વિધાનસભાની વાતઃ ધોરાજીમાં આ વખતે કોણ કરશે ધડાકો? જાણો સૌરાષ્ટ્રની આ બેઠક કેમ ગણાય છે ખાસ
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજકીય પક્ષોએ પણ પોતપોતાની રીતે તૈયારીઓ કરી લીધી છે. આ વખતની ચૂંટણી દર વખતની ચૂંટણી કરતા અલગ છે. કારણકે, આ વખતે માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જંગ નથી. આ વખતે આમ આદમી પાર્ટીના આવવાથી ગુજરાતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. ત્યારે આ આર્ટિકલમાં વિધાનસભાની વાતમાં વાત કરીશું ધોરાજી વિધાનસભા બેઠકની....
ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાંથી એક એટલે ધોરાજી વિધાનસભા બેઠક. ધોરાજીમાં સહકારી નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા જે પાર્ટીમાંથી લડ્યા એ પાર્ટીમાંથી તેમણે અહીં જીત મેળવી હતી. વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પરથી છ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના વિસ્તારોનો આ બેઠકમાં સમાવેશ થાય છે. જ્યાં વર્ષોથી રાદડિયા પરિવારનો દબદબો રહ્યો છે. સહકારી નેતા સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયા જે પાર્ટીમાંથી લડ્યા એ પાર્ટીમાંથી તેમણે અહીં જીત મેળવી હતી. વિઠ્ઠલ રાદડિયા આ બેઠક પરથી છ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. હાલ અહીંથી કોંગ્રેસના લલિત વસોયા વર્તમાન ધારાસભ્ય છે. છેલ્લા 15 વર્ષથી ધોરાજી વિધાનસભા બેઠક દર પાંચ વર્ષે મિજાજ બદલી રહી છે. વર્ષ 2017માં પાટીદાર આંદોલનની લહેરમાં લલિત વસોયાની જીત થઈ હતી
કહેવાય છે કે ધોરાજી ગોંડલના રાજાનું માનીતું ગામ હતું. ધોરાજીની અંતર્ગત ત્રણ નગરપાલિકાઓ આવે છે. જેમાંથી એક ભાજપની જ્યારે બે કોંગ્રેસની છે. જ્યારે ધોરાજી તાલુકા પંચાયત અને ઉપલેટા તાલુકા પંચાયત ભાજપ શાસિત છે. જેથી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસમાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે. ધોરાજીમાં મુખ્યત્વે સુતળી, દોરી નાડા, પ્લાસ્ટિક બેગ, પાઈપ વગેરે બનાવવામાં આવે છે. સાથે અહીં ઓઈલ મિલ અને જીન મોટા પ્રમાણમાં આવે છે.
શું છે ધોરાજીના બેઠકના સમીકરણો?
ધોરાજી વિધાનસભા બેઠકો પર કુલ મતદારો 2 લાખ 50 હજાર 287 છે. જેમાંથી 1 લાખ 31 હજાર 106 પુરુષ મતદારો અને 1 લાખ 19 હજાર 181 મહિલા મતદારો છે. આ વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ જોવા મળે છે. અહીં લેઉઆ અને કડવા પાટીદારોની મળીને જ 48 ટકા મતદારો છે. લઘુમતિ મતદારો 18 ટકા, આહીર મતદારો આઠ ટકા અને ક્ષત્રિય મતદારો પાંચ ટકા અને અન્ય મતદારો 16 ટકા છે. એટલે જ અહીં પાટીદાર મતદારો નિર્ણાયક છે.
વર્ષ વિજેતા પક્ષ
2017 લલિત વસોયા કોંગ્રેસ
2013(પેટા ચૂંટણી) પ્રવિણ માકડિયા ભારતીય જનતા પાર્ટી
2012 રાદડિયા વિઠ્ઠલભાઈ કોંગ્રેસ
2009(પેટા ચૂંટણી) જયેશ રાદડિયા કોંગ્રેસ
2007 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
2002 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
1998 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
1995 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
1990 રાદડિયા વિઠ્ઠલભાઈ ભારતીય જનતા પાર્ટી
1985 સોજીત્રા છગનભાઈ કોંગ્રેસ
1980 રમણીકભાઈ ધામી JNP
1975 મહેતા ચિમનલાલ કોંગ્રેસ
1972 નાથાલાલ પટેલ કોંગ્રેસ
1967 એમ જી પટેલ કોંગ્રેસ
1962 ગોવિંદ પટેલ કોંગ્રેસ
2022માં શું થશે?
વર્ષ 1962 થી 2022 સુધીમાં ધોરાજી વિધાનસભા બેઠક પર 15 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી આઠ વાર કોંગ્રેસ જીત્યું છે. જ્યારે છ વાર ભાજપ જીત્યું છે. એક વાર જેએનપીના ઉમેદવાર વિજેતા થયા હતા. વર્ષ 1990 થી 2007 સુધી અહીં ભાજપમાંથી વિઠ્ઠલ રાદડિયા ચૂંટાઈને જીત્યા હતા. એટલે કે 1990 થી 2009 સુધી અહીં ભાજપનો દબદબો હતો. બાદમાં તેમણે પક્ષ પલટો કરતા પુત્ર જયેશ રાદડિયા અહીંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઈને આવ્યા હતા. તો 2012માં ફરી વિઠ્ઠલ રાદડિયા ચૂંટાયા હતા. બેઠકનો આ ઈતિહાસ તેનો મિજાજ બતાવે છે. આ વર્ષે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ત્યારે જંગ રસપ્રદ બનશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube