ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં આમ તો છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ છે. પરંતુ અહીંયા અનેક એવી બેઠકો છે જ્યાં હજુ સુધી ભાજપને જીત મળી શકી નથી. આવી જ એક વિધાનસભાની બેઠક છે મહુધા. ખેડા જિલ્લામાં આવેલી મહુધા બેઠક પર ભાજપ હજુ સુધી જીતનો સ્વાદ ચાખી શક્યું નથી. અહીંયાની કુલ જનસંખ્યામાં અનુસૂચિત જાતિ એટલે કે એસસી અને એસટી અનુક્રમે 2.97 ટકા અને 0.74 ટકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકનું રાજકીય ગણિત:
ગુજરાતની મહુધા વિધાનસભા બેઠક પર વર્ષ 1975થી કોંગ્રેસના ઉમેદવાર જીતતા આવે છે. આ કોંગ્રેસનો એવો કિલ્લો છે જેના પર હજુ સુધી ભાજપ શાસન કરી શક્યું નથી. આ સીટ પર ઠાકોર, ક્ષત્રિય અને પાટીદાર સમુદાયનો દબદબો છે. જેમના મત આ બેઠક પર જીત માટે નિર્ણાયક હોય છે. બીજેપી અને કોંગ્રેસ ઓબીસી અને ક્ષત્રિય મતદારોને મત પોતાની તરફ ખેંચવા માટે પ્રયાસ કરે છે.


મહુધા બેઠક પર મતદારો:
મહુધામાં કુલ 2,23,610 મતદારો છે. જેમાં 1 લાખ 15 હજાર 996 પુરુષ મતદારો છે અને 1 લાખ 7 હજાર 608 મહિલા મતદારો છે.


2017નું પરિણામ:
2017માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રજીતસિંહ પરમારે ભાજપના ભરતસિંહ પરમારને હરાવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને લગભગ 78,000 મત મળ્યા હતા. જોકે આ બેઠક પર પરાજય બાદ ભરતસિંહ પરમારે 2017ની ચૂંટણીમાં હાર પછી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે ચૂંટણીના થોડા સમય પહેલાં તે પાછા બીજેપીમાં જોડાઈ ગયા હતા. તેમની સાથે કોંગ્રેસના કેટલાંક કાર્યકર્તા પણ ભાજપમાં જોડાયા હતા.


મહુધા બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ  વિજેતા ઉમેદવાર          પક્ષ
1967  વી.બી.વાઘેલા         સ્વતંત્ર
1972  હરમનભાઈ પટેલ       એનસીઓ
1975  બળવંતસિંહ સોઢા      કોંગ્રેસ
1980  બળવંતસિંહ સોઢા     કોંગ્રેસ
1985  બળવંતસિંહ સોઢા     કોંગ્રેસ
1990  નટવરસિંહ ઠાકોર      કોંગ્રેસ
1995  નટવરસિંહ ઠાકોર      કોંગ્રેસ
1998  નટવરસિંહ ઠાકોર      કોંગ્રેસ
2002  નટવરસિંહ ઠાકોર      કોંગ્રેસ
2007  નટવરસિંહ ઠાકોર      કોંગ્રેસ
2012  નટવરસિંહ ઠાકોર      કોંગ્રેસ
2017  ઈન્દ્રજીતસિંહ પરમાર     કોંગ્રેસ


કોંગ્રેસનો અભેદ કિલ્લો છે મહુધા:
ભારતીય જનતા પાર્ટી ભલે આખા ગુજરાતમાં રાજ કરતી હોય પરંતુ મહુધા બેઠક એવી છે જ્યાં હજુ સુધી ક્યારેય કમળ ખીલી શક્યું નથી. કોંગ્રેસના નટવરસિંહ ઠાકોરે વર્ષ 2012માં 58,373 મત મેળવીને ભાજપના રતનસિંહને હરાવ્યા હતા. જ્યારે 2007માં નટવરસિંહે ભાજપના નટવરલાલ ભટ્ટને હાર આપી હતી. આ પહેલાં નટવરસિંહ ઠાકોર 2002, 1998, 1995 અને 1990માં કોંગ્રેસની સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube