ઝી બ્યુરો/અમદાવાદ: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસને એક બાદ એક ફટકા પડી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોથી લઈ પૂર્વધારાસભ્યો અને સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. ભરતી મેળાથી કોંગ્રેસ ટેન્શનમાં અને ભાજપ ગેલમાં છે. 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા સી.આર.પાટીલે 182માંથી 182 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 156 જ મળી. જો કે હવે આ ટાર્ગેટ પુરો કરવા ભાજપ પ્રયાસમાં હોય તેમ લાગી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા વીસાવદરથી AAPના ભૂપત ભાયાણી પછી ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલ. ત્યારબાદ વિજાપુરથી કોંગ્રેસના સી.જે.ચાવડા અને હવે કયા ધારાસભ્યએ આપશે રાજીનામું? 2022ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ખોબલે ખોબલે મત આપીને આ નેતાઓને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા હતા. પરંતુ આ નેતાઓએ જે સિમ્બોલથી જનતાએ ચૂંટ્યા હતા તે સિમ્બોલને રામ રામ કરી દીધા છે. હજુ પણ વધુ કેટલાક ધારાસભ્યો રાજીનામું આપવાની લાઈનમાં હોવાની જાણકારી મળી છે. તો ભાયાણી, પટેલ અને ચાવડા પછી કોનો વારો?


2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 182માંથી 182 બેઠક જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. પરંતુ આ લક્ષ્ય થોડા માટે રહી ગયું. 182માંથી 156 ભાજપને મળી. પરંતુ હવે આ લક્ષ્ય સાંધી લેવાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. કારણ કે એક બાદ એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. ધારાસભ્યોથી લઈ સંગઠનના નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી રહ્યા છે. 


ભાજપના ભરતી મેળામાં 24 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો. સાબરકાંઠા, આણંદ, અરવલ્લીના કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસને રામ રામ કરનારા નેતાઓની વાત કરીએ તો....


  • સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિપુલ પટેલ 

  • APMCના ડિરેક્ટર સુધીર પટેલ 

  • મહુધાનાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ ઠાકોર

  • સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ડૉ.વિપુલ પટેલ 

  • યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ સુધીર પટેલ 

  • ખેરાલુ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિનોદ ચોધરી

  • સતલાસણા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર

  • રાણપુર તાલુકા પંચાયત સભ્ય કનુભાઈ બારોટ

  • તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય દિનેશ સિંહ પરમાર

  • તાલુકા પંચાયતનાં સદસ્ય નાગજી ઠાકોર

  • મહેસાણા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ મંજુલા ચૌધરી

  • ખેરાલુ તાલુકા પંચાયતનાં પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ રાણાનો સમાવેશ થાય છે. 


ભાજપમાં જોડાયેલા આ તમામ કોંગ્રેસી નેતાઓને લઈ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે. જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય. ચૂંટણી નજીક આવે ત્યારે આયા રામ અને ગયા રામની રાજનીતિ ચાલતી હોય છે. પક્ષપલટાનો દોર પણ શરૂ થઈ જાય છે. હવે જ્યારે 2024ની લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ માટે એક બાદ એક આંચકા રૂપ સમાચાર આવી રહ્યા છે. જોવાનું રહેશે કે હજુ કેટલા કોંગ્રેસ અને આપના નેતાઓ પોતાની પાર્ટીને છોડે છે?