ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતમાં વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના 19 ધારાસભ્યોને બુધવારે વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષી સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને પછી સરકાર સંચાલિત પોલીસ તાલીમ એકેડમીમાં નકલી તાલીમાર્થી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તાલીમ મેળવતા હોવાના મુદ્દે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા મુદ્દાને ગણાવતા કોંગ્રેસે તેના પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી હતી, પરંતુ સ્પીકર શંકર ચૌધરીએ વિનંતીને ફગાવી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિપક્ષે ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ માંગણી કરી હતી, જેને સરકારે ફગાવી દીધી હતી. પછી ગૃહમાં હાજર કોંગ્રેસના 16 ધારાસભ્યો અને AAPના ત્રણ ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો. ગુજરાતના વિધાનસભા અને સંસદીય બાબતોના પ્રધાન ઋષિકેશ પટેલે આ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવા માટેનો ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિપક્ષના ધારાસભ્યોએ પૂર્વ આયોજિત વ્યૂહરચના ભાગરૂપે તખતીઓ લહેરાવી અને સૂત્રોચ્ચાર કર્યા હતા.


સરકારનો ઠરાવ ત્રણ અપક્ષ ધારાસભ્યોના સમર્થન સાથે પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસ અને AAPના 19 ધારાસભ્યોને હંગામો કરવા, સૂત્રોચ્ચાર કરવા અને વોકઆઉટ કરવા માટે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું હતું કે તેમની સરકાર તમામ પ્રકારની ગેરકાનૂની ગતિવિધિઓ પર અંકુશ લગાવવામાં સક્ષમ છે. ગૃહ કોઈ વ્યક્તિ કે પક્ષની ઈચ્છા પૂરી કરવા માટે નથી. સરકારે એ જ સત્રમાં પેપર લીક અટકાવવા કાયદો લાવ્યો અને ચર્ચામાં પણ ભાગ લીધો.