વડોદરાઃ ગુજરાતના રાજકારણમાં નારાજગીનો દોર ચાલી રહ્યો છે. આ પહેલા કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો નારાજ થયા હતા. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ તો પાર્ટીમાંથી પોતાનું રાજીનામું પણ આપી દીધું હતું. તો હવે ભાજપમાં પણ નારાજગીનો અવાજ બહાર આવ્યો છે. એક તરફ મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિદેશ પ્રવાસે છે ત્યારે અહીં ભાજપના 3 ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલ સામે આવ્યા છે. વડોદરા ભાજપના ત્રણ ધારાસભ્યો મધુ શ્રી વાસ્તવ, યોગેશ પટેલ અને કેતન ઈનામદાર નારાજ હોવાની વાત સામે આવી છે. ત્રણેય ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી હતી.


ભાજપના ત્રણેય નારાજ ધારાસભ્યોએ બેઠક યોજી હતી. આ ધારાસભ્યોનું કહેવું છે કે, તેમના કામ સરકારમાં થતા નથી. કોઇપણ કામ માટે સીએમઓમાં લાઇનમાં ઉભું રહેવું પડે છે. વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમારી સાથે 3 થી 4 ધારાસભ્યો છે. અમે અમિત શાહને પણ રજૂઆત કરી અને દિલ્હી હાઈકમાન્ડને પણ અમારી વાત પહોંચાડી હતી. અમારૂ કોઈ સાંભળતું નથી. આમ ભાજપમાં પણ વિરોધનો સુર ઉભો થતા રાજકીય રીચે તર્ચાનો વિષય બન્યો છે.