ટંકારા વિધાનાસભા બેઠક : ભાજપને હરાવી કોંગ્રેસ જીત્યુ હતું, તો આ વખતે પુનરાવર્તન થશે કે પરિવર્તન?
Gujarat Elections 2022 : પાટીદારોનો ગઢ કહેવાતી મોરબીની ટંકારા બેઠક પર મતદારોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને તક આપી, પરંતું સમસ્યાઓ ઠેરની ઠેર છે... ત્યારે 2022 માં શું સમીકરણ છે તેના પર એક નજર કરીએ...
અમદાવાદ :ગુજરાતના મોરબી જિલ્લામાં ટંકારા વિધાનસભા વિસ્તાર આવે છે. કપાસના કારખાનાના કારણે ટંકારા વેપારનું એક મુખ્ય કેન્દ્ર છે. ટંકારા તાલુકો, મોરબી તાલુકાના ગ્રામીણ વિસ્તાર, પડધરી તાલુકા, લોધિકા તાલુકા, ધ્રોલ તાલુકા વગેરેનો સમાવેશ થાય છે. આ વિધાનસભા બેઠક પર પાટીદાર મતદારોનો દબદબો છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપનો પરાજય થયો હતો. આ સીટ પર હાલમાં કોંગ્રેસનો દબદબો છે. પરંતું 2022 માં શું થશે તેના પર સૌની નજર છે.
ગુજરાતના મોરબી જિલ્લામાં એક નાનો વિસ્તાર છે, જેનું નામ ટંકારા છે. ટંકારા રાજકોટથી 40 કિલોમીટર અને મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલું છે. ટંકારા આર્ય સમાજના લોકો માટે એક પવિત્ર શહેર માનવામાં આવે છે. કેમ કે ટંકારા આર્ય સમાજના સંસ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન છે. આ સીટ પર ટંકારા તાલુકા મોરબી તાલુકાના ગ્રામીણ વિસ્તાર, પડધરી તાલુકા, લોધિકા તાલુકા, ધ્રોલ તાલુકા વગેરેનો સમાવેશ થાય છે. ટંકારા અને તેની આજુબાજુ 25 કપાસની મિલ આવેલી છે. કપાસના કારખાનાના કારણે ટંકારા વેપારનું એક કેન્દ્ર બની ગયું. રાજનીતિની દ્રષ્ટિએ ટંકારા વિધાનસભા બેઠકનું અલગ મહત્વ છે.
ટંકારા બેઠક પર મતદારો
ટંકારા બેઠક પર પાટીદાર સમાજનો દબદબો છે અને તેમાં કોઈ શંકા નથી કે પાટીદાર મત મેળવનાર પાર્ટી સ્પષ્ટ રીતે જીતે છે. આ વિધાનસભા વિસ્તારમાં 1,08,930 પાટીદાર, 10,988 ક્ષત્રિય, 3532 દલવાડી, 14606 માલધારી, 2402 બ્રાહ્મણ, 4799 મુસ્લિમ, 4376 આહીર, 1917 પ્રજાપતિ, 1007 સુથાર, 1405 લુહાર-દરજી, 465 જૈન, 970 સોની-વાળંદ, 1361 રાજપૂત, 300 આદિવાસી, 4095 અન્ય ઓબીસી મળીને કુલ 2.10 લાખ મતદારો છે.
2017 નું પરિણામ
શાસક પક્ષ ભાજપનો પરંપરાગત ગઢ માનવામાં આવે છે ટંકારા. કેમ કે આ બેઠક પર 1990થી 2012 સુધી ભાજપ જ જીતતું આવ્યું છે. પરંતુ 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને નુકસાન વેઠવાનો વારો આવ્યો. 2017 માં કોંગ્રેસના લલિત કગથરાએ ભાજપના રાઘવજી ગડારાને 29,770 મતથી પરાજય આપ્યો.
ટંકારા બેઠકનો ટ્રેક રેકોર્ડ
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
1967 | વી જે શાહ | કોંગ્રેસ |
1972 | બોડા ગોવિંદ જેઠ | અપક્ષ |
1975 | બોડા ગોવિંદ જેઠ | કેએલપી |
1980 | પટેલ વલ્લભભાઈ | અપક્ષ |
1985 | પટેલ વલ્લભભાઈ | કોંગ્રેસ |
1990 | કેશુભાઈ પટેલ | ભાજપ |
1995 | મોહન કુંડારિયા | ભાજપ |
1998 | મોહન કુંડારિયા | ભાજપ |
2002 | મોહન કુંડારિયા | ભાજપ |
2007 | મોહન કુંડારિયા | ભાજપ |
2012 | મોહન કુંડારિયા | ભાજપ |
2014 | મહેતાલિયા ભવાનજી | ભાજપ |
2017 | લલિત કગથરા | કોંગ્રેસ |
બેઠકની સમસ્યાઓ
ટંકારામાં આજે પણ મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. ટંકારાની આજુબાજુ ગામમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી. સ્થાનિક લોકોને તેમની જરૂરિયાત પ્રમાણે પીવાનું પાણી મળતું નથી. ટંકારાની જનતા વર્ષોથી બસ સ્ટેન્ડના નિર્માણની માંગણી કરી રહ્યું છે, પરંતુ હજુ સુધી તે પણ માંગણી પૂરી થઈ નથી. આ સીટ પર વર્ષોથી ભાજપનો કબજો રહ્યો છે. પરંતુ તે સ્થાનિક લોકોની માંગણી પૂરી કરી શકતું નથી. સ્થાનિક લોકોએ કોંગ્રેસને પણ તક આપી. પરંતુ હવે તેમને લાગે છે કે આ બંનેમાંથી કોઈપણ પાર્ટીએ તેમનું કંઈ કામ કર્યુ નથી.