Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલ-સ્ટ્રક્ચર્સને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટેનો મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. તદઅનુસાર રાજ્યમાં 20 જેટલા માર્ગો-રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે મુખ્યમંત્રીએ 245.30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્ગ અને મકાન વિભાગ હવે આવા સાંકડા પુલ અને સ્ટ્રક્ચર્સને રસ્તાઓની પહોળાઈને અનુરૂપ વાઇડનીંગ કરવાની કામગીરી હાથ ધરશે.


રાજ્યમાં કુલ મળીને એવા 41 પુલો કે સ્ટ્રક્ચર્સ છે જેની પહોળાઈ રસ્તાઓની પહોળાઈ કરતા સાંકડી છે. આના પરિણામે આવા પુલો-સ્ટ્રકચર્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા ઊભી થાય છે. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આ વિષય આવતા તેમણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા ભોગવવી ન પડે તેમજ ઝડપી અને સલામત યાતાયાત થઈ શકે તે હેતુસર આ 245.30 કરોડ રૂપિયા સાંકડા પુલો અને સ્ટ્રક્ચર્સના વાઇડનીંગ માટે ફાળવ્યા છે.


મુખ્યમંત્રીના આ જન હિતકારી નિર્ણયથી આગામી દિવસોમાં રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કમાં વધુ સુવિધાજનક નેટવર્ક નાગરિકોને ઉપલબ્ધ થશે અને ઈઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થશે.