અમરાઈવાડીમાં પટેલ V/s પટેલ : બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ, કોણ ફાવશે?
Gujarat Elections 2022 : મિની ભારત તરીકે પ્રખ્યાત અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા બેઠકના સમીકરણો શું છે એ જોઈએ
Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ : અમદાવાદ શહેરમાં વિધાનસભાની 16 બેઠકો છે, જે પૈકી ભાજપ પાસે 12 અને કોંગ્રેસ પાસે 4 બેઠક છે. શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો જનધારા આસમાને હોય છે, જેનો પરિચય વર્ષ 2017ની વિધાનસભાની ચુંટણીમાં જોવા મળ્યો. અમદાવાદની ભાજપે જીતેલી 12 બેઠકોની લીડ હજારોમાં હતી. જોકે વર્ષ 2019 માં અમરાઇવાડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઇ અને તેમાં ભાજપની લીડ ઘટીને 5000 ની આસપાસ રહી ગઇ. ફરી હવે વિધાનસભાની ચુંટણી આવી ગઈ છે તેમાં અમરાઇવાડી બેઠકની શું સ્થિતિ છે તે જોઇએ.
અમરાઇવાડીને અમદાવાદનું મિની ભારત કહેવામાં આવે છે. કારણ કે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી રોજગારી માટે દેશના અનેક રાજ્યના લોકો અહીં સ્થાયી થયા, જે હવે આ વિધાનસભા બેઠકની હારજીત માટે નિર્ણાયક મતદાર બન્યા.
અમરાઇવાડી વિધાનસભાની જ્ઞાતિ સમીકરણ પર નજર કરીએ તો, આ બેઠકમાં કુલ 2 લાખ 79 હજાર મતદારો છે. જેમાં 40 હજારથી વધારે પાટીદાર, 60 હજારથી વધારે અનુસુચિત જાતિ, 30 હજાર સવર્ણ, 36 હજાર ઓબીસી, 55 હજારથી વધારે પરપ્રાંતિય તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
વર્ષ 2019ની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે અમરાઇવાડીથી 5528 મતે હારેલા ધર્મેન્દ્ર પટેલને ફરી ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. તેમનો દાવો છે કે પેટાચૂંટણીમાં સમય નહતો મળ્યો અને આ ચૂંટણીમાં તેઓનો વિજય થશે. ભાજપ સરકારની નિષ્ફળતા, મોંઘવારી, કોરોના જેવા મુદ્દા તથા કોંગ્રેસે જાહેર કરેલ વચનના નામે મત માંગી રહ્યા છે.
વર્ષ 2019ની પેટા ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષ તથા અપક્ષ મળી કુલ 9 અપક્ષ હતા અપક્ષને ફાળે 3876 મત મળ્યા હતા. જ્યારે નોટાને 1185 મત મળ્યા હતા. વર્તમાન ચૂંટણીમાં અપક્ષની સાથે સાથે એઆઇએમઆઇએમ અને આમ આદમી પાર્ટી મેદાને છે, અન્ય રાજકીય પાર્ટીના ખેલ બગાડી શકે છે.
અમરાઇ વાડી બેઠકના ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1962 માં અમરાઇવાડી વિધાનસભાનું કોઈ અસ્તિત્વ ન હતું. એ સમયે અમદાવાદ શહેરમાં માત્ર સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થતો હતો. જેમાં સાબરમતી એલિસબ્રિજ, દરિયાપુર-કાઝીપુર અસારવા, જમાલપુર ખાડીયા, દરિયાપુર, શહેરકોટડા અને ગોમતીપુરનો સમાવેશ થતો હતો. 1967 અને 1972માં કાંકરીયા બેઠક અસ્તિત્વમાં આવી, જેમાં અમરાઇવાડીનો સમાવેશ થતો હતો. વર્ષ 1975માં મણિનગર વિધાનસભા અસ્તિત્વમાં આવી, જેમાં અમરાવાડી વિસ્તારનો સમાવેશ થતો હતો. 1975માં મણિનગરના ધારાસભ્ય તરીકે રાષ્ટ્રીય મજદુર પક્ષના નવિનચંદ્ર બારોટ કોંગ્રેસના નટવરલાલ શાહ સામે 6574 મતથી વિજયી બન્યા હતા
1975 નવીનચંદ્ર બારોટ, આરએમપી - 27853 (6574 મતે વિજય) નટવરલાલ શાહ, કોંગ્રેસ - 21279
1980 રામલાલ રૂપલાલ, કોંગ્રેસ (આઇ) - 33894 (11138 મતે વિજયી) ઇન્દુભાઇ પટેલ, જનતા પાર્ટી - 22756
1985 રામલાલ રૂપલાલ, કોંગ્રેસ - 36580 (16739 મતે વિજય) હરીન પાઠક, ભાજપ - 19841
1990 કમલેશ ગોવિંદભાઇ પટેલ, ભાજપ - 55610 (30464 મતે વિજય) જયંતીભાઇ કપાસી, જનતાદળ - 25146
1995 કમલેશ ગોવિંદભાઇ પટેલ, ભાજપ - 88838 (52128 મતે વિજય) ચીમનલાલ હરીચંદ શાહ, કોંગ્રેસ - 36710
1998 કમલેશ ગોવિંદભાઇ પટેલ, ભાજપ - 82652 (39050 મતે વિજય) વિજય કેલ્લા, કોંગ્રેસ - 43602
2002 નરેન્દ્ર મોદી, ભાજપ - 113589 (75333 મતે વિજય) યતીન ઓઝા, કોંગ્રેસ - 38256
2007 નરેન્દ્ર મોદી, ભાજપ - 139568 (87161 મતે વિજય) દિનશા પટેલ, કોંગ્રેસ - 52407
વર્ષ 2010માં થયેલા નવા સીમાંકનમાં અમરાઇવાડી વિધાનસભા અસ્તિત્વમાં આવ્યું, જેની અત્યાર સુધી બે ચૂંટણીઓ યોજાઇ છે
2012 હસમુખભાઇ સોમાભાઇ પટેલ, ભાજપ - 108683 (65425 મતે વિજય) બીપીનભાઇ ગોપાલભાઇ ગઢવી, કોંગ્રેસ - 43258
2017 હસમુખભાઇ સોમાભાઇ પટેલ, ભાજપ - 105694 (49732 મતે વિજય) અરવિંદ ચૌહાણ, કોંગ્રેસ - 55962
ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે 2022 ના વર્ષે ડો.હસમુખ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 1999થી ભાજપના ડોક્ટર સેલના સભ્ય રહેલા હસમુખ પટેલનો દાવો છે કે તેમને અહીથી ભવ્ય જીત મળશે. તેઓ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા અને ભાજપાની સરકારે કરેલા વિકાસના કાર્યોના આધારે મત માંગી રહ્યાં છે. હસમુખ પટેલના કહેવા મુજબ, પેટાચૂંટણીમાં અલગ સમીકરણ રચાતાં લીડ ઘટી હતી. જોકે અત્યારે પ્રધાનમંત્રીનો મેન્ડેન્ટ જનતામાં એટલો બધો છે કે, 50 હજાર કરતાં વધારે મતથી ભાજપ વિજયી બનશે.
રાજ્યના શહેરી વિસ્તારમાં કોંગ્રેસનો જનાધાર લગભગ નહિવત છે, જ્યાં લઘુમતી અને અનુસુચિત જ્ઞાતિના લોકો છે ત્યાં માંડ કોંગ્રેસ જીવતી રહી હોય એમ દેખાય છે. ત્યારે વર્ષ 2019ની પેટાચૂંટણીમાં અમરાઇવાડી બેઠક કોંગ્રેસ માટે નવી આશા લઇને આવી જોવાનું એ છે કે વર્ષ 2022 ની વિધાનસભાની ચુંટણીમાં શુ પરિણામ આવે છે.