અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપે જોરદાર માસ્ટરસ્ટ્રોક માર્યો છે. ભાજપે એક સાથે ત્રણ તીર તાક્યાં છે. સુપ્રીમ કોર્ટે બે બેઠકોની એક સાથે ચૂંટણી યોજવાની કોંગ્રેસની અરજીનો અસ્વીકાર કરતાં ભાજપે કથિત રીતે બંને બેઠકો પોતાને નામે કરી છે તો સાથોસાથ રાજ્યસભાના સાંસદ તરીકે ઠાકોર સમાજના અગ્રણી જુગલ લોખંડવાલા (ઠાકોર)ને ટિકિટ આપી અલ્પેશ ઠાકોરને મોટો જટકો આપ્યો છે. ભાજપમાં જોડાય એ પહેલા જ જાણે અલ્પેશ ઠાકોરનું રાજકારણ પુરૂ થવા તરફ આગળ વધી રહ્યું હોવાની સ્થિતિ સર્જાઇ છે. અલ્પેશ ઠાકોરે કેટલાક મતભેદોને લઇને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતુ. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય એવી સંભાવનાઓ હતી પરંતુ ભાજપે જુગલ ઠાકોરને ટિકિટ આપી અલ્પેશ ઠાકોરને જાણે ધોળા દિવસે તારા બતાવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવાય છે કે રાજકારણમાં ગમે તે થઇ શકે છે. એમાંય મોદી અને અમિત શાહના હાથમાં કમાન આવતાં ભાજપનું રાજકારણ કળવું એ આસાન નથી. લોકસભામાં જંગી જીત મેળવી મોદી-શાહની જોડીએ દેશમાં ભાજપનો કેસરિયો લહેરાવ્યા બાદ ફરી એકવાર ગુજરાતમાં પોતાની ચાણક્ય બુધ્ધિનો વધુ એક પરચો આપ્યો છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે મહેસાણાના ઠાકોર સમાજના અગ્રણી અને ભામાશા કહેવાતા સ્વ.મથુરજી ઠાકોરના યુવા પુત્ર જુગલ ઠાકોરની પસંદગી કરી એક સાથે ઘણા મોરચે વિજય પતાકા ફરકાવી છે. 


રાજ્યસભા ભાજપના ઉમેદવાર જુગલ ઠાકોર શું કહી રહ્યા છે? જુઓ વીડિયો


રાજ્યસભા ચૂંટણી 2019: સુપ્રીમ કોર્ટનો કોંગ્રસને જટકો


રાજ્યસભાની ગુજરાતની બે બેઠકોની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીમાં જોરદાર માસ્ટરસ્ટ્રોક માર્યો છે. જેની સૌથી વધુ અસર ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને થઇ હોવાની સ્થિતિ સર્જાઇ છે. કેટલાક મતભેદને લીધે રાધનપુર બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠોકારે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ઠાકોર સેનાના આ કદાવર નેતા ભાજપમાં જોડાય એવી સંભાવનાઓ પ્રબળ બની હતી. જોકે ભાજપે રાજ્યસભામાં જુગલજી ઠાકોરની પસંદગી કરી કથિત રીતે અલ્પેશ ઠાકોરની ભાજપ એન્ટ્રી પર રોક લગાવી છે. 



ભાજપના આ માસ્ટરસ્ટ્રોકથી અલ્પેશ ઠાકોરનું રાજકીય કદ જાણે વેતરાઇ ગયું છે. કોંગ્રેસમાં જોડાઇ ભાજપ સરકાર સામે બાંયો ચડાવનાર અલ્પેશ ઠાકોરનું જાણું રાજકીય અસ્તિત્વ હવે જોખમાઇ રહ્યું હોય એવી સ્થિતિ સર્જાઇ છે. કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા મામલે કોર્ટમાં અરજી કરી છે. જે મામલે પણ હવે કાર્યવાહી હાથ ધરાઇ છે તો આગામી દિવસોમાં કદાચ ધારાસભ્ય પદ ગુમાવવાનો પણ વારો આવે અને બીજી તરફ ભાજપમાં જવાનો રસ્તો પણ બંધ થઇ જાય. આ સ્થિતિમાં પોતાનું અસ્તિત્વ બચાવી રાખવા માટે 5મી જુલાઇએ યોજાનાર રાજ્યસભાની ચૂંટણીમાં કથિત રીતે અલ્પેશ ઠાકોર અને સમર્થક ધારાસભ્યોને ભાજપમાં મતદાન કરે તો નવાઇ નહીં. 



ભાજપે જુગલ ઠાકોરને ટિકિટ આપી મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ સહિત બક્ષીપંચ સમાજમાં પોતાનો સિક્કો મજબૂત કર્યો છે. આમ પણ જુગલજી ઠાકોરનો પરિવાર દાનવીર ભામાશા તરીકે ઓળખ ધરાવે છે. ઠાકોર સમાજમાં સારી પકડ ધરાવે છે. લોકસભામાં પણ ભાજપે ખેરાલુ ધારાસભ્ય ભરતસિંહ ડાભીને પાટણ બેઠક પરથી ચૂંટણી લડાવી સાંસદ બનાવ્યા છે. આમ મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજના બે નેતાઓને કેન્દ્રમાં સાંસદ બનાવી ભાજપે ઠાકોર સમાજ પર પોતાનું પ્રભુત્વ વધાર્યું છે. 


લેટેસ્ટ ગુજરાતી સમાચાર જાણો, જુઓ LIVE TV