અર્પણ કાયદાવાલા/ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે હવે શિયાળાની સિઝનમાં પણ રાજકીય ગરમાવો આવી ગયો છે. એમાંય રાજકીય પક્ષો દ્વારા ટિકિટોની વહેંચણી મુદ્દે કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જેમના પત્તા કપાયા છે એમના સમર્થકો પણ વિરોધ કરી રહ્યાં છે. આ સ્થિતિની વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યલય ખાતે કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે. કાર્યકરો પોતે જ કોંગ્રેસના અમદાવાદ સ્થિત કાર્યાલય ખાતે ભારે વિરોધ કરી રહ્યાં છે. ટિકિટોની વહેંચણીમાં પૈસાના જોરે ટિકિટો અપાઈ હોવાનો પણ કાર્યકરો આક્ષેપ કરી રહ્યાં છે. એમાંય સૌથી વધારે વિરોધ ભરતસિંહ સોલંકીનો થઈ રહ્યો છે. પૈસાના જોરે ટિકિટો વેચાઈ હોવાનો આક્ષેપ ખુદ કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યાં છે. હાલ વટવા કોંગ્રેસના કાર્યકરો પણ કોંગ્રેસ કાર્યલય પર હોબાળો મચાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારથી ટિકિટોની વહેંચણી શરૂ થઈ છે ત્યાંથી જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. કાર્યકરો આક્ષેપ કરી રહ્યાં છે કે, ટિકિટો સારા ઉમેદવારોને વહેચવાને બદલે ટિકિટો પૈસા લઈને વેચવામાં આવી છે. ગઇકાલે જાહેર કરવામાં આવેલ યાદીમાં જમાલપુર-ખાડિયાથી કોંગ્રેસે ઈમરાન ખેડાવાલાને રિપિટ કરતાં NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય પહોંચી તોડફોડ કરી હતી. અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ આક્રમક દેખાવ કર્યો હતો. તેમણે ભરતસિંહ સોલંકી પર પૈસાના જોરે ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત ભરતસિંહની નેમ પ્લેટની તોડફોડ કરવામાં આવી હતી અને દીવાલ પર પણ અપશબ્દો લખવામાં આવ્યા હતા. ભરતસિંહ વિરોધી નારા પણ લગાવ્યા હતા. ભરતસિંહ પર મોટી રકમ લીધો હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.


કાર્યકરો જમાલપુર બેઠકની ટિકિટ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને મળતા નારાજ થયા હતા અને કાર્યાલય ખાતે ધસી આવ્યા હતા. ટોળા સ્વરૂપે ધસી આવેલા કાર્યકરોએ ભરતસિંહ સોલંકીનો નામજોગ વિરોધ કરતા આક્ષેપ કર્યો હતો કે, ભરતસિંહ સોલંકીએ રૂપિયા લઈને ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપી છે. આ સાથે જ ઈમરાન ખેડાવાલા બિલ્ડરો સાથે મળેલા અને રૂપિયાના વહિવટ કરતા હોવાના આક્ષેપ પણ ઘસી આવેલા કાર્યકરોએ કર્યા હતા. એટલું જ નહીં બીજી તરફ અમદાવાદમાં વટવાના કોંગ્રેસના ઉમેદવાર બળવંત ગઢવીનો વિરોધ થઈ રહ્યો છે. આયાતી ઉમેદવાર હોવાના કારણે સોશિયલ મીડિયામાં વિરોધ થઈ રહ્યો છે.મનહર પટેલની જેમ વટવામાં મેન્ડેટ બદલવાની માગ ઉઠી રહી છે.વટવા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાં પણ કાર્યકરો પોસ્ટ મુકીને વિરોધ નોંધાવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube