Gujarat Assembly 2022 Result ગૈૌરવ પટેલ/અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા ગઈકાલે કોંગ્રેસ એક્શનમાં આવી છે. જો બહુમતી મળે તો કોંગ્રેસે સરકાર બનાવવાની જગ્યાએ પોતાના ધારાસભ્યોને બહાર મોકલવાની તૈયારીઓ આરંભી હતી. આખરે કોંગ્રેસને શું ડર છે અને આવું કરવા પાછળનું શું છે કારણ, જોઈએ આ અહેવાલમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસને આશા છે કે ગુજરાતમાં તેનો સત્તામાંથી 27 વર્ષનો વનવાસ આ વખતે પૂર્ણ થશે, આ જ કારણ છે કે કોંગ્રેસે પોતાના પ્રદેશ કાર્યાલયની બહાર આ કાઉન્ટડાઉન ઘડિયાળ લગાડી છે, આ ઘડિયાળ ગુરુવારે બપોરે 12 વાગ્યે રોકાઈ જશે. એટલે કે ઘડિયાળ ત્યાં સુધી કામ કરશે જ્યાં સુધી મતગણતરીમાં રુઝાન સ્પષ્ટ ન થઈ જાય. કોંગ્રેસે દાવો કર્યો છે કે જ્યારે ઘડિયાળ બંધ થશે ત્યારે ભાજપની સરકાર નહીં રહે. જો કે એક્ઝિટ પોલના આંકડા કોંગ્રેસના આ દાવા સામે સવાલ ઉભા કરે છે.
 
તેમ છતા પરિણામો પહેલાં કોંગ્રેસ એક્શનમાં આવ્યુ છે. ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પ્રદેશ કાર્યાલયમાં બેઠક યોજી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સહિતના આગેવાનો હાજર રહ્યા. બેઠકમાં મતદાનના આંકડાનું વિશ્લેષણ કરાયું તેમજ પરિણામ બાદના કાર્યક્રમોનું આયોજન પણ કરાયું.


કોંગ્રેસનું અનુમાન છે કે નજીવા માર્જિનવાળી ઘણી બેઠકો હશે. આ જ કારણસર તે પરિણામો પહેલા જ એક્શનમાં છે. બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું જણાવાય છે. સૌથી મોટો નિર્ણય એવો છે કે જો પરિણામો કોંગ્રેસ તરફી હશે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોંગ્રેસ રાજ્યની બહાર લઇ જશે. આ અંગે આજે ગુરુવારે સવારે 11 વાગ્યા બાદ આખરી નિર્ણય લેવાશે. આ માટે તમામ સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. જો કે કોંગ્રેસના નેતાઓ આ અંગે સ્પષ્ટતા કરવાનો ઈન્કાર કરે છે. 



કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસે માને છે કે પરિણામો ચોંકાવનારા હશે. એગ્ઝિટ પોલ્સમાં જ્યાં ભાજપની સરકાર બનતી હોવાનો દાવો કરાયો છે, ત્યાં કોંગ્રેસે એક્ઝિટ પોલ્સને નકારી કાઢ્યા છે. કોંગ્રેસને ત્યાં સુધી વિશ્વાસ છે કે પક્ષને 125થી વધુ બેઠકો મળશે.


ગઈકાલે કોંગ્રેસમાં અંદરખાને બેઠકોનો દોર ચાલ્યો હતો. ત્યાં બીજી તરફ ભાજપમાં જીતના જશ્નની આગોતરી તૈયારીઓ આરંભી દીધી હતી. કમલમમાં મંડપ સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 


હવે જોવું એ રહેશે કે પરિણામો એગ્ઝિટ પોલ્સ પ્રમાણે આવશે કે પછી ચોંકાવનારા રહેશે. કોંગ્રેસના દાવા અને મતગણતરીના આંકડા મેળ ખાશે છે કે નહીં...આ માટે હવે વધુ સમય સુધી રાહ જોવાની જરૂર નથી.