વિધાનસભાની વાતઃ અબડાસામાં આવખતે કેવા ગઢાયા છે ઘાટ? જાણો પુનરાવર્તન થશે કે પરિવર્તન
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે. રાજકીય પક્ષો પણ પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારીને જીત હાંસલ કરવા કમરકસી રહ્યાં છે. ત્યારે જોઈએ અબડાસામાં આ વખતે પરિવર્તન થશે કે પુનરાવર્તન.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગૃહના ક્રમાંક મુજબ ગુજરાતની પહેલા નંબરની વિધાનસભા બેઠક એટલે કચ્છની અબડાસા વિધાનસભા બેઠક. પહેલા નંબરની આ બેઠકના અનેક રંગ છે. અને ખાસિયત એ છે કે, અહીં સતત બે ટર્મ સુધી કોઈ વ્યક્તિ ધારાસભ્ય નથી રહી શક્યું. એટલે કે આ બેઠક દર પાંચ વર્ષે રંગ બદલે છે. અહીં કોઈ ચૂંટાયેલો ધારાસભ્ય રીપિટ ચૂંટાતો જ નથી. આ બેઠકને આમ તો કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. પરંતુ હાલ આ બેઠક ભાજપ પાસે છે. કચ્છની અબડાસા બેઠક પરથી હાલ ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા ધારાસભ્ય છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડેજા કોંગ્રેસની ટિકિટ પર લડ્યા અને જીત્યા હતા. જો કે, બાદમાં તેમણે પક્ષપલટો કર્યો અને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડીને જીત્યા. વર્ષ 1962 થી 2020 સુધીમાં આ બેઠક પર 15 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી 10 વાર કોગ્રેસ અને ચાર વાર ભાજપ જીત્યું છે. જ્યારે 1962માં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર જીત્યા હતા.
શું છે અબડાસા બેઠકના સમીકરણો?
અબડાસા બેઠક પર 1 લાખ 29 હજાર જેટલા પુરુષ અને 1 લાખ 21 હજાર જેટલા સ્ત્રી મતદારો છે. આ બેઠક પર મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયોની વસતિ વધારે છે. રબારી, કોળી અને ભાનુશાળી સમાજના લોકો પણ અહીં વસે છે. આ બેઠક પર લઘુમતિ મતદારો વધારે છે. જેથી આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ વધારે હોવાનું કહેવામાં આવે છે.
અબડાસા બેઠકનો રસપ્રદ ઈતિહાસ-
અબડાસા બેઠક પરથી અત્યાર સુધીમાં ચૂંટાયેલા ઉમેદવારોની યાદી જોઈએ તો અત્યાર સુધીમાં કોઈ પણ ધારાસભ્ય બીજી ટર્મમાં જીત્યો નથી. એટલે કે દર પાંચ વર્ષે અહીં ધારાસભ્ય બદલાય જ જાય છે.
વિધાનસભા ચૂંટણીમાં અબડાસાનો હિસાબઃ
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2020(પેટા ચૂંટણી) પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા ભાજપ
2017 પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા કોંગ્રેસ
2014(પેટા ચૂંટણી) શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ
2012 છબીલભાઈ પટેલ કોંગ્રેસ
2007 જયંતિલાલ ભાનુશાળી ભાજપ
2002 નરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
1998 ઈબ્રાહિમ મણધારા કોંગ્રેસ
1995 નિમાબેન બી. કોંગ્રેસ
1990 તારાચંદ છેડા ભાજપ
1985 કાનુભા જાડેજા કોંગ્રેસ
1980 ખારાશંકર જોશી કોંગ્રેસ
1975 મહેશકુમાર ઠાકર કોંગ્રેસ
1972 ખીમજી નાગજી કોંગ્રેસ
1967 પી. બી. ઠાકર કોંગ્રેસ
1962 માધવસિંહજી જાડેજા સ્વતંત્ર પાર્ટી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube