વિધાનસભાની વાતઃ સંતરામપુરમાં કોનો ચમકશે સિતારો? આ વખતે ફટાકડા ફોડવાનો કોનો વારો?
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ 2017માં ભાજપના આદિવાસી નેતા ડૉ.કુબેર ડિંડોરે કોંગ્રેસના ઉમેદવાર ગેંદાલભાઈ મોતીભાઈને પરાજય આપતાં 6424 મતથી વિજય મેળવ્યો હતો. શું આ વખતે કોંગ્રેસ આ બેઠક પર કોઈ કમાલ કરી શકશે કે પછી ભાજપનો જલવો યથાવત રહેશે. તેના પર તમામની નજર રહેશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતના રાજકીય સંગ્રામમાં મહીસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠકની પણ ચર્ચા છે. સંતરામપુર વિધાનસભા બેઠક એકસમયે કોંગ્રેસનો ગઢ હતી. અહીંયા કોંગ્રેસની બોલબાલા હતી. પરંતુ બીજેપીએ છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી આંચકી લીધી. વર્ષ 2007 અને 2012માં કોંગ્રેસે બીજેપીને હરાવીને પોતાનો દબદબો બનાવ્યો. પરંતુ 2017ની ચૂંટણીમાં ભાજપના આદિવાસી નેતા ડૉ.કુબેર ડિંડોરે કોંગ્રેસના ઉમેદવાર ગેંદાલભાઈ ડામોરને 6424 મતથી હરાવીને બેઠક છીનવી લીધી હતી.
સંતરામપુર બેઠકની સ્થિતિ:
સંતરામપુર બેઠક મહીસાગર જિલ્લામાં આવે છે. આ બેઠક દાહોદ લોકસભા હેઠળ સમાયેલી છે. અહીંયા મોટાભાગે લોકો ગામડાઓમાં વસવાટ કરે છે. મુખ્યત્વે આદિવાસી વસ્તીનું પ્રમાણ વધારે હોવાથી આ બેઠકને આદિવાસી માટે અનામત રાખવામાં આવી છે.
સંતરામપુર બેઠક વિશે જાણો:
સંતરામપુરમાં આદિવાસી આસ્થાનું પ્રતીક માનગઢ હિલ છે. માનગઢ હિલ સાથે દર્દનાક યાદો જોડાયેલી છે. અહીંયા મોટો નરસંહાર થયો હતો અને 1507 આદિવાસીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભીલના મૌખિક ઈતિહાસ પર વિશ્વાસ કરીએ તો માનગઢ ટેકરી પર અંગ્રેજોએ આદિવાસી નેતા અને સુધારક ગોવિંદ ગુરુના 1507 સમર્થકો પર ગોળીઓ ચલાવી હતી.
સંતરામપુર બેઠક પર મતદારો:
સંતરામપુરમાં 2 લાખ 31 હજાર 788 મતદારો છે. જેમાંથી 78 ટકા આદિવાસી મતદારો છે. તેમાં 1 લાખ 18 હજાર 625 પુરુષ મતદારો અને 1 લાખ 13 હજાર 159 મહિલા મતદારો છે.
વિધાનસભા ચૂંટણીમાં સંતરામપુરનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
1962 વીરસિંહ ભાભોર કોંગ્રેસ
1967 કે કે પરમાર કોંગ્રેસ
1972 જીવાભાઈ ડામોર કોંગ્રેસ
1975 જીવાભાઈ ડામોર કોંગ્રેસ
1980 જીવાભાઈ ડામોર કોંગ્રેસ
1985 પ્રબોધકાંત પંડ્યા જેએનપી
1990 પ્રબોધકાંત પંડ્યા જનતા દળ
1995 ડૉ.માનસિંહ ભામત કોંગ્રેસ
1998 ડૉ.માનસિંહ ભામત કોંગ્રેસ
2002 પ્રબોધકાંત પંડ્યા ભાજપ
2007 પરંજયદિત્યસિંહ પરમાર કોંગ્રેસ
2012 ગેંદાલભાઈ ડામોર કોંગ્રેસ
2017 ડૉ.કુબેર ડિંડોર ભાજપ
સંતરામપુર બેઠક પર મુખ્ય સમસ્યા:
સંતરામપુર બેઠક પર સૌથી મોટો પ્રશ્ન આદિવાસીઓના જાતિ પ્રમાણપત્રનો છે. જેના માટે તેઓ છેલ્લા ઘણા સમયથી માગણી કરી રહ્યા છે. અનેક લોકો આદિવાસીઓના નામે ખોટા પ્રમાણપત્રો બનાવીને તેનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સિવાય જંગલોની જમીનમાં હક અને રોજગાર પણ સૌથી મોટા મુદ્દા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube