Gujarat Assembly Session live : ગૃહમાં હોબાળો, કોંગ્રેસે મોંઘવારી-તેલના ભાવ મુદ્દે સરકારને ઘેરી

Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે ત્યારે બીજા દિવસે કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો... ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો, તેમજ મોંઘવારી મુદ્દે કોંગ્રેસે ગૃહમાં ચર્ચાની માંગ કરી
બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત વિધાનસભા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે સતત બીજા દિવસે કોંગ્રેસે ગૃહમાં વિવિધ મુદ્દે હોબાળો મચાવ્યો. કોંગ્રેસના ધારાસભ્યોએ ટૂંકી મુદતના સવાલના જવાબ સામે વાંધો ઉઠાવ્યો. તેમજ કોંગ્રેસે ગૃહમાં મોંઘવારી મુદ્દે ચર્ચાની માંગ કરી. સાથે જ લમ્પી વાયરસ, મોંઘવારી મુદ્દે સવાલો ઉઠાવ્યો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ નક્કી કરેલા વિષય સિવાય મુદ્દો ઉઠાવતા અધ્યક્ષે ટકોર કરી હતી. આ મુદ્દે વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, છેલ્લા દિવસના પ્રસ્તાવમાં 1 કલાકનો સમય છે ત્યારે ચર્ચા કરીશું. આ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ‘ગૃહમાં ન્યાય આપો, ન્યાય આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ વિધાનસભા ગૃહના ચોમાસું સત્રનો બીજો દિવસ પણ હંગામીભર્યો શરૂ થયો. વિપક્ષના ધારાસભ્યોએ લંપી વાયરસ અગે ચર્ચા માટે યોગ્ય સમય માંગ્યો. જોકે, પહેલા સમય ન માંગ્યો હોવાથી અધ્યક્ષે સમય ના આપ્યો. આ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ વૉક આઉટ કર્યું. આ બાદ ગૃહમાં શહેરી વિકાસ રાજય મંત્રી વિનોદ મોરડિયાએ ગુજરાત નગરપાલિકા સુધારા વિધેયક રજુ કર્યું.
મોંઘા ખાદ્યતેલ મામલે સરકાર-વિપક્ષ આમને સામને
સત્રના બીજા દિવસે કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ખાદ્ય તેલના ભાવ વધારા મુદ્દે સરકારને સવાલો કર્યા હતા. મોંઘા ખાદ્ય તેલ મામલે સરકાર-વિપક્ષ આમને સામને આવ્યા હતા. તેમણે પ્રશ્નો ઉઠાવ્યા હતા કે, આજે તેલનો ડબ્બો 3 હજાર રૂપિયાને પાર થયો છે. ભાજપના શાસનમાં સિંગતેલનો ડબ્બો 2600 ને પાર, તો કપાસિયા તેલનો ડબ્બો 2500 ને પાર થયાનો સરકારે ખુદ સ્વીકાર્યું છે. તમામ ખાદ્ય તેલના ભાવ આસમાને છે. ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા પણ તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. ગુજરાતની લાખો ગૃહિણીનું બજેટ ખોરવાયું છે ત્યારે તેમને સસ્તું તેલ ક્યારે મળશે.
ખાદ્ય તેલના સવાલ પર સરકારનો જવાબ
ખાદ્ય તેલના વધતા ભાવ પર અન્ન નાગરીક પૂરવઠા મંત્રી નરેશ પટેલે ગૃહમાં જવાબ આપ્યો કે, આપણે તેલ માટે વિદેશ પર આધારિત છે. 60-70% તેલ આયાત કરવું પડે છે. ગુજરાતમાં ખાદ્ય તેલનો માથા દીઠ વપરાશ સૌથી વધુ છે. અમારી સરકારે ગરીબો અને છેવાડાના માનવીની ચિંતા કરી છે. 35 લાખ કાર્ડ ધારકોને તેલ અપાતું હતું, તેના બદલે હવે 71 લાખ કાર્ડ ધારકોને તેલ અપાય છે. યુક્રેનના યુદ્ધના કારણે પણ તેલના પુરવઠા પર અસર થઈ છે. આપણે હાલ 97 રૂપિયા સબસીડી આપીએ છીએ. 3.5 કરોડ જનતાને 100 રૂપિયાના ભાવે લીટર તેલ આપીએ છીએ.