ઝી બ્યૂરો, અમદાવાદઃ અમદાવાદમાં એક બાદ એક અવનવા નજરાણા જોવા મળી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી દ્વારા આજે વધુ એક નવા નજરાણાને અમદાવાદઓ માટે ખુલ્લું મુક્યું છે. અમદાવાદમાં કરવામાં આવ્યું છે સૌ પ્રથમ વાર અનોખું આયોજન. જીહાં. એક સાથે એજ સ્થળ પર દુનિયાભરના પ્લાન્ટ જોવા મળશે. પ્રકૃતિપ્રેમીઓનો જામશે મેળાવડો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા AMC દ્વારા સૌ પ્રથમ વખત 'બોનસાઇ શો' ને ખુલ્લો મૂકવામાં આવ્યો. આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયેલ 'બોનસાઇ શો' શહેરીજનોને આકર્ષિત કરશે. અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા આયોજીત આ પ્રકૃતિમેળાનો 10 માર્ચ સુધી શહેરીજનો લઈ શકશે લાભ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સિંધુભવન રોડ પર કોર્પોરેશન દ્વારા આયોજિત 'બોનસાઇ શો' ને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત આ 'બોનસાઇ શો' નું આયોજન કરાયું છે, જેની શહેરીજનો તા.4 માર્ચથી તા.10 માર્ચ સુધી મુલાકાત લઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'બોનસાઈ શો'માં વિવિધ આકર્ષણો નિહાળ્યાં હતાં. અનેકવિધ નવા બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સને નિહાળી મુખ્યમંત્રીશ્રીએ સૌને બિરદાવ્યા હતા.


આ પ્રકૃતિ મેળામાં જોવા મળશે કયા-કયા છોડ?
'બોનસાઇ શો'ની વિશેષતાની વાત કરવામાં આવે તો, આશરે 12 હજાર ચો.મી. જેટલા વિસ્તારમાં નિર્માણ કરાયું છે, જેમાં દેશ અને દુનિયાનાં વિવિધ સ્થળોથી એકત્ર કરાયેલા 1500થી વધુ બોનસાઇ અને ટોપીયોરી પ્લાન્ટ્સનો સમાવેશ કરાયો છે. આ તમામ વૃક્ષો 10થી 200 વર્ષ સુધી આયુષ્ય ધરાવે છે. આ ઉપરાંત આ તમામ પ્લાન્ટ્સનું પ્રદર્શન ઝેન ગાર્ડન (જાપાનીઝ ગાર્ડન)ની ડિઝાઈન પર તૈયાર કરાયું છે. આ 'બોનસાઇ શો'માં ઓલિવ, ફાયકસ, એડનિયમ, વડ, પીપળો, ખાટી આંબલી, નિકાડેવિયા, ઝેડ પ્લાન્ટ, પીપળ, ગૂગળ, લેગોસ્ટ્રોમીયા, આલ્ફીજીયા સહિતના અનેક પ્રકારના બોનસાઇ વૃક્ષો જોવા મળશે.


અત્રે ઉલ્લેખનીય છે કે, મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને તેને અલગ અલગ આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે. સાત દિવસ સુધી ચાલનારા આ શોની ટિકિટ વ્યક્તિ દીઠ રૂ.50 રખાઈ છે. આ પ્રસંગે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, ડેપ્યૂટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુ.કમિશનર એમ.થેન્નારસન સહિત મ્યુનિ.ના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.