વિધાનસભાની વાતઃ પેટલાદમાં કેમ ચાલે છે કોંગ્રેસનું રાજ? ભાજપ માટે કેમ આ બેઠક ગણાય છે પડકાર?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાતની પેટલાદ વિધાનસભા બેઠક ઘણી મહત્વની માનવામાં આવે છે. આ સીટને જીતવા માટે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે ખેંચમતાણ ચાલે છે. પરંતુ છેલ્લી 4 ટર્મથી અહીંયા કોંગ્રેસ બાજી મારી જાય છે. આ બેઠક પર ભાજપ માત્ર 2002માં જ જીત મેળવી શક્યું હતું.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 ની ચૂંટણી અત્યાર સુધીની તમામ ચૂંટણીઓ કરતા અલગ છે. કારણકે, અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વર્ષોથી બે પરંપરાગત રાજકીય પક્ષો જ અહીં ચૂંટણી જંગમાં સામસામે ટકરાતા હતાં. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ મેદાનમાં ઉતરીને ત્રિ-પાંખિયા જંગનું ખુલીને એલાન કરી દીધું છે. આવી સ્થિતિમાં આ ચૂંટણી પહેલાંની ચૂંટણીઓ કરતા વધારે રસપ્રદ બની રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બધા પક્ષો તડામાર તૈયારી કરી રહ્યા છે. વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની પસંદગીથી લઈને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે રણનીતિ પણ બનાવી રહ્યા છે. તેની વચ્ચે અમે તમને જણાવીશું આણંદ જિલ્લાની મહત્વની એવી પેટલાદ બેઠકના રાજકીય સમીકરણની.
પેટલાદ બેઠક વિશે જાણો:
પેટલાદ અત્યારે આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું મુખ્ય મથક છે. પેટલાદ ભૂતકાળમાં પોતાના કાપડ ઉદ્યોગ માટે ખૂબ જાણીતુ હતું. પેટલાદને એક સમયનુ મિની માન્ચેસ્ટર ગણવામાં આવતું હતું. અહીંનુ કાપડ માત્ર દેશમાં જ નહી પણ વિદેશોમાં પણ વખણાતુ હતું. જો કે સમયની થાપ અને નબળી નેતાગીરીને કારણે હાલ આ ભવ્ય ઈતિહાસ માત્ર યાદ બનીને રહી ગયો છે.
પેટલાદ બેઠક પર મતદારો:
બેઠક પર 2, 18, 289 મતદારો છે. જેમાં 1,12,990 પુરુષ મતદારો અને 1, 05,245 મહિલા મતદારો છે. પેટલાદ બેઠક મુસ્લિમ, પાટીદાર અને ક્ષત્રિય મતદારો વધારે છે. અહીંયા 76,818 ક્ષ્રત્રિય મતદારો, 32,105 પાટીદાર મતદારો,2412 વણિક મતદારો, 2609 બ્રાહ્મણ, 37,182 તળપદા અને 515 ભરવાડ મતદારો છે. એવામાં આ સીટ પર ક્ષત્રિય અને પાટીદાર સમુદાયના મત નિર્ણાયક સાબિત થાય છે.
પેટલાદ બેઠકનું રાજકીય ગણિત:
આણંદની પેટલાદ બેઠકને ખૂબ જ મહત્વની બેઠક માનવામાં આવે છે. આ બેઠક જીતવા માટે દરેક ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનુ જોર લગાવવામાં આવે છે. છતા પણ જો રાજકીય ઈતિહાસની વાત કરવામાં આવે તો પરંપરાગત રીતે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2002 ના અપવાદને બાદ કરતા આ બેઠક પર હરહંમેશ કોંગ્રેસનો જ વિજય થતો આવ્યો છે.
પેટલાદ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 જશાભાઈ પટેલ સ્વતંત્ર
1967 એ.એ.મિરઝા કોંગ્રેસ
1972 પટેલ પ્રભુદાસ કોંગ્રેસ
1975 પટેલ ફૂલાભાઈ NCO
1980 ગોવિંદભાઈ ચૌહાણ કોંગ્રેસ
1985 આશાભાઈ બારૈયા કોંગ્રેસ
1990 નિરંજન પટેલ કોંગ્રેસ
1995 નિરંજન પટેલ કોંગ્રેસ
1998 નિરંજન પટેલ કોંગ્રેસ
2002 ચંદ્રકાંત પટેલ ભાજપ
2007 નિરંજન પટેલ કોંગ્રેસ
2012 નિરંજન પટેલ કોંગ્રેસ
2017 નિરંજન પટેલ કોંગ્રેસ
પેટલાદ બેઠકની સમસ્યાઓ:
પેટલાદ વિધાનસભા બેઠકની સમસ્યાની વાત કરીએ તો અહીંયા યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે. એવું કહેવામાં આવે છેકે છેલ્લી 3 ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય પણ બેરોજગારીની સમસ્યાને હલ કરવામાં ખાસ કંઈ સફળ થઈ શક્યા નથી. સ્થાનિક જીઆઈડીસી અને ખાંડનો ઉદ્યોગ બંધ થવાથી અહીંયા બેરોજગારીની સમસ્યા વધી ગઈ છે. અહીંયા મુખ્ય વ્યવસાય ખેતી છે. પરંતુ સમયસર પાણી પૂરતા પ્રમાણમાં ન મળવાથી સિંચાઈની સમસ્યા ઉત્પન્ન થાય છે. તેનાથી ખેડૂતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube