વિધાનસભાની વાતઃ વટવા વિધાનસભામાં આ વખતે કોનો પડશે વટ? જીતની હેટ્રીક માટે ભાજપ કોને ઉતારશે મેદાને?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ વટવા વિધાનસભા રાજ્યના પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો મતવિસ્તાર છે. આ વિસ્તાર એક પ્રકારે ભાજપનો ગઢ માનવામાં આવે છે. સતત બે ટર્મથી અહીં ભાજપના ઉમેદવાર પ્રદીપસિંહ જાડેજા જીતતા આવ્યાં છે. અને અહીંથી જીત હાંસલ કરીને પ્રદિપસિંહ રાજ્યના ગૃહરાજ્યમંત્રી તરીકે પણ સેવા આપતા આવ્યાં છે. વટવા વિધાનસભા બેઠક ભાજપના ગઢ સમાન છે. 2 ટર્મથી ભાજપના પ્રદીપસિંહ આ બેઠક પર જીતે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા જીત મેળવવા માટે મેદાન-એ-જંગની તૈયારીઓ થઈ ચૂકી છે. વિધાનસભાની વાતમાં આ આર્ટિકલમાં વાત કરીશું અમદાવાદની વટવા બેઠકની. છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર પ્રદીપસિંહ જાડેજા આ બેઠક પરથી જીતતા આવ્યાં છે. ત્યારે સવાલ એ થાય છેકે, શું આ વખતે ફરી ભાજપ અહીં લગાવશે જીતની હેટ્રીક? અને વટવામાં વટ પાડવા માટે શું છે ભાજપનો ગેમ પ્લાન જાણો...
આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અત્યાર સુધીની ચૂંટણીઓ કરતા સાવ અલગ હશે. કારણકે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષો ચૂંટણીમાં આમને-સામને દેખાતા હતાં. જોકે, આ વખતે આમ આદમી પાર્ટી પણ તમામ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખીને ચૂંટણી જંગમાં ઝુકાવી રહી છે. ત્યારે હવે આ જંગ આમને-સામને ની નહીં પણ ત્રિ-પાંખિયો જંગ થઈ ગઈ છે. આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી છે જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. એવામાં છેલ્લાં 27 વર્ષ સુધી સતત ગુજરાતમાં શાસન કરનાર ભાજપ માટે કેટલીક સીટો જીતવી સાવ સરળ ગણાય છે. એમાંની એક સીટ એટલે વટવા વિધાનસભા. આ વિસ્તાર મુખ્યત્વે ભાજપનો ગઢ ગણાય છે. જેને કારણે અહીં ભાજપને કોઈ મોટા પડકારનો સામનો કરવો પડતો નથી.
હાર-જીતનો હિસાબઃ
ગુજરાત રાજ્યની 2017 માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં વટવા વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 61.81 નોંધાઈ હતી. 2017 માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર પ્રદિપિંહ ભગવતસિંહ જાડેજાએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પટેલ બિપિનચંદ્ર રઘુનાથભાઈને 61.81 ટકા વોટના માર્જીનથી હરાવ્યા હતા.
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2012 પ્રદિપ સિંહ જાડેજા ભાજપ
2017 પ્રદિપ સિંહ જાડેજા ભાજપ
વર્ષ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કુલ 1,31,133 મતો મળ્યા હતા. જ્યારે આઈએનસી ઉમેદવાર પટેલ બિપિનચંદ્રને 68,753 મત મળ્યા હતા. આમ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 62380 મતોથી વિજય મેળવ્યો હતો. બીજી તરફ વર્ષ 2012માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાને 95,580 મત મળ્યા હતા. જ્યારે આઈએનસીના ઉમેદવાર અતુલકુમાર પટેલને 48,648 મત મળ્યા હતા. આમ 46,932 મતોના માર્જીનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રદિપસિંહ જાડેજાનો વિજય થયો હતો.
વટવામાં ભાજપનું વર્ચસ્વઃ
2012માં આ બેઠક પરથી ભાજપના પ્રદીપસિંહ જાડેજા ચૂંટણી જીત્યા હતા. અને ત્યાર બાદ તેમને ફરી એકવાર વર્ષ 2017માં આજ બેઠક પરથી ચૂંટણી લડવાનો મોકો મળ્યો હતો. બન્ને વાર પ્રદીપસિંહ જાડેજાને રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન તરીકે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હતું. જોકે, ત્યાર બાદ પીએમ મોદીએ નો-રિપીટ થિયેરી અપનાવીને આખું મંત્રીમંડળ બદલી નાંખ્યું જેમાં પ્રદીપસિંહને પણ ઘરે બેસી જવાનો વારો આવ્યો. આવી સ્થિતિમાં જો અહીં નો-રિપીટ થિયેરીને અનુસરીને ભાજપ આગળ વધે તો પ્રદીપસિંહ જાડેજાનું પત્તુ કપાઈ શકે છે.
વટવા વિધાનસભા:
વર્ષ 2008થી નવા સીમાંકન બાદ આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. વટવા વિધાનસભા બેઠકમાં મુખ્યત્વે અમદાવાદ શહેર તાલુકો - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. - 42, ઓઢવ - 47 તેમજ દસક્રોઈ તાલુકા ગામો - કણભા, કુજાડ, બાકરોલ બુજરંગ, ગાત્રાડ, મેમદપુર, બીબીપુર, ગેરાતનગર, વંચ, ધમતવન, વિંઝોલ, વટવા, હાથીજણ, સિંગરવા, વસ્ત્રાલ, રામોલ વગેરેનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 3,87,390 મતદારો છે જેમાં 208188 પુરુષ મતદારો, 1,79,185 સ્ત્રી મતદારો અને 17 અન્ય મતદારો છે.
જ્ઞાતિનું ગણિતઃ
વટવા વિસ્તારમાં કોઈ એક જાતિને બદલે બધી જ જાતિના લોકો વસવાટ કરે છે. અહીં પાટીદાર, લઘુમતી અને દલિત સમાજના લોકો મુખ્યત્વે વસવાટ કરે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં વટવાની ગણતરી થાય છે. વટવા વિસ્તારમાં મિક્ષ પબ્લિક કરે છે. ખાસ કરીને વટવામાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા ડાયમડના વેપારીઓનો બહોળો વર્ગ વસે છે. એક જમાનામાં અહી કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી. તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે.
વટવાના વિકટ પ્રશ્નોઃ
અમદાવાદના વટવા વિસ્તારમાં સંખ્યાબંધ પ્રશ્નો છે. અહીં ગટરની વ્યવસ્થા નથી, પીવાના પાણીના પ્રશ્નો છે. અહીં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સામાન્ય વરસાદમાં અહીં પાણી ભરાઈ જાય છે. આ વિસ્તારમાં મોટી જીઆઈડીસી હોવા છતાં આ વિસ્તારમાં રોજગારીનો મોટો પ્રશ્ન છે. એટલું નહીં અહીં જીઆઈડીસીને કારણે પાણી અને વાયુપ્રદૂષણની સમસ્યા પણ છે.