અર્પણ કાયદાવાલા/અમદાવાદ :કોરોના સામે વધુ એક બાહોશ અધિકારીએ દમ તોડ્યો છે. ગુજરાત કેડરનાં IAS ઓફિસર ડો.ગુરુપ્રસાદ મહાપાત્રા (dr guruprasad mohapatra) નું કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અસરકારક કામગીરી માટે પ્રખ્યાત હતા ડો.મહાપાત્રા
ડો. ગુરુપ્રસાદ મહાપાત્રા છેલ્લાં દોઢ માસથી દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ હતા. લાંબા સમયથી તેઓ કોમામાં હતા. આજે વહેલી સવારે તેમણે કોરોના સામેની જંગ હારીને અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી IAS ઓફિસરોમાં ભારે ગમગીની છવાઈ છે. ડો.મહાપાત્રા 1986 ની બેચનાં IAS ઓફિસર (gujarat cadre ias) હતા. તેમણે રાજકોટ-જૂનાગઢમાં પૂર્વ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી. છેલ્લાં લાંબા સમયથી તેઓ ડેપ્યુટેશન પર કોમર્સ વિભાગનાં સેક્રેટરી હતા. તેમણે અગાઉ એરપોર્ટ ઓથોરિટીનાં ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. 


અસરકારક કામગીરી માટે ડો.મહાપાત્રા પ્રખ્યાત હતા. ગુજરાતમાં મુખ્યસચિવ તરીકે તેમનું નામ ચર્ચામાં હતુ. પરંતુ તેમ પહેલા જ તેમણે દમ તોડ્યો હતો. 


મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત કેડરના  IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે જણાવ્યું છે કે, મહાપાત્રાના અવસાનથી ગુજરાત કેડરના એક સંનિષ્ઠ અધિકારી આપણે ગુમાવ્યાં છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને સદગતિ અર્પે તેમજ તેમના પરિવારને સ્વ. મહાપાત્રાના અવસાનથી આવી પડેલ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના.