Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની 2022 ની બીજા તબક્કાની ચૂંટણી માટે પ્રચારના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વ્યાપક પ્રચાર કર્યો. ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદારોને રિઝવવા ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી દીધું. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન છે. ઉત્તર અને મધ્ય ગુજરાત હવે નક્કી કરશે કે ગુજરાતમાં કોની સરકાર બનશે. પ્રચારમાં શું ખાસ રહ્યું તે જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ કારણ છે કે શનિવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા રાજકીય પક્ષોએ પ્રચાર પાછળ સંપૂર્ણ તાકાત હોમી દીધી છે. પ્રધાનમંત્રીએ સતત બીજા દિવસે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો. ગુરુવારે નરોડાથી ચાંદખેડા સુધીના રોડ શો બાદ શુક્રવારે પ્રધાનમંત્રીએ બાપુનગરથી સરસપુર સુધી રોડ શો યોજ્યો. આ પહેલા તેમણે ભદ્રકાળી મંદિરમાં દર્શન કરી પૂજા પણ કરી હતી. બનાસકાંઠા, પાટણ અને આણંદ બાદ પ્રધાનમંત્રીએ અમદાવાદમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું. તેમણે લોકોને એક વોટની તાકાત સમજાવી હતી.


બનાસકાંઠામાં ચૂંટણી રેલીને સંબોધતા પ્રધાનમંત્રીએ અહીંના લોકો સાથે પોતાનું જોડાણ દેખાડવા કંઈક એવું કહ્યું કે લોકોમાં હાસ્યની છોળો ઉડી હતી. પ્રધાનમંત્રીએ બનાસકાંઠાના લોકોને કહ્યું કે નર્મદાના પાણી જ્યાં નથી પહોંચ્યા ત્યાં પહોંચવાના છે. નર્મદા મુદ્દે તેમણે ફરી કોંગ્રેસને ઘેરી હતી. 


પ્રધાનમંત્રીએ જ્યાં ઉત્તર ગુજરાતમાં પ્રચાર કર્યો, તો ગૃહ મંત્રી શાહે મધ્ય ગુજરાતમાં મોરચો સંભાળ્યો હતો. શાહે વડોદરામાં રોડ શો યોજ્યો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. 



તો આ તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ વડોદરામાં કોંગ્રેસ માટે પ્રચાર કર્યો. તેઓ પોતે તો કોંગ્રેસમાં નથી જોડાયા, પણ તેમણે રોડ શોમાં ભાગ લઈને કોંગ્રેસના માંજલપુરના ઉમેદવાર માટે પ્રચાર જરૂર કર્યો. કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કરીને તેમણે ભાજપ પર નિશાન સાધ્યું.


પ્રચાર યુદ્ધમાં ભલે બધા પોતાની જીતના દાવા કરતા હોય, પણ જનતાને કોનામાં વિશ્વાસ છે, એ 8 ડિસેમ્બરે નક્કી થઈ જશે.


વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું મતદાન 2017ની સરખામણીમાં ઓછું રહ્યું છે. ઘણી બેઠકો પર તો મતદાનમાં ઘટાડો નોંધપાત્ર છે. આ સ્થિતિ વચ્ચે રાજકીય પક્ષો અંદરથી મૂઝવણમાં છે. જો કે ભાજપ અને કોંગ્રેસે પોતાની જીતના દાવા કર્યા છે. કોંગ્રેસ પાસે તો જીતેલી બેઠકોનો ચોક્કસ આંકડો પણ છે. ત્યારે હવે 8 ડિસેમ્બર પર મદાર છે.