આપ બાદ કોંગ્રેસ પણ જાહેરાતોની રેસમાં, ચૂંટણી પહેલા ખેડૂતો માટે કરી મફત વીજળીની ઘોષણા
Gujarat Election 2022 : વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની મોટી જાહેરાત...કહ્યું સરકાર બનશે તો ખેડૂતના 3 લાખ સુધીના દેવા માફ કરી 10 કલાક મફત વીજળી આપીશું..સિંચાઈ દરમાં 50 ટકાની રાહત મળશે..
ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના માર્ગે ચાલતા કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. જોકે, કોંગ્રેસ સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક ખેડૂતોને લઈને માર્યો છે. ખેડૂતોને રિઝવવા માટે કોંગ્રેસે ચૂંટણી પહેલાં મોટી જાહેરાત કરી છે કે જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ ખેડૂતોના વીજળીના મીટરો નાબૂદ કરીને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે. સાથે જ ખેડૂતોના સ્વ વીજવપરાશ અને વધારાની વીજળી વેચી શકે તે માટે સોલાર -વિન્ડ મિની ફાર્મિગ માટે માતબર સહાય કરવામાં આવશે. જો કોંગ્રેસની સરકાર બનશે તો તમામ પહેલી કેબિનેટમાં તમામ ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે.
ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં જે રીત એક્ટિવ થઈ છે, તે જોતા ભાજપ-કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. બંને પક્ષોએ હવે ઘોડા દોડાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આપ બાદ ગુજરાત કોંગ્રેસે ખેડૂતો માટેના વચનો જાહેર કર્યાં છે. આ સાથે જ વિવાદ બાદ રાજનીતિમાંથી થોડા સમય ગાયબ રહેલા ભરતસિંહ સોલંકી ફરીથી એક્ટિવ થયા છે. તેમણે ખેડૂતલક્ષી અનેક જાહેરાતો કરી છે.
આ પણ વાંચો : દેવનાથ બાપુને સર કલમ કરવાની મળી ધમકી, ‘પઠાણ’ ફિલ્મનો કર્યો હતો વિરોધ
કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામા આવી કે, કોંગ્રેસ પક્ષની સરકાર તમામ ખેડૂતોને વીજળીનાં મીટરો નાબૂદ કરીને દિવસના ભાગે ૧૦ કલાક ફ્રી વીજળી આપશે. ખેડૂતોને સ્વ વિજવપરાશ તથા વધારાની વીજળી વેચી શકે તે માટે ‘સોલાર-વીન્ડ મીની ફાર્મીંગ’ માટે માતબર સહાય કરાશે. કોંગ્રેસની સરકાર બનશેતો તમામ ખેડૂતોના રૂ. ૩ લાખ સુધીનાં દેવાં પ્રથમ કેબિનેટમાં જ માફ કરી દેશે.
ખેડૂતો માટે મફત વીજળી, લોન માફીની કોંગ્રેસની જાહેરાત પર AAP એ કોંગ્રેસ પર પ્રહાર કર્યો. આપના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું કે, કોંગ્રેસના આવા વચનો પર વિશ્વાસ કોણ કરશે. કોંગ્રેસની સરકાર છે ત્યાં આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.