ભાજપના નગરસેવક સામે થઈ ત્રિપલ તલાકની ફરિયાદ, પરસ્ત્રી સાથે લીલા લહેર કરતા હોવાની ચર્ચા
Mehsana News : મહેસાણામાં ભાજપના નગર સેવક સલીમ વોરાએ પત્નીને ત્રિપલ તલાક આપ્યાની ફરિયાદ.... પરસ્ત્રી સાથે સંબંધ હોવાનો પણ આરોપ....
Mehsana News તેજસ દવે/મહેસાણા : મહેસાણા નગરપાલિકા વોર્ડ નંબર 10 ના ભાજપનાં નગરસેવક સલીમ વોરા સામે તેમની પત્નીએ ટ્રિપલ તલાક આપતા સમગ્ર મામલો ભારે ચર્ચામાં આવ્યો છે. પોલીસે પત્નીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વકીલ કોર્પોરેટર આ મામલે તમામ આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું હતું.
મહેસાણામાં ભાજપના નગર સેવક સલીમ વોહરા દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપવાનો મામલો આજે સમગ્ર શહેરમાં ભારે ચર્ચામાં આવ્યો છે. ભાજપનાં નગર સેવક સલીમ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં પત્ની સિદ્દીકા વોરાએ ઘણા આક્ષેપ કર્યા છે. પરસ્ત્રી સાથેના સંબંધમાં નગર સેવક પતિએ પત્નીને ટ્રિપલ તલાક આપ્યા છે. સાથે જ બાળકની માંગ સહિત દહેજની પણ માંગ સાથે ભાજપના કોર્પોરેટર પતિએ માર માર્યાનાં આક્ષેપ કર્યા છે. ગુસ્સે થયેલી પત્નીએ પતિ, સાસુ, નણંદ સહિત પરસ્ત્રી સાથે સંબધ રાખનાર મહિલા વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
ભાજપનાં જ નગર સેવક સામે હાલમાં ૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭, ૧૧૪ તથા દ.પ્ર.ધા.ક.૩,૪ તથા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હકોના રક્ષણ) બાબત અધિનિયમ ૨૦૧૯ ની કલમ-૩, ૪ મુજબ ફરિયાદ નોધાઇ છે. ઘણા લાંબા સમયથી ચાલતા પતિ-પત્નીના વિવાદ બાદ પત્ની સિદ્દીકાબાનુએ પતિ વિરુદ્ધ ટ્રિપલ તલાક આપ્યાની પોલીસ ફરીયાદ નોંધાવી છે. વ્યવસાયે વકીલ સલીમ વોરા અને તેમની પત્ની વચ્ચે પુત્રના મોત બાદ ખટરાગ ચાલતો હતો. પુત્રની ઘેલછામાં તેઓએ પત્નીને ત્રાસ આપ્યો અને રેશ્મા નામની યુવતી સાથે આડા સંબંધ હોવાના કારણે ત્રાસ આપ્યો અને ત્યાર બાદ ત્રિપલ તલાક કહીને તલાક આપ્યા હોવાનું પત્ની સિદ્દીકાબાનુએ પોલીસ ફરીયાદમાં લખાવ્યું છે.
પત્નીએ ફરિયાદમાં કહ્યું કે, પતિએ ત્રણ વાર તલાક બોલી તલાક આપ્યા છે. તો બીજી તરફ પતિએ પોતે કાયદા અને શરીયત મુજબ એક-એક માસના અંતરે તલાક આપ્યા છે. તેમજ પત્નીએ રૂપિયા પડાવવા અને બ્લેકમેલિંગ કરી રહી હોવાનો આક્ષેપ પતિ સલીમ વોરાએ કર્યો છે. સાથે સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચામાં આવ્યો છે અને તે અંગેનું રેકોર્ડીંગ પણ વાયરલ થઈ રહ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે આક્ષેપ પાયાવિહોણા હોવાનું નગર સેવક સલીમ વોરાએ જણાવ્યું.
લાંબા સમયથી ભાજપ નગરસેવક સલીમ વોરા અને પત્ની સિદ્દીકાબાનું વચ્ચે ચાલતા વિવાદમાં મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાતા મામલો વધુ ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. આક્ષેપ બાદ આક્ષેપને જોતાં આં મામલો લોકોમાં અને રાજકીય રંગ પકડે તેવા એંધાણ લાગી રહ્યાં છે.