ઝી બ્યૂરો, અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યાંથી પહેલીવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા તે બેઠક એટલે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક. ગુજરાત વિધાનસભા ચૂંટણીની VIP બેઠકોમાંથી એક એવી રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ ત્યારે ભાજપ તેમને ધારાસભ્ય બનાવવા માટે સલામત બેઠકની શોધમાં હતા.એ સમયે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી કરી અને નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડ્યા, જીત્યા અને ધારાસભ્ય બન્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી હાલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે. હાઈ પ્રોફાઈલ એવી આ બેઠક પર ફરીથી વિજય રૂપાણીને ચૂંટણી લડાવવાની તેમના સમર્થકો માંગ કરી રહ્યા છે.  વર્ષોથી ભાજપનો ગઢ રહેલી આ બેઠક સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. અને ભાજપને આ બેઠક પર વિશ્વાસ છે. એવામાં જો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ ટક્કર આપવી હશે તો મજબૂત ઉમેદવારો ઉભો રાખવો પડશે.


શું છે જ્ઞાતિગત સમીકરણો?
રાજકોટ પશ્ચિમ બેઠકમાં 3 લાખ 14 હજાર જેટલા મતદારો છે. જેમાં પાટીદારોનું વર્ચસ્વ છે. 72 હજાર પાટીદાર મતદારો છે. સાથે 44 હજાર બ્રાહ્મણ મતદારો છે. 30 હજાર વાણિયા અને 24 હજાર લોહાણા મતદારો છે. આ બેઠક પર સવર્ણોનું પ્રભુત્વ છે. અને તેઓ ભાજપ તરફી રહ્યા છે. એટલે જ આ બેઠક ભાજપ માટે સુરક્ષિત છે.


રાજકોટ પશ્ચિમ બેઠકનો ઈતિહાસ-


વર્ષ            વિજેતા                                    પક્ષ
2017        વિજય રૂપાણી                        ભાજપ
2014 (પેટા ચૂંટણી)    વિજય રૂપાણી         ભાજપ
2012        વજુભાઈ વાળા                        ભાજપ
2007        વજુભાઈ વાળા                        ભાજપ
2002 (પેટા ચૂંટણી)    નરેન્દ્ર મોદી              ભાજપ
2002        વજુભાઈ વાળા                        ભાજપ
1998        વજુભાઈ વાળા                        ભાજપ
1995        વજુભાઈ વાળા                        ભાજપ
1990        વજુભાઈ વાળા                        ભાજપ
1985        વજુભાઈ વાળા                        ભાજપ
1980        મણીભાઈ રાણપરા                   કોંગ્રેસ (I)
1975        અરવિંદભાઈ મણિયાર               BJS
1972        પ્રદ્યુમ્મનસિંહજી જાડેજા              કોંગ્રેસ
1967        એમ પી જાડેજા                         SWA


ક્યા પરિબળો જીતમાં ભજવશે ભાગ?
રાજકોટના શહેરી વિસ્તારમાં આવતી આ બેઠક મધ્યમવર્ગીય અને ઉચ્ચ મધ્યમવર્ગીય મતદારો ધરાવે છે. જેઓ મોટાભાગે નોકરી કે વ્યવસાય કરે છે. ગુજરાતને બે મુખ્યમંત્રી આપનાર આ બેઠક હાઈપ્રોફાઈલ છે. જેના મતદારો વિસ્તારમાં થયેલા કામને જોઈને મત આપવામાં માને છે. એટલે જ જે-તે પક્ષના ઉમેદવારોએ કરેલા કામ અને લોકસંપર્ક આ બેઠક પર જીત માટે મહત્વનો રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube