વિધાનસભાની વાતઃ બાપુનગરમાં આ વખતે કોની છે બોલબાલા? ભાજપ-કોંગ્રેસ અને આપ અહીં ચાલશે કોનું રાજ
Gujarat Assembly Election 2022/વિધાનસભાની વાતઃ કેમ બાપુનગરમાં થઈ હતી કોંગ્રેસની જીત? કયા પરિબળો કરી રહ્યાં છે એના માટે કામ? ભાજપ અને આપ બન્ને પક્ષો પણ આ મુદ્દે કરી રહ્યાં છે સર્વે. જ્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવા માટે કવાયત કરી રહી છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યાં છે. હવે ગમે તે સમયે ચૂંટણીપંચ ચૂંટણીઓની તારીખો જાહેર કરે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ પણ પોતપોતાની રીતે તૈયારીઓ કરી લીધી છે. જોકે, આ વખતની ચૂંટણી અન્ય તમામ ચૂંટણીઓ કરતા સાવ અલગ છે કારણકે, આ વખતે પરંપરાગત ભાજપ-કોંગ્રેસ ઉપરાંત નવો આવેલો આપ પક્ષ પણ આ લડાઈમાં સામેલ થયો છે. ત્યારે વિધાનસભાની વાતમાં આ આર્ટિકલમાં વાત કરીશું અમદાવાદની બાપુનગર બેઠકની.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જંગમાં બાપુનગર બેઠક પર કોણ મેદાન મારશે? બાપુનગરમાં કોની રહેશે બોલબાલા? શું ભાજપ કોંગ્રેસ પાસેથી આંચકીને ફરી એકવાર આ બેઠક પર કબજો કરી શકશે? આવા અનેક સવાલો હાલ બાપુનગર બેઠકને લઈને થઈ રહ્યાં છે. કારણકે, છેલ્લી બે ટર્મમાં અહીં એકવાર ભાજપ તો એકવાર કોંગ્રેસના ઉમેદવાર જીત્યાં છે. આવી સ્થિતિમાં બાપુનગરની જનતા મિજાજને ઓળખવામાં રાજકીય પક્ષો પણ થાપ ખાઈ ગયા હોય તેવું લાગે છે. ગુજરાત વિધાનસભાની અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકમાં અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે.
હાલ આ બેઠક પર કોંગ્રેસનો દબદબો છે. પરંતુ ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલ 150+ બેઠકોના ટાર્ગેટ સાથે વ્યૂહરચના ગોઠવી રહ્યા છે, પણ વિધાનસભા બેઠકોનું ગણિત જોવા જઈએ તો કુલ 182 બેઠકમાંથી કૉંગ્રેસ સતત 50 બેઠક જીતી જ રહી છે, એટલે ભાજપ વધુમાં વધુ 130 બેઠક સુધી પહોંચી શકે છે, તેથી જ હવે પાટીલની નજર એ 50 બેઠકો પર છે, જેમાં કૉંગ્રેસ જીતી રહી છે, જેથી આ બેઠકો માટેનું ભાજપનું ગણિત એવું છે કે ભાજપ હારે તો છે, પણ કૉંગ્રેસ કેમ જીતે છે એનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે.
બાપુનગર વિધાનસભાઃ
અમદાવાદની બાપુનગર બેઠક એવી બેઠક છે જ્યાં હાલની સ્થિતિએ કોઈ પક્ષ પોતાની જીતનો દાવો કરી શકે તેમ નથી. અહીં મતદારોનો મિજાજ ગમે ત્યારે બદલાઈ જાય છે. મોદી લહેર હોય તો પણ અહીં ભાજપનો ઉમેદવાર હારી જાય છે. જ્યારે બધે કોંગ્રેસના સુપડા સાફ થતા હોય એવા સમયે પણ મતદારોએ બાપુનગરમાં કોંગ્રેસને બેસાડેલી છે. તેથી હવે રાજકીય પક્ષો અને રાજકીય પંડિતો પણ આ બેઠક અંગે કોઈ અનુમાન લગાવતા પહેલાં વિચાર કરે છે. બાપુનગર મૂળ પરંપરાગત મતવિસ્તારમાંથી વિભાજિત થયેલો છે. અહીં અમરાઈવાડીનો કેટલોક શ્રમિક વિસ્તાર પણ આવે છે, ઉપરાંત અહીં હિંદી ભાષી, પરપ્રાંતિય વસતિ મોટા પ્રમાણમાં છે. 2012માં અહીં ભાજપના જગરૂપસિંગ રાજપૂત ભારે મહેનત પછી 2600 જેટલા નજીવા મતે જીત્યા હતા. તો વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પર મતદારોએ પસંદગીનો કળશ ઢોળ્યો હતો.
વિધાનસભા ચૂંટણીમાં બાપુનગરનો ટ્રેક રેકોર્ડઃ
ચૂંટણી વર્ષ જીતનાર ઉમેદવાર પક્ષ
2017 હિંમતસિંહ પ્રહલાદસિંહ પટેલ કોંગ્રેસ
2012 જાગૃરૂપસિંહ ગીરધરસિંહ રાજપૂત ભાજપ
બાપુનગરના મતદારોઃ
અમદાવાદની બાપુનગર વિધાનસભા બેઠક અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાના બાપુનગર, રખિયાલ અને સરસપુર વોર્ડના વિસ્તારનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરની બાપુનગર વિધાનસભા બેઠકની રચના નવા સીમાંકનમાં કરવામાં આવી છે. અગાઉ આ બેઠકનો સમાવેશ રખિયાલ બેઠકમાં થતો હતો. અહીં ભાજપનો વિજય થયો હતો. જોકે અહીં ઓબીસી, દલિતો અને મુસ્લિમોના મતદારોનું વર્ચસ્વ છે અને આ વખતે ઓબીસી અને દલિતોની નારાજગીનો લાભ કોંગ્રેસને મળી શકે છે.
જ્ઞાતિનું ગણિતઃ
જ્ઞાતિ પ્રમાણે મતોની ટકાવારી અંગે વાત કરીએ તો આ બેઠક પર અંદાજે ઓબીસી મતદારો 33.4 ટકા, દલિત મતદારો 27.03 ટકા, મુસ્લિમ મતદારો 24.3 ટકા અને પરપ્રાંતિય મતદારો 12.1 ટકા છે. વર્ષ 2017ના આંકડાઓ અનુસાર આ બેઠક પર અંદાજે કુલ 1,88,385 મતદારો છે, જેમાં પુરૂષ મતદારો 99,639 અને મહિલા મતદારો 88,746 છે.