વિધાનસભાની વાતઃ સુરત પશ્ચિમ બેઠકની આ વખતે શું છે સ્થિતિ? જાણો શું કહે છે રાજકીય ગણિત
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યાં છે. અત્યાર સુધી સુરત શહેર ભાજપનો ગઢ ગણાતો હતો. જોકે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમીના પગપેસેરા બાદ હવે સ્થિતિ બદલાઈ છે. શું આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં પણ સુરતમાં જોવા મળશે કઈ નવાજૂની?
ઝી બ્યૂરો, અમદાવાદઃ સાત ટર્મથી સુરત પશ્વિમ બેઠક ભાજપનો ગઢ છે. કોંગ્રેસ અહીં 30 વર્ષથી ફાવી શકી નથી. જો કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી નવા સમીકરણો રચાઈ શકે છે. સુરતની 16 વિધાનસભા બેઠકોમાંથી સુરત પશ્વિમ વિધાનસભા બેઠક આ વખતે વધુ ચર્ચામાં છે...આમ તો છેલ્લી સાત ટર્મથી એટલે કે 1990થી સતત આ બેઠક પર ભાજપનો દબદબો છે. જે દેખાડે છે કે ભાજપ એક રીતે આ બેઠક પર અજેય છે. ગુજરાતની સાથે સુરત પશ્વિમ બેઠક પર પણ 90ના દાયકામાં ભાજપનો ઉદય થયો. જો કે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી નવા સમીકરણો રચાઈ શકે છે.
પેટાચૂંટણીથી પૂર્ણેશ મોદીની એન્ટ્રી-
2012માં સુરત પશ્વિમ બેઠક પરથી બીજી વખત ચૂંટાયેલા કિશોર વાંકાવાલાનું અવસાન થતા 2013માં પેટાચૂંટણી યોજાઈ. જેમાં ભાજપનાં ઉમેદવાર પૂર્ણેશ મોદી જીત્યા. 2017માં ફરી પૂર્ણેશ મોદીની જીત થઈ, તેમણે કોંગ્રેસનાં ઈકબાલ પટેલને 33,733 મતોથી હરાવ્યા હતા.
પૂર્ણેશ મોદીનું પર્ફોમન્સ-
પૂર્ણેશ મોદી સુરત મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા અને સુરત શહેર ભાજપ પ્રમુખનો હોદ્દો સંભાળી ચૂક્યા છે. 2017માં જીત બાદ તેમની નિમણૂંક વિધાનસભામાં સંસદીય સચિવ તરીકે પણ કરાઈ હતી. 2021માં પૂર્ણેશ મોદીને રાજ્ય સરકારનાં મંત્રી મંડળમાં પણ સ્થાન મળ્યું...તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો. જો કે એક વર્ષની અંદર જ તેમની પાસેથી માર્ગ મકાન વિભાગ જેવું મહત્વનું ખાતું પરત લઈ લેવાયું. આ માટે તેમની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા હતા. હાલ તેમની પાસે ટ્રાન્સપોર્ટ, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ વિભાગની જવાબદારી છે.
વિધાનસભા ચૂંટણીઓમાં સુરત પશ્ચિમ બેઠકનો હિસાબઃ
વર્ષ વિજેતા પક્ષ
2017 પુર્ણેશ મોદી ભાજપ
2013 પુર્ણેશ મોદી (પેટા ચૂંટણી) ભાજપ
2012 કિશોરભાઇ વાંકાવાલા ભાજપ
2007 કિશોરભાઇ વાંકાવાલા ભાજપ
2002 ભાવનાબેન ચાપતવાલા ભાજપ
1998 હેમંતભાઇ ચાપતવાલા ભાજપ
1995 હેમંતભાઇ ચાપતવાલા ભાજપ
1990 હેમંતભાઇ ચાપતવાલા ભાજપ
1985 બાબુભાઇ સોપારીવાલા કોંગ્રેસ
1980 મેહમદભાઇ સુરતી કોંગ્રેસ (આઇ)
1975 પોપટલાલ વ્યાસ એનસીઓ
1972 જશવંતસિંહ ચૌહાણ કોંગ્રેસ
1967 M.H.A.S. ગોલંદાઝ કોંગ્રેસ
1962 ઉર્મિલાબેન પ્રેમશંકર ભટ્ટ કોંગ્રેસ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube