એલાઉન્સમાં વધારો
3. GMERS માં ફરજ બજાવતા કર્મીઓને સાતમા પગારપંચનો લાભ
4. છેલ્લા વર્ષની ઇન્ટરનશીપ કરતા વિદ્યાર્થીઓને સટાઈપેન્ડ
5. કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ બંધ કરવું
6. સેપરેટ ડિરેકટોરેટ ઓફ નર્સિંગને મંજૂરી
7. નર્સિસના કેન્દ્રમાં બદલાયેલા નોમેનક્લેચરને રાજ્યમાં પણ મંજૂરી
8. નર્સ દર્દીના રેશ્યો મુજબ નર્સીસના તમામ હોસ્પિટલો / આરોગ્ય કેન્દ્રોમાં મંજુરી
9. સ્પેશિયાલિટી તાલીમ પ્રાપ્ત નર્સિસને ખાસ પોસ્ટ અને પગાર
10. સરકારી ફરજ બજાવતા નર્સિસને ચાલુ પગારે પ્રતિનિયુક્તિની પુન શરૂઆત
11. કાયમી નર્સિગ શિક્ષકો અમે કોલેજો ખાતે યુજીસીના ધારાધોરણ મુજબ પગાર
12. નેશનલ પેંશન સ્કીમ ચાલુ કરવી, નવા નર્સિસ માટે પણ તેનો અમલ અને
13. CHC અને PHC ના કર્મચારીઓની સમસ્યા અંગે ચર્ચા કરી ઉકેલ કરવો
જૂઓ LIVE TV....