Gujarat BJP Manifesto : જેમાં સૌથી વધુ માછલા ધોવાયા એ શિક્ષણ-બેરોજગારી ક્ષેત્રે ભાજપે મોટા મોટા વાયદા કર્યાં
Gujarat BJP Manifesto : વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો...કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો ‘સંકલ્પપત્ર’ જાહેર કર્યો... 5 વર્ષમાં 20 લાખ યુવાનો અને 1 લાખ મહિલાઓને રોજગારી આપવાનું વચન અપાયું....
Gujarat BJP Manifesto : ભાજપનો ચૂંટણી ઢંઢેરો કેવો હશે તેની ચર્ચા ગઈકાલથી શરૂ થઈ હતી. જેમાં યુવા રોજગારી પર પ્રાધાન્ય અપાય એવી શક્યતા હતી. ત્યારે આ શક્યતાઓ વચ્ચે આજે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયો છે. ત્યારે આ ચૂંટણી ઢંઢેરામાં જોવા મળ્યું કે, શિક્ષણ અને બેરોજગારી પર ખાસ ફોકસ કરાયું છે. આ બંને ક્ષેત્રોમાં મહત્વની જાહેરાતો કરી છે. મહત્વનુ છે કે, ગત કેટલાક વર્ષોમાં બેરોજગારી મુદ્દે સરકાર પર સૌથી વધુ માછલા ધોવાયા હતા. તો બીજી તરફ, આમ આદમી પાર્ટીએ સતત ગુજરાતની શિક્ષણ નીતિ નબળી હોવાનું કહીને વારંવાર સરકાર પર પ્રહાર કર્યાં છે. ત્યારે ચૂંટણી ઢંઢેરામા આ બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપે મત માંગવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે સૌથી વધુ જાહેરાત શિક્ષણ ક્ષેત્રે કરી છે. તો આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડીશું તેવુ વચન આપ્યું છે.
બેરોજગારો માટે મહત્વની જાહેરાત
આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડીશું
આગામી 5 વર્ષમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરીશું
આદિવાસી યુવાઓને રોજગારી પૂરી પાડવા 8 GIDCની સ્થાપના કરીશું
અગ્નિવીર તરીકે ભરતી થનારી મહિલાને ₹50,000ની વન ટાઈમ ગ્રાન્ટ આપીશું
'હેલ્થ રિક્રૂટમેન્ટ બોર્ડ'ની રચના કરીશું, જે ડોક્ટર અને નર્સ જેવા મેડિકલ સ્ટાફની ભરતી કરશે
શિક્ષણ માટે મહત્વની જાહેરાત
મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું
આગામી 5 વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડીશું
IITના તર્જ પર 4 ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીની સ્થાપના કરીશું
વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરીશું
SC/ST વિદ્યાર્થીઓ માટે પ્રિ-મેટ્રિક સ્કોલરશિપની રકમ ડબલ કરીશું
50 નવી સમરસ હોસ્ટેલ બાંધીશું
ટોચની વૈશ્વિક શિક્ષણ સંસ્થાઓને ગુજરાતમાં તેમના કેમ્પસ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરીશું
10,000 સરકારી શાળાઓમાં સ્પોર્ટ્સની સુવિધાઓ વિકસાવવા માટે ₹500 કરોડના 'જામ શ્રી રણજીતસિંહજી ખેલ કોષ'નું નિર્માણ કરીશું
EWS વેલફેર બોર્ડની રચના કરીશું જે શિક્ષણ અને ભરતીમાં નિયમોની દેખરેખ કરશે અને EWS વર્ગોના કલ્યાણ માટે કામ કરશે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 4 'ઉમાશંકર જોશી સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ'ની સ્થાપના કરીશું
આદિવાસી વિસ્તારોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ કોલેજોની સ્થાપના કરીશું
KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું
ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક સાયકલ આપીશું
વ્હાલી દીકરી યોજના અંતર્ગત નાણાકીય સહાય વધારીને ₹1.50 લાખ કરીશું
'મિશન મંગલમ 2.0'નું ભંડોળ ₹2,500 કરોડ સુધી વધારીશું
25 'બિરસા મુંડા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો' બનાવીશું
ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થામાં પ્રવેશ મેળવનાર આદિવાસી વિદ્યાર્થીને ₹50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું