કમલેશ તિવારી હત્યાકાંડઃ ગુજરાત એટીએસે હત્યાના બે આરોપીની કરી ધરપકડ
ઉદય રંજન/અમદાવાદઃ ઉત્તર પ્રદેશના હિંદુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા મામલે ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસે શામળાજીથી હત્યાના બે મુખ્ય આરોપી અશફાક હુસૈન અને પઠાણ મોઇનુદ્દીન ઉર્ફે ફરીદની ધરપકડ કરી છે. યૂપી પોલીસે આ આરોપીઓ માટે અઢી લાખના ઈનામો જાહેર કર્યાં હતા. ગુજરાત અને યૂપી પોલીસે સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડ્યું છે.
હત્યા બાદ બંન્ને આરોપીઓ નેપાળ ભાગી ગયા હતા. ત્યારબાદ બંન્ને ગુજરાત આવી રહ્યાં હતા. હવે ગુજરાત એટીએસ બંન્ને આરોપીઓને યૂપી પોલીસને સોંપશે. પ્રાથમિક તપાસમાં બંન્નેએ પોતાનો ગુનો કબુલ કર્યો છે. જ્યારથી આ મામલો સામે આવ્યો ત્યારબાદ એટીએસ બંન્ને આરોપીઓ અને તેના પરિવારજનો પર નજર રાખી રહી હતી. મોઇનુદ્દીન ફૂડ ડિલેવરી બોયનું કામ કરી રહ્યો હતો. તેની પાસે પૈસા પૂરા થઈ જતાં તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. ગુજરાત એટીએસને ત્યારબાદ બંન્ને આરોપીઓ ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલા શામળાજીમાં છે. આ માહિતી મળ્યા બાદ ગુજરાત એટીએસે ઓપરેશન પાર પા઼ડ્યું હતું.
ભડકાઉ ભાષણને કારણે આપ્યો ઘટનાને અંજામ
ગુજરાત એટીએસ તરફથી જારી અખબારી યાદી પ્રમાણે, બંન્નેનુંનામ 18 ઓક્ટોબરે લખનઉમાં થયેલી કમલેશ તિવારીની હત્યામાં સામે આવી રહ્યું હતું. હત્યાકાંડ બાદ જ્યારે આરોપીઓ પાસે પૈસા પૂરા થઈ ગયા તો તેણે પોતાના પરિવારજનો અને સંબંધીઓનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન એટીએસ ગુજરાતની ટીમ તેના પર સતત નજર રાખી રહી હતી. સર્વિલાન્સના માધ્યમથી જાણકારી મળતા આરોપીઓની શામળાજી નજીકથી ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતી પૂછપરછમાં આરોપીઓએ સ્વીકાર્યું કે, તેણે મૃતક દ્વારા આપવામાં આવેલા ભડકાઉ ભાષણને કારણે ઘટનાને અંજામ આપ્યો હતો.
શાહજહાંપુરથી ગુજરાત આવી રહ્યાં હતા આરોપી
ગુજરાત એટીએસે જણાવ્યું કે, રવિવારે સવાર સુધી બંન્ને હત્યારાઓ નેપાળથી શાહજહાંપુર પહોંચી ચુક્યા હતા અને ગુજરાત તરફ આગળ વધી રહ્યાં હતા. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ બંન્ને આરોપીઓને ઉત્તર પ્રદેશ પોલીસના હવાલે કરી દેવામાં આવશે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. આ પહેલા ગુજરાત એટીએસ અને યૂપી પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશનમાં મૌલાના મોહસિન શેખ, ફૈઝાન અને રાશિદ પઠાણની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્રણેયની ધરપકડ બાદ તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ઉત્તર પ્રદેશ પોલીસ પોતાની સાથે લઈ ગઈ છે.
અશફાક હિન્દુ સમાજ પાર્ટી સાથે જોડાયો હતો
યુપીના હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીના હત્યા કેસમાં રોજેરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હત્યારા અશફાક મામલે ખુલાસો થયો હતો કે, તે હિન્દુ સમાજ પાર્ટી સાથે જોડાયો હતો. તેને રોહિત સોલંકીના નામનું નિમણૂક પત્ર અપાયું હતું અને તેને આઇટી સેલના પ્રચારકનો હોદ્દો અપાયો હતો. અમદાવાદના જૈમીન દવેએ તેની નિમણૂંક કરી હતી.