ધાનેરા વિધાનાસભા બેઠક : કોંગ્રેસનો ગઢ કોણ કરશે ધમાકો? કોંગ્રેસ ગઢ જાળવશે કે પછી ગુમાવશે?
Gujarat Elections : ઉત્તર ગુજરાતની એક એવી બેઠક જ્યાં ભાજપનું જીતવુ નામુમકિન છે, તો આ વખતે શું થશે જોઈએ રાજકીય ગણિત
અમદાવાદ :ઉત્તર ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠાની મહત્વની બેઠક એટલે ધાનેરા. રાજસ્થાનની સરહદે આવેલા આ મત વિસ્તારમાં ધાનેરા તાલુકો, પાલનપુર તાલુકાના કેટલાક વિસ્તાર અને દાંતિવાડા તાલુકાના વિસ્તારોનો સમાવેશ થાય છે. અહીં મોટાભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. છેલ્લા એક દાયકાથી અહીં કોંગ્રેસનો દબદબો છે. મોટાભાગે આ બેઠક કોંગ્રેસને જ વફાદાર રહી છે. જો કે, વચ્ચે ધાનેરાએ પરિવર્તનનો નિર્ધાર કર્યો અને સતત દોઢ દાયકા સુધી ભાજપના ઉમેદવારને જીતાડ્યો હતો.
શું છે ધાનેરા બેઠકનો સમીકરણો?
બનાસકાંઠાની ધાનેરા વિધાનસભા બેઠક ગ્રામીણ મતદારો ધરાવે છે. આ વિધાનસભા બેઠક પર 2 લાખ 15 હજાર 463 મતદારો છે. જેમાં 1 લાખ 13 હજાર 503 પુરુષ મતદારો અને 1 લાખ 1 હજાર 958 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજનું પ્રભુત્વ છે. અહીં લગભગ 22-22 ટકા જેટલી ઠાકોર અને ચૌધરી સમાજના મતદારો છે. જ્યારે 13 ટકા દલિત મતદારો તો 15 ટકા માલધારી અને અન્ય મતદારો 17 ટકા છે.
શું છે ધાનેરા બેઠકનો ઈતિહાસ?
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 પટેલ નતાભાઈ હેગોલભાઈ કોંગ્રેસ
2012 જોતાભાઈ કસનાભાઈ પટેલ કોંગ્રેસ
2007 મફતલાલ મોતીરામ પુરોહિત ભાજપ
2002 પટેલ હરજીવનભાઈ હીરાભાઈ ભાજપ
1998 હરજીવનભાઈ હીરાભાઈ પટેલ ભાજપ
1995 રબારી ગવાભાઈ હમીરભાઈ કોંગ્રેસ
1990 પટેલ હરજીવનભાઈ હીરાભાઈ ભાજપ
1985 પટેલ જોતાભાઈ કસનાભાઈ કોંગ્રેસ
1980 પટેલ જોતાભાઈ કસનાભાઈ જેએનપી
1975 દવે મનસુખલાલ જયશંકર કોંગ્રેસ
1972 દુલાભાઈ સાવજીભાઈ દેસાઈ કોંગ્રેસ
1967 બી.જે.જોશી SWA
1962 સુરજમલ માવજીભાઈ શાહ કોંગ્રેસ
2022માં શું થશે?
અત્યાર સુધીમાં ધાનેરા વિધાનસભા બેઠક પર 13 વાર ચૂંટણી લડાઈ છે. જેમાં સાત વાર આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે. જ્યારે ભાજપ આ બેઠક પર 1962થી અત્યાર સુધીમાં ચાર જ વાર જીતી ચુક્યું છે. બે વાર આ બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી. છેલ્લા એક દાયકાથી કોંગ્રેસને વફાદાર આ બેઠક કોંગ્રેસ જાળવી શકશે કે પછી ભાજપ કે AAP ફાવી જશે એ તો સમય જ બતાવશે.