ભાજપના નેતાઓને હાઈટેક બનાવવા સીઆર પાટીલનું વધુ એક ક્રાંતિકારી પગલુ
પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ભારત (digital india) ના સ્વપ્ન તરફ જવાની દિશામાં ગુજરાત ભાજપ દ્વારા વધુ એક નિર્ણય કરાયો છે. ગુજરાત ભાજપ પોતાના પદાધિકારીઓને ટેબલેટ આપીને હાઈટેક બનાવાશે.
બ્રિજેશ દોશી/ગાંધીનગર :પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ભારત (digital india) ના સ્વપ્ન તરફ જવાની દિશામાં ગુજરાત ભાજપ દ્વારા વધુ એક નિર્ણય કરાયો છે. ગુજરાત ભાજપ પોતાના પદાધિકારીઓને ટેબલેટ આપીને હાઈટેક બનાવાશે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પક્ષની તમામ વિગતો, પક્ષનો ઈતિહાસ, પક્ષના નેતાઓની જાણકારી, ગુજરાત અને ભારતની જાણકારી, હોદ્દેદારોનો પ્રવાસ, હોદ્દેદારોની હાજરી, તેમની વિગતો, સહિતની વિગતો સાથેનું એક અદ્યતન ટેબલેટ હોદ્દેદારોને આપવાનું નક્કી કર્યું છે. આ અંગેનું પ્રેઝન્ટેશન ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં કરવામાં આવ્યું હતું. આ ટેબલેટથી હોદ્દેદારોને જરૂરી હોય તેવી તમામ વિગતો આંગળીના ટેરવે મળી રહેશે. તો સાથે જ પક્ષને પોતાના હોદ્દેદારોને આપવાના થતા સૂચન અને માહિતી પણ એક સાથે આપી શકાશે. પક્ષની બેઠકમાં હાજર રહેતા પદાધિકારીઓની હાજરી પણ ડિજિટલ માધ્યમથી થશે. એટલે કે પ્રદેશ કાર્યાલયનું મોટાભાગનું કામ પેપરલેસ થઈ જશે. ભાજપ અધ્યક્ષ બન્યા તે પહેલાથી જ સીઆર પાટીલ પોતાની સાંસદ તરીકેની ઓફિસને ISO સર્ટિફાઈડ કરાવનારા પહેલા સાંસદ બન્યા હતા અને હવે પ્રદેશ ભાજપ કાર્યાલયને પણ ISO સર્ટિફાઈડ કરાવાશે. જે અંતર્ગત જ આ ટેબલેટ પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો.
આ પણ વાંચો : મુખ્યમંત્રી બનવાની રેસમાં જાતિવાદ કેમ આવ્યું, જનતા નક્કી કરશે કે સમાજ?
ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા બાદ સીઆર પાટીલે ટેકનોલોજી ઉપર વિશેષ ભાર આપ્યો છે. તેઓ સાંસદ બન્યા ત્યારથી જ પોતાના રાજકીય પ્રવાસો અને ઓફિસમાં ડિજીટલાઈઝેશન પર ભાર મૂક્યો હતો. તેમને મળેલી સફળતા બાદ આ જ પ્રોજેક્ટ પ્રદેશ ભાજપમાં પણ લાગુ કરવાનું નક્કી કર્યું છે. પ્રદેશના તમામ પદાધિકારીઓ
સાંસદો ધારાસભ્યોને ભાજપ હવે ડિજીટલાઈઝેશન તરફ આગળ લઈ જશે.
આ પણ વાંચો : આજે આ શહેરોમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી છે આગાહી
આ ટેબલેટથી પક્ષના હોદેદારો કેટલા ટેક્નોસેવી થયા તેનું પણ ધ્યાન રહેશે. કારણ કે આ ટેબલેટની અંદરની તમામ એપ્લિકેશન અને ડેટા ભાજપનું જ આઈટી સેલ ઓપરેટ કરશે. એટલે કે ટેબલેટ મળ્યા પછી તેનો કેટલો ઉપયોગ થયો અને કઈ બાબતો માટે થયો તેનું પણ ધ્યાન પ્રદેશ ભાજપ રાખી શકશે. પીએમ મોદીએ પહેલા જ ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા કહ્યું હતું. પરંતુ ચૂંટણીઓ સિવાયના સમયમાં મોટાભાગના પદાધિકારીઓ સોશિયલ મીડિયા પર એટલા સક્રિય રહેતા નથી. ત્યારે હવે આ ટેબલેટથી તેમને વધુ એક તક આપવામાં આવી રહી છે. જેનાથી તેમનું કામ સરળ રહે અને તેઓ લોકોના પ્રશ્નો ઉકેલવામાં પણ મદદ કરી શકે તો સાથે જ સંગઠન અને પક્ષ સાથે સતત સંપર્કમાં રહી શકે.
ટૂંક સમયમાં આ ટેબલેટનું વિધિવત લોન્ચિંગ કરાશે. ત્યારે તેની સંપૂર્ણ વિગતો બહાર આવશે. ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પોતે હાથ ધરેલા પ્રોજેક્ટ હંમેશા સફળ બનાવતા રહ્યા છે ત્યારે તેમને આ પ્રોજેક્ટની સફળતાની સાથે જ હોદ્દેદારોની સક્રિયતા વધવાનો વિશ્વાસ છે.