6 મહિનાથી બેરોજગાર ગુજરાતી કલાકારોએ સરકાર પાસે કરી 10 હજારની લોનની માંગણી
- સંગીતની દુનિયાના માધ્યમથી જીવન નિર્વાહ કરતા કલાકારો માત્ર 10,000 રૂપિયાની લોન મળે તેના માટે પણ પ્રયાસ કરી રહ્યા છે.
- આ કલાકારો કોઈપણ વ્યવસાય કરવા તૈયાર છે. પરંતુ 6 મહિના બાદ કોઈ નવો વ્યવસાય શરૂ કરવા પૂરતા નાણાં પણ તેમની પાસે નથી
અતુલ તિવારી/અમદાવાદ :છેલ્લા 6 મહિનાથી ધંધા રોજગાર ઠપ્પ થતા સંગીતની દુનિયા સાથે જોડાયેલા કલાકારોની સ્થિતિ કફોડી બની છે. લોકડાઉન ખૂલ્યા બાદ પણ મોટા સ્ટેજ શો, કાર્યક્રમોમાં મહત્વનો ભાગ ભજવતા કલાકારો માટે એક એક દિવસ વિતાવવો હવે મુશ્કેલ બની ગયો છે. કોરોના સંક્રમણ વચ્ચે શરૂ થયેલા લોકડાઉન અને ત્યારબાદ સંગીત સાથે જોડાયેલા કાર્યક્રમોને અનલોક (unlock) માં પણ રાહત ન મળતા કલાકારો માટે જીવનનિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે રાજ્યના જુદા જુદા જિલ્લાના 300 થી વધુ કલાકારોએ આર્થિક મદદ માટે પ્રયાસ શરૂ કર્યા છે.
કલાકારોએ કરી લોનની માંગણી
સંગીતની દુનિયાના માધ્યમથી જીવન નિર્વાહ કરતા કલાકારો માત્ર 10,000 રૂપિયાની લોન મળે તેના માટે પણ પ્રયાસ કરી રહ્યા છે. આ વિશે બોલિવુડ હબના ડાયરેક્ટર ગ્રીષ્મા ત્રિવેદીને પોતાના અંગત ડોક્યુમેન્ટ આપી મદદ માટે અપીલ કરી છે. મદદ માંગનાર કલાકારોમાં સિંગર, રોટો પ્લેયર, ઓક્ટોપેડ પ્લેયર, ગિટારીસ્ટ, ઢોલી, તબલાવાદક, સાઉન્ડ ઓપરેટર, સ્ક્રીપટ રાઇટર, કેમેરામેન, લાઈટમેનનો સમાવેશ
થાય છે.
કલાકારોને હવે અસ્તિત્વ ટકારી રાખવાનો સવાલ
રાજ્યના અલગ અલગ જિલ્લાઓ જેમ કે, અમદાવાદ, બોટાદ, ભાવનગર, કચ્છ, રાજકોટ, મહેસાણા, પાટણ, દ્વારકાના કલાકારો 6 મહિનાથી બેરોજગાર છે. આ 300 થી વધુ કલાકારો મદદની ગુહાર લાગવતા સામે આવ્યા છે. પરંતુ મદદની અપેક્ષા રાખનાર કલાકારોની સંખ્યા હજારોમાં છે. આ વિશે ગ્રીષ્મા ત્રિવેદીએ કહ્યું કે, આ તમામ ભૂતકાળમાં મારા સંપર્કમાં આવેલા આ કલાકારો છે, મદદ માટે પ્રયાસ કરતા કલાકારોની સંખ્યા હજારોમાં છે. સરકાર કલાકાર રાહતનિધિ ફંડમાંથી કલાકારોને મદદ કરે નહિ તો કલાકારોને તેમનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બનશે. હવે નવરાત્રિમાં ગરબાના આયોજનને પણ મંજૂરી મળવાની નથી એવામાં આ કલાકારો કોઈપણ વ્યવસાય કરવા તૈયાર છે. પરંતુ 6 મહિના બાદ કોઈ નવો વ્યવસાય શરૂ કરવા પૂરતા નાણાં પણ તેમની પાસે નથી. આ ડોક્યુમેન્ટ્સ કલાકારોએ મને લોન મળી રહે એ માટે મોકલ્યા છે. માત્ર 10 હજાર રૂપિયાની પણ લોન માટે તેઓ તૈયાર છે, મારા લેવલથી પ્રયત્ન કરીશ. પરંતુ કલાકારો માટે સરકાર કોઈ યોજના શરૂ કરે તે જરૂરી છે.