જ્યાં ઉમેદવારોનું ભવિષ્ય ઠાકોરોના હાથમાં છે, એ રાધનપુરમાં ભાજપની અગ્નિપરીક્ષા, તો કોંગ્રેસ માટે મોટો પડકાર
Gujarat Elections 2022 : રાધનપુર બેઠક પર આ વખતે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળશે, ભાજપે પોતાનો ગઢ પરત મેળવવા કમર કસી છે. તો કોંગ્રસ સામે બેઠક જાળવી રાખવાનો પડકાર છે
Gujarat Elections 2022 : પાટણની રાધનપુર વિધાનસભા બઠક પર આ વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર છે. ભાજપે પોતાનો ગઢ પરત મેળવવા કમર કસી છે. તો કોંગ્રસ સામે બેઠક જાળવી રાખવાનો પડકાર છે. કેવા છે રાધનપુરનાં વર્તમાન અને ભૂતકાળનાં સમીકરણ જોઈએ આ અહેવાલમાં...
રાધનપુર બેઠક ભાજપ માટે કેટલી અગત્યની છે, તેનો અંદાજ આ દ્રશ્યો પરથી જ માંડી શકાય છે. ભાજપનાં બે ઉમેદવાર મળીને રાધનપુરથી પોતાનાં પક્ષના ઉમેદવાર લવિંગજી ઠાકોર માટે પ્રચાર કરી રહ્યા છે. તેમને જીતાડવા લોકોને અપીલ કરી રહ્યા છે...
જાણવા જેવી વાત એ પણ છે કે લવિંગજી માટે પ્રચાર કરી રહેલા અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરી ભૂતકાળમાં પ્રતિસ્પર્ધી તરીકે લવિંગજીને જ ચૂંટણીમાં હરાવી ચૂક્યા છે. અલ્પેશ ઠાકોર સતત ત્રીજી વખત રાધનપુરથી ચૂંટણી લડવા મક્કમ હતા, પણ ભાજપે તેમને ગાંધીનગર દક્ષિણથી મેદાનમાં ઉતાર્યા. તો શંકર ચૌધરી રાધનપુરથી ત્રણ વખત ધારાસભ્ય ચૂંટાઈ ચૂક્યા છે. આ જ કારણ છે કે બંનેનો રાધનપુર બેઠકમાં રસ જળવાઈ રહ્યો છે.
લવિંગજી ઠાકોર 27 વર્ષ પહેલા 1995માં રાધનપુરથી અપક્ષ ચૂંટાયા હતા. પણ 1997માં શંકરસિંહ વાઘેલા માટે તેમણે પોતાની બેઠક ખાલી કરી આપી હતી. શંકરસિંહ વાઘેલા સામે ભાજપે 27 વર્ષના યુવા શંકર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હતા, જો કે શંકર ચૌધરીએ હારનો સામનો કરવો પડ્યો.
અલ્પેશ ઠાકોર જ્યારે રાધનપુરથી ચૂંટણી લડવા મક્કમ હતા, ત્યારે લવિંગજી ઠાકોર સહિતનાં ભાજપનાં સ્થાનિક આગેવાનોએ તેમનો વિરોધ કર્યો હતો. અલ્પેશ ઠાકોરને આયાતી ગણાવ્યા હતા. જો કે ભાજપે સ્થિતિ પારખીને અલ્પેશ ઠાકોરની બેઠક જ બદલી નાંખી. જેને જોતાં હવે અલ્પેશ ઠાકોર લવિંગજી માટે પ્રચાર કરી રહ્યા છે અને લવિંગજી પણ જૂની વાતો ભૂલી ગયા છે. તો આ તરફ કોંગ્રેસે 2019ના વિજેતા રઘુ દેસાઈને રાધનપુરથી રીપિટ કર્યા છે.
રાધનપુર બેઠકની તાસીર રહી છે કે, અહીંની જનતાએ ક્યારેય પક્ષપલટુ નેતાઓને સ્વીકાર્યા નથી. 1998માં ભાજપના શંકર ચૌધરી સામે રાજપામાંથી લવિંગજી ઠાકોરે ચૂંટણી લડી હતી. જો કે અપક્ષમાંથી પક્ષમાં આવેલા લવિંગજીએ હારનો સામનો કરવો પડ્યો. 2002માં લવિંગજી ફરી કોંગ્રેસમાંથી રાધનપુરથી લડ્યા, જો કે ફરી તેઓ શંકર ચૌધરી સામે હારી ગયા. 2012માં ભાજપે નાગરજી ઠાકોરને ટિકિટ આપી, જેમણે ભાજપ છોડી કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા ભાવસિંહ રાઠોડને હરાવ્યા હતા. 2017માં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરને હરાવ્યા હતા. અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા તેમણે પણ પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. રાધનપુર બેઠક ભલે ભાજપનો ગઢ છે, પણ આ વખતે લવિંગજી ઠાકોરની અગ્નિપરીક્ષા છે.
રાધનપુરમાં ઠાકોર સમાજ નિર્ણાયક ભૂમિકામાં રહ્યો છે. GFXIN બે લાખ 70 હજાર જેટલા મતદારોમાંથી 75 હજાર જેટલા ઠાકોર, 23 હજાર ચૌધરી, 20 હજાર અનુસૂચિત જાતિનાં મતદારો, 20 હજાર મુસ્લિમ, 16 હજાર આહિર, 15 હજાર જેટલા રબારી સમાજનાં મતદારો છે. ઉમેદવારની જીતની ચાવી ઠાકોર મતદારનાં હાથમાં રહે છે. હવે જોવું એ રહેશે કે આ વખતે રાધનપુરમાં કોણ ફાવે છે.