મોરબીની દુર્ઘટના અંગે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક જાહેર, કોઈ રાજકીય કાર્યક્રમ નહિ થાય
Morbi Bridge Collapse : મોરબીની દુર્ઘટના અંગે 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક... બુધવારે રાજ્યવ્યાપી શોકનો રાજ્ય સરકારનો નિર્ણય... મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓની આત્માની શાંતિ માટે નિર્ણય... રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ માટે પ્રાર્થના કરે તેવી અપીલ
અમદાવાદ :બ્રિજ તૂટવાની ઘટનાથી ન માત્ર મોરબીમાં પરંતુ આખા ગુજરાતમાં માતમ છવાયો છે. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી શોક પાળવાની અપીલ કરાઈ છે. મોરબીની ગોઝારી ઘટના બાદની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી. બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્તોને તમામ મદદ તાત્કાલિક મળી રહે તેના પર ભાર મૂક્યો હતો. ત્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોકની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરી કે, માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રાખવામાં આવશે તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.
મુખ્યમંત્રીએ અન્ય ટ્વીટમાં લખ્યું કે, આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા દિવંગત આત્માઓની શાશ્વત શાંતિ માટે તેમજ તેમના પરિવારજનોને પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે રાજ્યભરમાં સૌ તે દિવસે શાંતિ પ્રાર્થના કરે તેવી નમ્ર અપીલ કરું છું.
ઉલ્લેખનીય છે કે, મોરબી દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. તેમણે ગાંધીનગરમાં રાજભવનમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. જેમાં બચાવ અને રાહત કામગીરી અંગે પ્રધાનમંત્રીએ મેળવી માહિતી હતી. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, મુખ્ય સચિવ અને DGP સહિતના ઉચ્છ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ અસગ્રસ્તોને તમામ શક્ય સહાય તાત્કાલિક આપવા પર ભાર મૂક્યો હતો.