ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. દરેક રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચાર-પ્રસારની વિધિમાં લાગી ગયા છે. એક તરફ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે ટીમ કાર્યકરો અને આગેવાનોને તમામ 182 બેઠકો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. બીજી તરફ આખી લડાઈમાં કોંગ્રેસ ક્યાંય ખોવાઈ ગયેલી દેખાય છે. ત્યાં કોંગ્રેસને હાંસિયામાં ધકેલીને આપ પણ ચૂંટણીના માહોલમાં ચર્ચામાં છે. પણ ગુજરાત વિધાનસભાની 182 પૈકી એક બેઠક એવી પણ છે જે ભાજપ-કોંગ્રેસ કે કોઈપણ પક્ષના હિસાબ કિતાબથી બહાર છે. કારણકે, વર્ષોથી અહીં ચાલે છે એક જ પરિવારનું રાજ. વિધાનસભાની વાતમાં આ આર્ટિકલમાં વાત કરીશું ગુજરાતની સૌથી લોહિયાળ ઈતિહાસ ધરાવતી બહુ ચર્ચિત કુતિયાણા બેઠકની...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુતિયાણાના ઈતિહાસની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એની સાથે જોડાયેલાં એક નામની વાત કરવી જ પડે. એ નામ છે, સંતોક બેન સરમણ મૂંજા જાડેજા...આ એક એવું  નામ છે જે માત્ર કુતિયાણા કે પોરબંદર જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં વિશેષરૂપથી જાણીતું છે. એક સામાન્ય સ્ત્રીમાંથી સંતોકબેન જાડેજા કઈ રીતે બની ગયા ગોડમધર? એ સમયે જે સ્ત્રીને ઝઘડાના નામથી ડર લાગતો હતો એ મહિલાના નામે આગળ જતા કઈ રીતે વહી લોહની નદીઓ? એ સંતોકબેન જાડેજાનો પુત્ર કાંધલ કઈ રીતે બની ગયો કુતિયાણાનો ધારાસભ્ય? આ તમામ સવાલોના જવાબો જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું જ રહ્યું.


દરિયાઈ તટ ધરાવતા રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલી કુતિયાણા બેઠક ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો કરતા અલગ છે. કુતિયાણા બેઠક પરનું જ્ઞાતિનું ગણિત અને અહીંનું પોલિટિક્સ પણ સાવ અલગ છે. વર્ષોથી અહીં એક જ પરિવારનું રાજ ચાલતુ આવ્યું છે. વચ્ચે એક ફેઝ એવો પણ આવ્યો જ્યારે આ પરિવાર અહીં એક્ટિવ પોલિટિક્સમાં નહોંતો જોકે, તેમ છતાં તેમના આશીર્વાદ વિના અહીં પત્તુ પણ હલતું નથી. કુતિયાણાનો કાળો ઈતિહાસ અને કાંધલરાજની કહાની જાણવા જેવી છે. નજીવી વાત પર મારા મારી અને અંગત અદાવતમાં ખૂનની ઘટના આ વિસ્તાર માટે સામાન્ય બાબત રહી છે. રાજકીય પક્ષોના નેતાઓ તો શું અહીં પોલીસ પણ જતાં પહેલાં બે વાર વિચાર કરે છે. ઘણાં ઓછા લોકો ગુજરાતની આ બેઠકના લોહિયાળ ઈતિહાસ વિશે જાણતા હશે.


અહીં ચાલે છે ગોડમધરના પરિવારનું રાજ:
પોરબંદર જિલ્લામાં આવેલ કુતિયાણા એક એવો મતવિસ્તાર છે જ્યાં ભાજપ-કોંગ્રેસનું નહીં પણ ગોડમધર તરીકે જાણીતા સંતોકબેન જાડેજાના પરિવારનું રાજ ચાલે છે. તેઓ એક્ટિવ પોલિટિક્સમાં હોય કે ન હોય છતાં વર્ષોથી અહીં ગોડમધરના નામે જાણીતા સંતોકબેન જાડેજાનું રાજ રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં કુતિયાણા બેઠક પરના રાજકીય સમીકરણો બીજી તમામ બેઠકો કરતા તદ્દન જુદા છે. રાજ્યકીય પક્ષ તરીકે છેલ્લી બે ટર્મથી આ બેઠક NCP પાસે છે. અહીં ભાજપ-કોંગ્રેસનો જગ વાગે એમ નથી. વર્ષોથી આ વિસ્તાર સંતોકબેન જાડેજા ઉર્ફે ગોડ મધરનું નામ ચાલતું આવ્યું છે. અને હવે અહીં એનસીપીથી ચૂંટાઈને ધારાસભ્ય તરીકે કાંધલ સંતોકબેન સમરણ મૂંજા જાડેજાનું નામ જ બજારમાં ચાલે છે.


દીવાર ફિલ્મના અમિતાભ સાથે મળતી આવે છે સરમણની કહાનીઃ
સમરમ મૂંજાની શરૂઆતી કહાનીનો એક ફેઝ થોડો થોડો દીવાર ફિલ્મના અમિતાભ બચ્ચનના રોલ જેવો છે. જોકે, એ રોલ પણ મુંબઈના ડોન હાજી મસ્તાન પર આધારિત હતો. એ સમય એવો હતો જ્યારે દેવુ અને કરશન વાઘેરે પોરબંદર શહેર પર કાળા બજાર અને ખંડણી માટે કબજો જમાવ્યો હતો, તે કામદારો ઉપર ત્રાસ ગુજરતો હતો. તે સમયે દીવાર ફિલ્મના અમિતાભની જેમ મેર જાતિના યુવા નેતા સરમણ મુંજા અચાનક ઉભરી આવેલાં. જે રીતે દીવાર ફિલ્મમાં અમિતાભ દરિયાઈ ડેક પર મજૂરી કામ કરતો હતો એજ રીતે સરમણ મૂંજા જાડેજા મૂળ એક મિલ મજૂર હતાં. તેઓ મહારાણા નામની મીલમાં કામ કરતા હતા તે સમયે શ્રમિકોની હડતાળ થઈ. હડતાળમાં સરમણ મૂંજા જાડેજા આગળ પડતા હતાં. મીલમાં સરમણ મૂંજાએ જોયું તો દેવૂ વાઘેર નામનો એક ગૂંડો અન્ય કામદારો પાસેથી પૈસા ઉઘરાવતો હતો. સરમણ મૂંજા જાડેજાએ આ ગુંડાને પૈસા આપવાની ના પાડી દેતા બન્ને વચ્ચે ઝઘડો થાય છે. લડાઈના અંતે સરમણ મૂંજા જાડેજાએ દેવૂ વાઘેર નામના ગુંડાની હત્યા કરી દીધી. એ હત્યા બાદ કુતિયાણામાં સરમણ મૂંજા જાડેજા રોબિન હુડ તરીકે પ્રખ્યાત થઈ ગયાં.


દુશ્મનોએ સમરણ મૂંજાની હત્યા કરી દીધીઃ
ત્યાર બાદ સમરણની કહાની આગળ વધી...પછી તો દારૂ, જુગાર સહિત બે નંબરનો એવો કોઈ ધંધો નહોતો જેમાં સમરણ મૂંજાનું નામ ન હોય. પોરબંદરની દરિયાઈ પટ્ટીનો રાજા બનીને સમરણે પોતાના મેર સમાજ પર પ્રભુત્વ બનાવી રાખ્યું. સમરણ મૂંજાએ જોત જોતામાં અહીં જબરજસ્ત વર્ચસ્વ જમાવી લીધું. થોડા સમય બાદ આ બધા અવળા ધંધાથી કંડાયેલે રમણ મૂંજા જાડેજા ક્રાઈમની દુનિયામાંથી સન્યાસ લઈ લે છે. દાયકા સુધી ગુનાહિત સામ્રાજ્ય ચલાવ્યાં બાદ સરમણે ધાર્મિક ચોલો પહેર્યા હતો. ગુનાખોરીની દુનિયામાં કહેવાય છેકે, એન્ટ્રી છે પણ એક્ઝિટ નથી. એ જ રીતે સરમણ મૂંજા જાડેજાનો પિંછો એ ગુનાખોરી અને એ ગુનેગારોએ ન છોડ્યો. તેમના ધંધામાં જે લોકો દુશ્મન હતા તેમણે સરમણ મૂંજા જાડેજાની હત્યા કરી દીધી. 


સંતોકબેન કઈ રીતે બન્યા ગોડમધર?
સમરણ મૂંજા જાડેજાની હત્યા બાદ તેમના પત્ની સંતોકબેન જાડેજાએ આ બધા જ સારા ખોટા ધંધાની સગળી કમાન સંભાળી લીધી. એક ગૃહિણી, સ્વાધ્યાય પરિવારમાં માનનારા, પાંડુરંગ શાસ્ત્રીના ભક્ત સંતોકબેનનું જીવન પતિની હત્યા બાદ બદલાઈ ગયું. પતિ સરમણ મૂંજાની હત્યા બાદ સંતોકબેન જાડેજાએ ગેંગની જવાબદારી સંભાળી લીધી. એવું કહેવાય છેકે, સમરણ મૂંજાની હત્યાના સમાચાર મળતાની સાથે જ તેમના નાના ભાઈ ભુરાભાઈ લંડન રહેતા હતા ત્યાંથી અહીં આવી ગયા બદલો લેવા માટે. ગેંગ સંભાળવાની વાત પણ કરી. જોકે, સંતોકબેને ગેંગની કમાન પોતાના હાથમાં જ રાખી. અને કથિત રીતે એમના પતિની હત્યામાં સંડોવાયેલાં લોકોની હત્યા કરી દેવાઈ. એ દરેક હત્યામાં પણ સંતોકબેન જાડેજાનો હાથ હોવાની વાતો ચર્ચાય છે.


ગોડમધરની રાજનીતિમાં એન્ટ્રીઃ
બદલાતા સમય સાથે મેર જાતિના લોકો માટે ગોડમધર તરીકે ઉભરી આવેલાં સંતોકબેન જાડેજાએ કુતિયાણાથી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જંપલાવ્યું અને જીત્યાં. ત્યાર બાદ બીજી ટર્મમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં સંતોકબેને પોતાનું ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યાં. પછી ગુજરાતમાં સત્તા પરિવર્તન થયું ભાજપની સત્તા આવી. સંતોકબેન જેતે સમયે કોંગ્રેસની સાથે હતા તેથી તેમને પોતાના ગુનાઓ બદલ તેમને જેલમાં જવું પડ્યું. 


ગોડમધર પર ફિલ્મ પણ બનીઃ
સૌરાષ્ટ્ર અને ખાસ કરીને પોરબંદરના કુતિયાણાના લોહિયાળ ઈતિહાસને દર્શાવતી ફિલ્મ પણ રૂપેરી પડદે આવી. ગોડમધર પર બનેલી ફિલ્મમાં સંતોકબેન સાથે થયેલાં અત્યાચારની વાત પણ દર્શાવવામાં આવી. અને કઈ રીતે એક સામાન્ય સ્ત્રી ગુનાખોરીની દુનિયાની ગોડમધર બની જાય છે એ પણ દર્શાવાયું. સમય જતાં સંતોકબેન જાડેજાને ફરી એકવાર સત્તાનો સાથ મળ્યો તેઓ જેલમાંથી છુટીને આવ્યાં. પછી તેઓ રાજકોટ શિફ્ટ થઈ ગયાં. એક્ટિવ પોલિટિક્સથી દૂર રહેવા છતાં કુતિયાણા અને એમ કહો કે સમગ્ર પોરબંદર જિલ્લામાં વર્ષો સુધી એમનો દબદબો રહ્યો. 


સત્તા અને સંપત્તિ મેળવવા પરિવારમાં આંતરિક કલહઃ
છેલ્લે 2005માં ભાજપના એક કોર્પોરેટર ઓડેદરાની હત્યામાં પણ સંતોકબેનનું નામ આવ્યું. પરિવારનો આંતર કલહ પણ સામે આવ્યો. કાંધલ જાડેજાના પત્ની અને સંતોકબેન જાડેજાના પુત્ર વધુની હત્યા થઈ. પુત્ર વધુની હત્યામાં કાંધલ જાડેજાના ભાઈ કરણ જાડેજાની ધરપકડ કરવામાં આવી. સંપત્તિ અને દબદબો મેળવવાની લડાઈ આ પરિવારમાં છેક અંદર સુધી પ્રસરી ગઈ હતી. પુત્રવધુ અને પરિવારના સભ્યોની હત્યામાં પણ સંતોકબેન જાડેજાનું નામ સામે આવ્યું. વર્ષ 2011માં હાર્ટ અટેકથી રાજકોટમાં સંતોકબેન જાડેજાનું નિધન થયું. 


કુતિયાણામાં કાંધલનો કોઈ વિકલ્પ નથી: કાના બાંટવા, વરિષ્ઠ પત્રકાર
સૌરાષ્ટ્ર વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશેષજ્ઞ કાના બાંટવાએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, કુતિયાણામાં તો કાંધલ જ કિંગ છે. એ પોતે ના ઉભો રહે અને બીજા કોઈને ઊભો રાખીને સમર્થન આપે તોય એ જ જીતે. કાંધલ જાડેજાને ભાજપ-કોંગ્રેસ કે કોઈ પાર્ટીમાં બંધાઈને રહેવામાં રસ નથી. તેથી કુતિયાણા બેઠક પર કાંધલનો કોઈ વિકલ્પ નથી. તે પોતાના બાહુબલની તાકાત, મેર કોમ્યુનીટીનો સપોર્ટ અને ભાજપ સાથેના તેના આંતરિક સેટિંગને કારણે અહીં એકહથ્થુ વર્ચસ્વ ધરાવે છે. જોકે, ભાજપ કે કોંગ્રેસ કાંધલની સામે આ બેઠક પર બીજો ઉમેદવાર ઉભો રાખીને જીતી જાય એ વાત શક્ય નથી. કારણકે, ભાજપે પોતાના 182 સીટો જીતવાના ટાર્ગેટમાંથી કુતિયાણા બેઠક તો પહેલાંથી જ બાકાત કરીને રાખવી પડે. 


કુતિયાણામાં કોઈ કાંધલનું નામ ના લઈ શકે: જગદિશ મહેતા, રાજકીય વિશેષજ્ઞ
સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશેષજ્ઞ જગદિશ મહેતાએ ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, કુતિયાણામાં કાંધલ સિવાય કોઈનું ના ચાલે. જેન પુરુષોત્તમ સોલંકી 'ભાઈ' તરીકેની છાપ ધરાવે છે. એ જ રીતે કાંધલ જાડેજા પણ એક પોરબંદરનો એક દબંગ નેતા છે. અહીં બધા કાંધલ જાડેજાથી ડરે છે. તે અહીનો બાહુબલી છે. કુતિયાણામાં કાંધલનું કોઈ નામ ના લઈ શકે. એનસીપીમાં હોવા છતાં તે ખુલીને રાજ્યસભામાં ભાજપને સપોર્ટ કરે છે. કાંધલને એનસીપીની નહીં પણ એનસીપી પાર્ટીને હાલ કાંધલ જાડેજાની જરૂર છે. જો ભાજપને કુતિયાણાનો કબજો લેવો જ હોય તો પછી સત્તાવાર રીતે કાંધલને ભાજપમાં સામેલ કરવો પડે બાકી તો આ સીટ પર બીજા કોઈને મેળ ના પડે.


વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણાના લેખાજોખાંઃ
વર્ષ         વિજેતા ઉમેદવાર           પક્ષ
2017    કાંધલ જાડેજા                NCP
2012    કાંધલ જાડેજા                NCP
2007    કરશન ઓડેદરા            ભાજપ
2002    કરશન ઓડેદરા            ભાજપ
1998    કરશન ઓડેદરા            ભાજપ
1995    ભૂરા કડછા                   IND
1990    સંતોકબેન જાડેજા           JD
1985    વિજયદાસજી મહંત        કોંગ્રેસ
1980    વિજયદાસજી મહંત        કોંગ્રેસ
1975    વેજાભાઈ કંબાલિયા        કોંગ્રેસ
1972    અરજણ વેજા                 કોંગ્રેસ
1967    બી.બી. ગજેરા               SWA
1962    માલદેવજી ઓડેદરા         કોંગ્રેસ


જ્ઞાનું ગણિત અને રાજકીય સમીકરણોઃ
કુતિયાણા વિધાનસભા બેઠક પર મહેર જ્ઞાતિ અને ત્યારબાદ કોળી જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ વધુ છે. 1990થી 2007 સુધી ભાજપમાંથી કુતિયાણા બેઠક કરસન દુલા ઓડેદરાનો વિજય થયો હતો. કરસન દુલા ઓડેદરા ભીમા દુલા ઓડેદરાનો ભાઈ છે. ભીમા દુલા ઓડેદરાના પિતરાઈ ભાઈ બાબુ બોખીરીયાનું રાજકીય વર્ચસ્વ વધતા ભીમા ઓડેદરાને તેનો ફાયદો થતો હતો. પછી ગુનાઈત પ્રવૃત્તિઓમાં સંડોવણી અને આક્ષેપોને કારણે વિધાનસભામાં તેમના વળતા પાણી થયાં.


આમ, સંતોકબેન જાડેજાના મૃત્યુ બાદ તેમનો રાજકીય વારસો તેમના પુત્ર કાંધલ જાડેજાને મળ્યો. ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરાને હરાવીને વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં કુતિયાણા વિધાનસભા બેઠક પરથી NCP નેતા કાંધલ જાડેજાએ ભવ્ય જીત હાંસલ કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન નહોતું. છતાંય કાંધલ જાડેજાએ પોતાના દમખમથી અહીં કુલ 11 ઉમેદવારોનો સફાયો કરીને અંદાજે 24 હજાર કરતા વધારે મતોથી શાનદાર જીત મેળવી. આ પહેલાં વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કાંધલ જાડેજાએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના કરશન ઓડેદરાને જંગી બહુમતથી હરાવ્યાં હતાં. આ બહુબલી નેતા સામે અનેક ગુનાઓ સરકારી ચોપડે નોંધાયેલાં છે. છતાં તે પોતાના દમ પર અહીં વટથી જીતતો આવ્યો છે.


જો ભાજપ 182 માંથી અન્ય 181 બેઠકોમાં જીતી પણ જાય તોય તેમણે કુતિયાણા જીતવા માટે કાંધલને ભાજપમાં સામેલ કરવો જ પડે. તેથી જો સીઆરપાટીલે તમામ 182 બેઠકો જીતવાનો ટાર્ગેટ સિદ્ધ કરવો હોય તો સૌથી પહેલાં અજેય ગણાતી કુતિયામા બેઠક પરથી કાંધલ જાડેજાને ભાજપમાં લેવા પડે. એ જ કારણ છેકે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીની વાત આવે ત્યારે સ્થાનિકો હોય કે રાજકીય પંડિતો દરેકના મોઢે એક જ વાત છેકે, કુતિયાણામાં કાંધલનો કોઈ વિકલ્પ નથી. તમામ સીટોમાં કુતિયાણા એક બેઠક એવી છે જ્યાં ભાજપ-કોંગ્રેસ કે આપ કોઈનુંય ચાલે એમ નથી.