પેટાચૂંટણી પરિણામ: કોંગ્રેસની ‘દિવાળી’ સુધરી, 3 બેઠકો પર જીત મેળવી, તો 3 બેઠક ભાજપને ફાળે
આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા સહિત ભાજપ-કોંગ્રેસના 12 મહારથીઓનું ભાવિ નક્કી થશે.
અમદાવાદ :આજે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો (Gujarat VidhanSabha By Election 2019) ની પેટા ચૂંટણીનું પરિણામ (ByElectionsResults) જાહેર થયું છે. થરાદ, રાધનપુર, લુણાવાડા, ખેરાલુ, બાયડ અને અમરાઈવાડી પર કોણ જીત્યું અને કોની થઈ હાર તેની તમામ અપડેટ્સ અહીં જાણો. હાલ કોંગ્રેસે બાયડ અને થરાદ બેઠક પર જંગી જીત મેળવી છે. તો અમરાઈવાડી, લુણાવાડા અને ખેરાલુ બેઠક પર ભાજપની જીત થઈ છે. ત્યારે હવે રાધનપુર બેઠક ભાજપે ગુમાવી છે. આમ, 6 બેઠકોમાંથી હાલ 3 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે, અને 3 બેઠક પર ભાજપનો વિજય થયો છે.
અમરાઈવાડી બેઠક પર ભાજપની જીત
અમદાવાદની અમરાઈવાડી બેઠક પર છેલ્લી ઘડી સુધી રસાકસીભર્યો જંગ રહ્યો હતો. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ છેલ્લે સુધી લીડ કરી રહ્યા હતા, પરંતુ આખરે ભાજપના જગદીશ પટેલની જીત થઈ છે. ધર્મેન્દ્ર પટેલે જગદીશ પટેલને જોરદાર ટક્કર આપી હતી. આમ, અહીં ભાજપે પોતાની પરંપરાગત બેઠક જાળવી રાખી હતી.
રાઘનપુરમાં અલ્પેશ ઠાકોર હાર્યા
કોંગ્રેસ પક્ષ પરથી વિધાનસભાની સીટ જીતનાર અલ્પેશ ઠાકોરને ગણતરીના મહિનામાં જ રાધનપુરની જનતાએ જાકારો આપ્યો છે. પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને રાધનપુરથી સીટ મેળવીને લડનાર અલ્પેશ ઠાકોર 3000 વોટથી હાર્યા છે. તો કોંગ્રેસના રધુ દેસાઈએ જંગી જીત મેળવી છે. અલ્પેશ ઠાકોર પ્રથમ રાઉન્ડથી જ પાછળ ચાલી રહ્યા હતા. ત્યારે હવે ભાજપને પક્ષપલટોની નીતિ ભારે પડી હતી.
લુણાવાડા બેઠક પર ભાજપની જીત
ખેરાલુ બાદ ભાજપના ખાતામાં બીજી લુણાવાડા બેઠક આવી છે. લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જિશભાઇ સેવકની જીત થઈ છે. તેમણે 52144 મત મેળવ્યા હતા. તો કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે 35277 મત મેળવ્યા હતા. આમ, ભાજે લુણાવાડા બેઠક પર જંગી જીત મેળવી છે.
બાયડ બાદ થરાદમાં પણ કોંગ્રેસની જીત
બાયડ બાદ બાજપે થરાદ બેઠક પણ ગુમાવી છે. થરાદ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની જંગી જીત થઈ, તો ભાજપના જીવરાજભાઈ પટેલની હાર થઈ છે.
ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી
ભારે રસાકસીભર્યા જંગ બાદ બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલની જંગી સરસાઈથી જીત થઈ હતી. તો પક્ષપલટો કરીને ભાજપમાં ગયેલા ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. મતગણતરીના શરૂઆતના રાઉન્ડથી જ જશુભાઈ પટેલ આગળ ચાલી રહ્યા હતા. તેઓએ એક પણ રાઉન્ડમાં ધવલસિંહને આગળ આવવા દીધા ન હતા. આમ, બાયડમાં કોંગ્રેસે પોતાની બેઠક જાળવી રાખી હતી. બાયડ બેઠક પર પોતાની હાર નિશ્ચિત દેખાતા ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાએ પોતાની હાર સ્વીકારી હતી. તેમણે કહ્યું કે, હજી બે બૂથનું મતદાન બાકી છે, તેનું વીવીપેટથી કાઉન્ટિંગ થઈ રહ્યું છે. કદાચ મારી હાર નિશ્ચિત દેખાઈ રહી છે, મારી જે હાર થઈ હોય તો હું સ્વીકારું છું. મેં ભાજપમાં વફાદારીથી કામ કર્યું છે. 2022માં ભાજપનો ભગવો લહેરાય તે માટે પ્રયત્નશીલ રહીશ. જશુભાઈના જીત બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ છવાયો હતો. મતગણતરી સેન્ટર બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા હતા. બાયડમાં 700થી વધારે મતથી કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈની જીત થઈ છે.
ખેરાલુ બેઠક પર ભાજપની જીત
પેટાચૂંટણીમાં સૌથી પહેલા ખેરાલુ બેઠકના પરિણામ સામે આવ્યું છે. ભાજપના અજમલજી ઠાકોરની ખેરાલુ બેઠક પર ભવ્ય જીત થઈ છે. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠક પર ઘણુ ઓછું મતદાન થયું હતું. 20 રાઉન્ડના અંતે કુલ 96825 મત ગણતરી પૂર્ણ થઈ હતી. ભાજપના અજમલજી ઠાકોરને 60783 મત મળ્યા હતા. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને 31757 મત મળ્યા હતા. એનસીપીના પથુજી ઠાકોરને 1752 મત મળ્યા. તો નોટામાં 1818 મત પડ્યા છે. ભાજપના અજમલજી ઠાકોરે 29026 મતે જીત હાંસલ કરી છે. પોતાની જીત પર અજમલજીએ કહ્યું કે, ખેરાલુની સીટ પર જીત વિકાસના મત પર મળી છે. તમામ ભાજપના કાર્યકર અને મતદારોનો હું આભાર માનું છું.
બાયડમાં 2 ઈવીએમમાં ખામી સર્જાઈ
બાયડમાં જ્યાં કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહ્યું છે, અને બે 2 ઈવીએમની ગણતરી બાકી હતી. ત્યાં બંને ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. બાયડના અલવા અને વિરણીયા ગામના વીવીપેટમાં ખામી સર્જાઈ છે. જેથી હવે સ્લીપોની ગણતરી કરાશે. વીવીપેટ મશીન કાઉન્ટિંગ સેશન પર લવાયા છે.
મતગણતરી કેન્દ્ર પરથી Live :
12.05 કલાકે અપડેટ - રાઘનપુર બેઠક પર નવમા રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈ 4595 મતથી આગળ છે. થરાદ વિધાનસભાની મતગણતરીના 12માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 20 વોટથી આગળ ચાલી રહ્યાં છે. લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવક દસમા રાઉન્ડ અંતે 12182 મતથી આગળ ચાલી રહ્યાં છે. અમરાઈવાડી બેઠક પર 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ. જેમાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 6735 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ભાજપના જગદીશ પટેલને 11,596 મત મળ્યા છે. કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને 18,331 મત મળ્યા
11.18 કલાકે થરાદ વિધાનસભાના 8 રાઉન્ડ અંતે 4200 મતોથી ભાજપના જીવરાજ પટેલ આગળ ચાલી રહ્યા છે. અમરાઈવાડી બેઠક પર 4 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ. કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 3829 મતોથી આગળ છે. ભાજપના જગદીશ પટેલને 8,298 મત મળ્યા, તો કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલને 12,127 મત મળ્યા છે. બાયડમાં 16માં રાઉન્ડના અંતે ૫૮૭૦ મતથી કોંગ્રસ આગળ છે. જોકે, 16માં રાઉન્ડમાં કોંગ્રેસની લીડ ૬૮૧ ઘટી હતી. લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવક છઠ્ઠા રાઉન્ડ અંતે 7344 મતથી આગળ છે. ભાજપના જીગ્નેશ સેવકને 18053 મત, કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને 10709 મત અને એનસીપીના ભરત પટેલને 1064 મત મળ્યા છે.
દસમા રાઉન્ડના અંતે બાયડમાં કોંગ્રેસ 7૦૦૦ વોટથી આગળ. તો રાધનપુર બેઠક પર ચોથા રાઉન્ડમાં કોંગ્રેસ 4113 મતોથી આગળ
10.29 કલાકે કોંગ્રેસ ઉમેદવાર રઘુ દેસાઈ 3041 મતથી ત્રીજા રાઉન્ડમાં આગળ નીકળતા કોંગ્રેસી કાર્યકરોએ ગેટ બહાર ‘કોંગ્રેસ જિંદાબાદ’ના નારા લગાવ્યા
10.20 કલાકે છઠ્ઠા રાઉન્ડના અંતે 9363 મતથી ભાજપ આગળ. ભાજપના અજમલજી ઠાકોરને 20482 અને કોંગ્રેસના બાબુજી ઠાકોરને 11119 મત મળ્યાં
અમરાઈવાડી બેઠક અપડેટ : 3 રાઉન્ડના અંતે કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 1524 મતથી આગળ છે. ભાજપને 6939 અને કોંગ્રેસને 8463 મત
10.06 કલાકે રાધનપુર બેઠક પર કાંટે કી ટક્કર ચાલી રહી છે. ભાજપના અલ્પેશ ઠાકોર સતત પાછળ ચાલી રહ્યાં છે. પહેલા રાઉન્ડમાં અલ્પેશ 880 મતથી આગળ, બીજા રાઉન્ડમાં લીડ ઘટીને 6 મત થઈ હતી, ત્રીજા રાઉન્ડમાં લીડ 3000 મતની થઈ છે. ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ છે. હજી રાઉન્ડની લીડ બાદ સીટનું ચિત્ર સ્પષ્ટ થશે. તો બીજી તરફ, બાયડમાં નવમો રાઉન્ડ પૂર્ણ થયો, જેમાં 6500 વોટથી કોંગ્રસ આગળ છે.
થરાદ વિધાનસભાની ચૂંટણીની મતગણતરીમાં ત્રણ રાઉન્ડના અંતે BJP 10408, કોંગ્રેસના 8912 મત મળ્યા. ત્રણ રાઉન્ડ બાદ ભાજપના જીવરાજ પટેલ 1496 મતોથી આગળ ચાલી રહ્યાં છે.
લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવક બીજા રાઉન્ડના અંતે 2857 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપ જીગ્નેશ સેવકને 5966, કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને 3109 અને એનસીપીના ભરત પટેને 213 મત
9.45 કલાકે રાધનપુર બેઠક પર બીજા રાઉન્ડના અંતે અલ્પેશ ઠાકોરે લીડ કવર કરી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી માત્ર 6 મતથી પાછળ છે. અમરાઈવાડીમાં બીજો રાઉન્ડ પૂરો થયો, જેમાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યાં છે. છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ધવલસિંહને ૧૭૦૮૦ વોટ મળ્યા, તો કોંગ્રેસના જશુભાઈ પટેલને ૨૩૩૬૬ વોટ મળ્યા.
9.38 કલાકે બાયડ પાંચમો રાઉન્ડ પૂર્ણ ૫૧૭૭ મતે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.
9.31 કલાકે લુણાવાડાની પેટાચૂંટણીની મતગણતરીમાં વિલંબ થયો. ઈવીએમમાં ખામી સર્જાતા ગણતરીમાં વિલંબ થયો. હજી ઈવીએમની ગણતરી શરૂ કરાઈ નથી. તો બીજી તરફ ઈવીએમમાં ખામી સર્જાતા ઉમેદવારો ચિતિંત બન્યા છે. ઈવીએમ ખામી સુધારવા તંત્રમાં દોડધામ મચી છે.
9.24 કલાકે બાયડ ચોથા રાઉન્ડની ગણતરી પુર્ણ. કોગ્રેસ ૩૯૭૪ મતે આગળ
9.21 કલાકે અમરાઈવાડીમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ. કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 613 મતે આગળ. તો ભાજપના જગદીશ પટેલને 2264 મત મળ્યા. બીજા રાઉન્ડની મતગણતરી શરૂ
9.20 કલાકે થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીનું પોસ્ટલ ગણતરી પૂરી થઈ. ભાજપને 54, કોંગ્રેસને 30, અપક્ષને 3, નોટાને 7 અને 18 વોટ કેન્સલ થયા. પોસ્ટલ બેલેટની ગણતરીમાં ભાજપ આગળ
9.20 કલાકે ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર 3496 વોટ સાથે આગળ. તો કોંગ્રેસના બાબુજી ઠાકોરને 1773 મત મળ્યા. એનસીપીના પથુજી 46 મત પર છે. 1723 મતે ભાજપ આગળ
9.16 કલાકે બાયડમાં ત્રીજા રાઉન્ડની ગણતરી પૂર્ણ થઈ. કોંગ્રેસ ૨૪૯૧ મતે આગળ, તો ધવલસિંહ ઝાલા પાછળ. તો સામે રાધનપુર પહેલો રાઉન્ડ પૂરો થયો. જેમાં અલ્પેશ ઠાકોરને 2402 મત મળ્યા, તો કોંગ્રેસના રઘુ દેસાઈને 3282 મત મળ્યાં
9.15 કલાકે અમરાઈવાડી પ્રથમ રાઉન્ડમાં 613 મતોથી કોંગ્રેસ આગળ
8.46 કલાકે પ્રથમ રાઉન્ડમાં રાધનપુર બેઠક પર કોંગ્રેસ આગળ, ભાજપના અલ્પેશ ઠાકોર પાછળ, રાધનપુર પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યુ. 900 મતથી અહીં કોંગ્રેસ આગળ છે. તો સામે અલ્પેશ ઠાકોર 900 મતોથી પાછળ
8.32 કલાકે બાયડ પોસ્ટલ બેલેટની ગણતરીમાં કોંગ્રેસ આગળ
8.39 કલાકે રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડામાં ભાજપ આગળ. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા હાલ આગળ
8.20 કલાકે અમરાઈવાડી બેઠક પર હજી સુધી મતગણતરી શરૂ થઈ નથી
સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર
કુલ 6 સેન્ટર પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. દરેક સેન્ટર પર વધુમાં વધુ 14 મતગણતરી ટેબલ હશે. દરેક સેન્ટર પર કાઉન્ટર આસિસ્ટન્ટ અને માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. 6 બેઠકો પર સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન થરાદ અને સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં નોંધાયું છે. થરાદમાં 68.95 ટકા, રાધનપુરમાં 62.95 ટકા, બાયડ 57.81 ટકા, લુણાવાડા 47.54 ટકા, ખેરાલુ 42.81 ટકા, જ્યારે સૌથી ઓછુ મતદાન અમરાઈવાડીમાં 31.53 ટકા મતદાન નોંધાયું છે. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુરમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ચૂંટાઇને પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના રઘુ દેસાઇ વચ્ચે કાંટે કી ટક્કર છે. રાધનપુર બેઠક પર કુલ 10 ઉમેદવારો છે. આવી જ ટક્કર બાયડમાં પણ છે. અહીં ગત વખતના કોંગ્રેસના અને હાલ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસના જશુભાઇ પટેલ વચ્ચે સીધો જંગ છે, અહીં 7 ઉમેદવારો મેદાનમાં છે.
મુખ્યમંત્રીએ જીતની આશા વ્યક્ત કરી
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકોની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. પરિણામ જાહેર થાય તે પહેલાં જ સીએમ રૂપાણીએ જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, તમામ 6 બેઠકો ભાજપ જ જીતશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ભાજપની જ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :