ગુજરાતની આ 6 સીટ પર દેશભરની નજર, એક પણ બેઠકનું પરિણામ બદલાયું તો દિલ્હી હચમચશે
Gujarat Loksabha Elections : ગુજરાતમાં પણ 6 લોકસભાની સીટો એવી છે જેની પર દેશભરની નજર છે. આમાંથી એક પણ બેઠકનું પરિણામ બદલાયું તો દિલ્હીમાં પડઘા પડશે એ નક્કી છે, ખુદ પીએમ મોદી ગુજરાત ભાજપ પર આકરા થશે એ નક્કી છે. જાણી લો આ કઈ કઈ છે બેઠકો..
Loksabha Election Date Declare : લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને 4 જૂને રિઝલ્ટ પણ આવી જશે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતનું મહત્વ વધારે છે કારણ કે આ પીએમ મોદી અને અમિત શાહનું હોમટાઉન છે. ગુજરાતમાં થતા પ્રયોગો દેશભરમાં અમલમાં આવે છે. એટલે દેશભરની ગુજરાત ભાજપ પર નજર રહેતી હોય છે. વિપક્ષ છોડો પણ ભાજપના કદાવર નેતાઓ પણ ગુજરાત પર ધ્યાન રાખે છે. ગુજરાતમાં લોકસભાની 26 સીટો છે. જે સીટોને 5 લાખની લીડથી જીતવા માટે ભાજપે ટાર્ગેટ મૂક્યો છે. આ ટાર્ગેટ એચિવ થયો તો દેશભરમાં આ નિયમ લાગુ થાય તો નવાઈ નહીં. દેશમાં સૌથી વધારે લીડથી વિજેતા ઉમેદવારોમાં ગુજરાતના 5 ઉમેદવારો ટોપ ટેનમાં છે. અહીં ભાજપના મૂળિયાં ઉડાં છે. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારના 4 મંત્રીઓ ચૂંટણી લડી રહ્યાં છે. એમાં ગાંધીનગરથી અમિત શાહ અને પોરબંદરથી મનસુખ માંડવિયાની સીટ પર ભારે રસાકસી છે. ગુજરાતમાં એક ઉલટફેર થયો તો તેના પડધા દિલ્હી સુધી પડશે એ નક્કી છે.
એનડીએએ દેશભરમાં 400 સીટો જીતવાનો ટાર્ગેટ મૂક્યો
ભાજપે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતી હેટ્રીક ફટકારવાનો નિર્ણય લીધો છે. પ્રદેશ અધ્યક્ષ પાટીલ માટે આ લોકસભાની ચૂંટણી એ વટનો સવાલ છે. અમિત શાહે ગાંધીનગરની લોકસભાની સીટ પરથી 10 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ત્રીજી ટર્મમાં મોદીને દિલ્હીની ગાદી અપાવવા માગે છે. એનડીએએ દેશભરમાં 400 સીટો જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે.
ગુજરાતમાં પણ 6 લોકસભાની સીટો એવી છે જેની પર દેશભરની નજર છે. આમાંથી એક પણ બેઠકનું પરિણામ બદલાયું તો દિલ્હીમાં પડઘા પડશે એ નક્કી છે. ભાજપ દિલ્હીમાં જીતીને પણ હારી જશે. ગુજરાત માટે તો નામોશીભરી જીત સાબિત થશે કારણ કે અહીં કદાવર નેતાઓ ઉભા છે. ભાજપે આ બેઠકો માટે મજબૂત તૈયારીઓ કરી છે પણ ચૂંટણી એ જો અને તો ના સમીકરણો પર લડાય છે.
અમિત શાહને હરાવવા નામુમકીન
ગાંધીનગર : ગાંધીનગર એ અમિત શાહનો હાલમાં ગઢ છે. ભાજપે અહીં 10 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે. છેલ્લાં 35 વર્ષથી આ બેઠક પર ભાજપ વન વે વિજેતા બને છે. એક સમયે અહીંથી લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતા અહીંથી લડતા હતા ત્યારે ખુદ પીએમ મોદી આ બેઠક પર સીધી નજર રાખતા હતા. આ શહેરી બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. અમિત શાહે અહીં પ્રથમવાર 2019માં લોકસભાની ચૂંટણી લડી હતી. રાજકિય વિશ્લેષકો પણ માની રહ્યા છે કે ગાંધીનગર લોકસભા બેઠક એવી છે કે કૉંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા પણ અહીંથી ચૂંટણી લડે તો પણ તેની જીતની શક્યતા બહુ ઓછી છે. અહીં બીજેપી કોઈ સામાન્ય કાર્યકર્તા પણ ઊભો રહે તો પણ તેની જીતની શક્યતા વધારે છે. હાલમાં તો અહીંથી અમિત શાહ લડી રહ્યાં છે. અહીંથી અમિત શાહને હરાવવા કોંગ્રેસ માટે ના મુમકિન છે. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના સીજે ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા હતા. ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ જીત સૌથી મોટી જીત માનવામાં આવે છે. ગાંધીનગર લોકસભા બેઠક પર વર્ષ 2019ની ચૂંટણી પર નજર કરીએ તો અમિત શાહ અહીથી જીત્યા હતા. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે અમિત શાહને 8 લાખ 94 હજાર 624 મતો મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસ તરફથી ઊભા રહેલા ઉમેદવારને 3 લાખ 37 હજાર 610 મતો મળ્યા હતા. આમ આ બેઠક અમિત શાહે 5 લાખ 57 હજાર વોટથી જીતી લીધી હતી.
પોરબંદરમાં મનસુખ માંડવિયાનું ભવિષ્ય દાવ પર
પોરબંદર: પોરબંદર એ ભાજપ અને કોંગ્રેસ બંનેનો ગઢ ગણાય છે. લોકસભાની સીટ ભલે 2019માં ભાજપને ગઈ હોય પણ અહીં 7 વિધાનસભા બેઠકોમાં 2019માં 3 બેઠકો પર ભાજપને નુક્સાન થયું હતું. હવે પોરબંદરથી ભાજપના દિગ્ગજ નેતા મનસુખ માંડવિયા ઉભા રહેતાં ભાજપે અહીં દિલ્હીથી મોટો ખેલ પાડ્યો છે. પોરબંદરથી અર્જુંન મોઢવાડિયા અને માણાવદરથી લાડાણીને ભાજપમાં લઈને મનસુખ માંડવિયાની જીત એકતરફી કરી દીધી છે. અહીં કોંગ્રેસે લલિત વસોયાને ઉતાર્યા છે. લલિત વસોયા અહીં 2019ની લોકસભાની ચૂંટણી લડ્યા હતા. ભાવનગર સીટ પર પટેલ સમુદાયની પેટા જાતિ લેઉવા પાટીદારોની મોટી હાજરીને કારણે ભાજપ અહીં પ્રબળ પક્ષ છે. અહીં મેર પણ અગત્યના છે. પાર્ટીએ આ બેઠક પરથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ લેઉવા પાટીદાર છે. મનસુખ માંડવિયા અહીં પ્રથમવાર લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ 1991થી પોરબંદર બેઠક જીતી રહ્યું છે, 2009માં અહીં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા વિજયી બન્યા હતા. જોકે, અહીં ભાજપે ઓપરેશન લોટસનો ઉપયોગ કરતાં આ સીટ માંડવિયા માટે સેફ બની ગઈ છે.
અમરેલીને બદલે રૂપાલાને મળી છે રાજકોટની ટિકિટ
રાજકોટ: રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર ગણાય છે. ભલે ગત ટર્મમાં મોહન કુંડારિયા જીતીને દિલ્હી સુધી પહોંચ્યા હતા પણ આ ચૂંટણી રસાકસી ભરી બની રહેવાની છે. ભાજપે અહીં કડવા પાટીદાર નેતા પુરષોત્તમ રૂપાલાને અહીંથી ટિકિટ આપી છે. પુરષોત્તમ રૂપાલા મોદી સરકારમાં મંત્રી છે. પાટીદાર સમાજમાં લેઉવા બાદ કડવા પાટીદારોનો દબદબો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કડવા પાટીદારોની વસતી વધારે છે. અહીંથી ગુજરાત ભાજપના કદાવર નેતાઓ ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસે અહીં ઉમેદવાર જાહેર કર્યો નથી. રાજકોટ એ ભાજપનો ગઢ છે અને અહીં 1989થી ભાજપ વિજેતા બનતું આવ્યું છે. અહીં પોરબંદરથી જેમ 2009માં કુવરજી બાવળિયા અહીંથી કોંગ્રેસમાં જીત્યા હતા. જોકે, કુંવરજી હાલમાં ભાજપ સરકારમાં મંત્રી છે. રૂપાલા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના છે પણ ભાજપે રાજકોટથી રૂપાલાને ચૂંટણીમાં ઉભા રાખ્યા છે. આ સીટ પરથી પીએમ નરેન્દ્ર મોદી અને વિજયભાઈ રૂપાણી પણ લડી ચૂકયા છે. એક સમયે વજુભાઈ વાળાનો આ બેઠક ગઢ ગણાતી હતી. હવે ભાજપ ફક્ત કમળના ચિહ્ન પર ચૂંટણી લડી રહી છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં રાજકોટ એ લેબોરેટરી ગણાય છે.
સાડા પાંચ લાખ વોટથી જીતેલા મોદી સરકારના મંત્રી કપાયા
સુરતઃ ૧૯૫૧ થી ૧૯૫૭ ની ચૂંટણીને બાદ કરતા ગુજરાત રાજયને ૧-૫-૧૯૬૦ માં અલગ રાજયનો દરજ્જો મળ્યો હતો. તે વખતે દેશની લોકસભાની ત્રીજી અને ગુજરાત રાજયને દરજ્જો મળ્યા પછીની પ્રથમ લોકસભાની ચૂંટણી થઇ હતી. ૧૯૬૨ થી લઇને ૨૦૧૯ સુધીના ૫૭ વર્ષમાં કુલ ૧૫ ચૂંટણી યોજાઇ છે. પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઈ, 1977ની કટોકટી પછીની ચૂંટણીઓ સહિત પાંચ વખત અહીંથી જીત્યા હતા. સુરત બેઠક ભાજપનો ગઢ ગણાય છે. કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશની ટિકિટ કાપીને ભારતીય જનતા પાર્ટીએ 43 વર્ષથી ભાજપના કાર્યકર્તા રહી ચૂકેલા મુકેશ દલાલને ઉમેદવાર બનાવ્યા છે. મુકેશ દલાલ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના 5 વખત ચેરમેન રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ સુરત શહેરના સિટી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત છે. અહીંથી જીતેલા ત્રણ સાંસદો કેન્દ્ર સરકારમાં મંત્રી બની ચૂક્યા છે. સુરત એ એશિયાનું સૌથી ઝડપથી વિકસતું શહેર ગણવામાં આવે છે. ભાજપ માટે અતિ અગત્યની બેઠક એટલા માટે પણ છે કે ભાજપે અહીં સાડા પાંચ લાખ વોટથી જીતેલા મોદી સરકારના મંત્રીને કાપીને અહીંથી મુકેશ દલાલને ટિકિટ આપી છે. ભાજપે અહીં મોટો જુગાડ ખેલ્યો છે પણ ભાજપ અહીં વન વે વિજેતા બનતું રહ્યું છે.
ભાજપ 35 વર્ષથી સત્તામાં છે, હવે આપનો પડકાર
ભરૂચ: ત્યારબાદ 1989થી 2019 સુધી ભાજપ કૉંગ્રેસની સામે સતત જીતી રહી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત તાકાત આ મુખ્યત્વે આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક પર ભાજપને ટક્કર આપશે. INDIA ગઠબંધનના ભાગરૂપે, કોંગ્રેસ દ્વારા AAPને આ બેઠક આપવામાં આવી હતી, જેણે ડેડિયાપાડાના હાલના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો ભાજપના મનસુખ વસાવા સાથે થશે, જેઓ 1999થી સતત આ બેઠક જીતી રહ્યા છે. વસાવા 2019 માં 3.3 લાખ મતોના માર્જિનથી જીત્યા, 1989 થી સીટ પર ભાજપનું વર્ચસ્વ સુનિશ્ચિત કર્યું. ભરૂચ બેઠક એક સમયે કોંગ્રેસના નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલ પાસે હતી, જેમણે સૌપ્રથમ 1977માં જીત મેળવી હતી અને 1980 અને 1984માં તે જીતીને 1989 સુધી સંસદમાં ભરૂચનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. 40 ટકાથી વધુ મુસ્લિમ મત ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર 1957થી 1984 સુધી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે. પણ ભાજપ છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી છ વાર સાંસદ બની ચૂક્યા છે. હવે અહેમદ પટેલના સંતાનોને સાઈડલાઈન કરી કોંગ્રેસે આ બેઠક આપને આપી દીધી છે. ભરૂચ લોકસભા બેઠક પરથી જ્યાં મુમતાઝ પટેલે અને ફૈઝલે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓએ પ્રચાર પણ શરૂ કર્યો હતો પણ હવે આ સીટ આપને ફાળે ગઈ છે. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. આ બેઠક હવે આમ આદમી પાર્ટીને આ ભેટમાં ધરી દેવાઈ છે. આપના સંદીપ પાઠકે એડવાન્સમાં જાહેરાત કરી દીધી છે કે ગુજરાતમાં પહેલી લોકસભા બેઠક ભાજપ ચૈતર વસાવા સામે હારી રહી છે. ભાજપ માટે પણ આ નાકનો સવાલ છે. લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પર પણ પ્રભુત્વ જમાવ્યું છે પરતું આ લોકસભામાં માહોલ થોડો અલગ છે. જેનો ડર ભાજપને પણ છે. આમ છતાં પાર્ટીએ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી દીધું છે. ભરૂચમાં આપ અને કોંગ્રેસના ગઢબંધનને પગલે ચૈતર વસાવા અહીંથી ઉમેદવાર છે.
પાટીલને હરાવવા અહીંથી લગભગ અશક્ય
નવસારી : નવસારી એ હંમેશાં દાંડીકૂચ માટે જાણીતી છે. નવસારી લોકસભા મતક્ષેત્ર સુરત શહેરની ચાર વિધાનસભા બેઠક અને નવસારી જિલ્લાની ત્રણ વિધાનસભાના સમન્વયથી સર્જાઈ છે. સુરત શહેરની લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભા બેઠકનો સમાવેશ નવસારી લોકસભા મતક્ષેત્રમાં થાય છે. તો નવસારી જિલ્લાની જલાલપોર અને નવસારી વિધાનસભાની સામાન્ય બેઠકો તો અનુસૂચિત જનજાતિ માટે અનામત એવી ગણદેવી વિધાનસભા બેઠકનો સમાવેશ નવસારી લોકસભા બેઠક મતક્ષેત્રમાં થાય છે. આમ અહીંથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અહીંથી લોકસભાના સાંસદ છે. પાટીલે અહીં દેશમાં સૌથી વધારે લીડ મેળવી હતી. 1977માં દેશના પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન અને જનતા પક્ષના અગ્રણી મોરારજી દેસાઇ સુરત બેઠકથી સાંસદ બન્યા હતા. નવસારી બેઠક પર 2009થી ભાજપનો દબદબો રહ્યો છે. 2008માં નવા સીમાંકન બાદ રચાયેલી નવસારી લોકસભા બેઠક પર 2009, 2014 અને 2019ની સળંગ ત્રણ ચૂંટણીમાં ચંદ્રકાંત રઘુનાથ પાટીલ અહીંથી વિજેતા બન્યા છે. નવસારી બેઠક એ હાલમાં ભાજપનો ગઢ ગણાય છે. અહીંથી પાટીલને હરાવવા એ લોઢાના ચણા ચાવવા સમાન છે. 2009માં યોજાયેલી પહેલી ચૂંટણીમાં જ ભાજપના સી. આર. પાટીલે કોંગ્રેસના ધનસુખ રાજપૂતને 1,32,634 મતે હરાવ્યા હતા. તો 2014માં સી. આર. પાટીલનો કોંગ્રેસના મકસુદ મીર્ઝા સામે 5,58,116 મતે વિજય થયો હતો. 2019માં સી. આર. પાટીલે કોંગ્રેસના ધર્મેશ પટેલને વિક્રમી લીડથી હરાવીને સમગ્ર દેશનું ઘ્યાન ખેંચ્યું હતું. સીઆર પાટીલે અહીં પેજ પ્રમુખોની એવી જાળ બિછાવી છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. આ બેઠક પર પાટીલને હરાવવા લગભગ અશ્કય છે.