Gujarat Elections 2022 ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત વિધાનસભા 2022ની ચુંટણી અંતર્ગત આજે આપણે વાત કરીશું જમાલપુર ખાડીયા વિધાનસભા મત વિસ્તારની. વર્તમાન જમાલપુર ખાડિયા બેઠકનો ઇતિહાસ રોચક છે. વર્ષ 2010 માં થયેલા નવા સીમાંકનમાં બે બેઠક ખાડીયા અને જમાલપુર મળી જમાલપુર ખાડીયા બેઠક બની. જમાલપુર એટલે કોંગ્રેસનો ગઢ અને ખાડીયા એટલે ભાજપનો ગઢ. બે પક્ષોના ગઢ કેવી રીતે બન્યા તેનો ઈતિહાસ રોચક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના શહેરી વિસ્તારોમાં કોંગ્રેસનો જનાધાર ખુબ ઓછો છે. જ્યાં માઇનોરીટી તથા દલિત મતદારોનું પ્રભુત્વ હોય ત્યાં કાંગ્રેસની હાજરી દેખાય છે. અમદાવાદની જમાલપુર બેઠક આવા જ સમીકરણથી શહેરી વિસ્તારમાં કોંગ્રેસની હાજરી પુરાવે છે. આઝાદી બાદથી થયેલ વિધાનસભા ચૂંટણીમાં ખાડિયા બેઠક અને જમાલપુર બેઠક અલગ અલગ હતી. ખાડિયા બેઠક એટલે ભાજપનો અભેદ્ય કિલ્લો અને જમાલપુર બેઠક કોંગ્રેસનો અતૂટ ગઢ. જોકે આ બંનેની પરંપરા 2012 તુટી હતી. કારણ કે 2012  નવા સીમાંકન થતા જમાલપુર અને ખાડિયા એક બેઠક કરાઇ હતી. 2012 માં અહીં ભાજપની જીત થઇ હતી. પરંતુ 2017 ની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસે જીત મેળવી હિસાબ બરોબર કર્યો હતો.


વર્ષ 2012 માં ભાજપની જીતનું એક માત્ર કારણ રહ્યું છે કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાળાની અપક્ષ ઉમેદવારી. દેશની આઝાદી બાદ કોંગ્રેસ ક્યારેય જમાલપુર વિધાનસભા બેઠક હાર્યું ન હતું. જોકે નવા સીમાંકન અને સાબીર કાબલીવાળાની અપક્ષ ઉમેદવારીએ કોંગ્રેસનો ખેલ બગાડ્યો. ત્રિપાંખિયા જંગમાં ભાજપનો વિજય થયો હતો. 


વર્ષ 2012 વિધાનસભા બેઠક પરિણામ
ભાજપ - ભુષણ ભટ્ટ - ૪૮૦૫૮
કોંગ્રેસ - સમિરખાન પઠાણ - ૪૧૭૨૭ મત
અપક્ષ - સાબરી કાબલીવાલા 30515 મત
ભાજપની 6331 હજાર મતથી જીત થઇ


અહી ભાજપ કોંગ્રેસની હાર તે જીતની ચર્ચા નહિ, પણ સાબીર કાબલીવાળાની અપક્ષ ઉમેદવારીની ચર્ચા હતી. 2022 ની ચૂંટણીમાં તેઓ એઆઇએમઆઇએમના ઉમેદવાર તરીકે ચૂંટંણી લડી રહ્યા છે. જેથી ચૂંટણીનો જંગ વધુ રોમાંચક બન્યો છે. 



વર્ષ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળતાં ફરી એક વાર સાબીર કાબલીવાળાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે છેલ્લા દિવસે ઉમેદવારી પરત લેતાં કોંગ્રેસના જીવમાં જીવ આવ્યો હતો. જમાલપુર ખાડીયા બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પર સૌથી વધુ મુસ્લિમ સમાજ મતદારો છે. જેમા છીપા સમાજ મોટો નિર્ણય મતદાર મનાય છે. વિધાનસભા કુલ ૨ લાખ ૧૫ હજાર મતદારો છે. જમાલપુર, ખાડિયા, બહેરામપુર અને રાયખડ વિસ્તારનો સમાવેશ થાય છે. 


મતોનું ગણિત
60 ટકા મુસ્લિમ, 40 ટકા હિન્દુ - કુલ મત 217000
98000 મુસ્લીમ સમાજ, જે પૈકી છિપા સમાજના ૩૨ હજાર મત
બાકીના શેખ, પઠાણ, સૈયદ, મન્સુરી, ખુરેશી, મૌમિન સમાજ
117000 હિન્દુ મતદારો
જે પૈકી 42000 દલિત
30000 ઓબીસી
20000 સવર્ણ અને 18000 પરપ્રાંતિય મતદારોનો સમાવેશ થાય છે


વર્ષ 2017ના પરિણામો પર એક નજર કરીઓ તો...
ભુષણ ભટ્ટ - ભાજપ - ૪૬,૦૦૭
ઇમરાન ખેડાવાલા - કોંગ્રેસ - ૭૫,૩૪૬
લીડ - ૨૯૩૩૯ કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન ખેડાવાલએ જીત મેળવી


વર્તમાન ચુટંણીમાં કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને, તો ભાજપે પૂર્વ ધારાસભ્ય ભુષણ ભટ્ટને ચુંટણી મેદાને ઉતાર્યા છે. બીજી તરફ પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા એઆઇએમઆઇએમના ઉમેદવાર તરીકે છે. જે વર્ષ 2012ની વિધાનસભાની ચુંટણીની યાદ તાજી કરી રહ્યુ છે. 


વિસ્તારની સમસ્યાઓ
ટ્રાફિક ઉભરાતી ગટરો, પોલ્યુશનયુક્ત પાણી, નવા ડેવલપમેન્ટની અછત, ગાર્ડન સહિત કોમ્યુનિટી હોલનો અભાવ, મોટા મેદાનનો અભાવ, ગેરકાયદેસર બાંધકામ આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ છે. કોંગ્રેસના ઉમેદવાર તેમણે પોતાની ગ્રાન્ટમાંથી કરેલા કામ તો ભાજપ પ્રધાન મંત્રીના ચહેરા અને વિકાસના નામે મત માંગી રહ્યા છે. કાબલીવાળા પોતાના ભૂતકાળના કામોને આગળ ધરી મત માંગી રહ્યા છે. હવે જોવાનું એ છે કે મતદારો કોને જમાલપુર ખાડીયાનો તાજ પહેરાવે છે.