વિધાનસભાની વાતઃ રાજકોર્ટ પૂર્વની બેઠક પર ખેલાશે પ્રતિષ્ઠાનો જંગ! જાણો આ વખતે કેવા છે સમીકરણો
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ વર્ષ 2012માં પહેલીવાર ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુની જીત થઈ હતી. જ્યારે વર્ષ 2017માં મતદારોએ મિજાજ બદલ્યો હતો અને અરવિંદ રૈયાણી ભાજપમાંથી જીત્યા હતા. જેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ત્યારે વિધાનસભાની વાતમાં જાણીશું રાજકોટ પૂર્વ વિધાનસભાની વાત...
સૌરાષ્ટ્રની રાજનીતિનું એપી સેન્ટર એટલે રાજકોટ. રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાંથી એક એટલે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક. એશિયાનું સૌથી મોટું ઈમિટેશન ઘરેણાનું હબ આ જ વિધાનસભા બેઠકમાં આવેલું છે. સાથે જ અહીં અનેક ગૃહ ઉદ્યોગો આવેલા છે. મધ્યવર્ગીય મતદારો ધરાવતા આ વિસ્તારના મતદારોનો મિજાજ અનોખો છો. બેઠક વર્ષ 2010માં નવું સીમાંકન થયું ત્યારે અસ્તિત્વમાં આવી હતી.
બેઠકની રાજકીય સ્થિતિ?
વર્ષ 2010ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર વર્ષ 2012માં પહેલીવાર ચૂંટણી થઈ જેમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુની જીત થઈ હતી. જ્યારે વર્ષ 2017માં મતદારોએ મિજાજ બદલ્યો હતો અને અરવિંદ રૈયાણી ભાજપમાંથી જીત્યા હતા. જેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું છે. આ વખતે મંત્રી અરવિંદ રૈયાણીની સાથે 10 કરતા વધુ ઉમેદવારો ભાજપમાંથી ટિકિટ મેળવવા માટે મેદાનમાં છે.
શું છે બેઠકના જ્ઞાતિગત સમીકરણો?
રાજકોટ પૂર્વ બેઠક પર કુલ મતદારોની સંખ્યા આશરે 258580 છે. જેમાં આશરે 136972 પુરુષ મતદારો અને 121608 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. બેઠક પર લેઉઆ પટેલનું પ્રભુત્વ છે. સાથે કડવા પટેલ, લઘુમતિ, દલિત, કોળી અને માલધારી સમાજની પણ વસતિ છે.લેઉવા પટેલ 19%, કોળી 15%, દલિત 15%, લધુમતી 15%, કડવા પટેલ 5% અને અન્ય 31% મતદારોની વસ્તિ છે.
શું છે મતદારોનો મિજાજ?
રાજકોટ પૂર્વ બેઠક જૂના રાજકોટમાં આવે છે. રાજકોટના અન્ય વિસ્તારો કરતા તેનો વિકાસ ઓછો થયો છે. અહીંના લોકોનો મુખ્ય પ્રશ્ન પાણીની અછતનો છે. લોકો વર્ષોથી પાણીની માંગ કરી રહ્યા છે. સાથે જ અહીં ટ્રાફિકની સમસ્યા પણ છે. અને અહીંની સૂચિત સોસાયટીઓ રેગ્યુલરાઈઝ નથી થઈ. જેથી મતદારો એવા ઉમેદવારન ધારાસભ્ય બનાવવા માંગે છે. જે તેમની સમસ્યાઓનું સમાધાન લઈ આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube