Cyclone Biparjoy: લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થતાં ગુજરાતમાં મુખ્યમંત્રીએ બોલાવી ટોપ લેવલની બેઠક
landfall surfaced: IMD ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે હાલમાં તે 115-125 kmphની ઝડપે ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના કચ્છમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે, વધુ ભારે વરસાદની સંભાવના છે. મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે.
Cyclone Biparjoy Updates: ગુજરાત પર તોળાઈ રહેલા ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત તીવ્ર અસરો સામે સંભવિત અસરગ્રસ્ત ૮ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા તંત્ર વાહકો સાથે યોજેલી બેઠકની વિગતો આપતા મુખ્યમંત્રીને જણાવ્યુ કે વાવાઝોડાની અસર પૂર્ણ થાય કે તરત જ પ્રાથમિક નુકશાનીના અંદાજ માટે જિલ્લા કલેકટરોને સૂચના આપી છે. અસરગ્રસ્તોને કેશડોલ, ઘરવખરી, ઝૂપડાં સહાય, પશુ સહાય જેવી સહાય પૂરી પાડવાની તૈયારી કરવા પણ તંત્રને સૂચના આપી હતી.
તેમણે કહ્યું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. ઘાયલ પશુઓને તત્કાલ યોગ્ય સારવાર મળી રહે તથા પશુ મૃતદેહોના યોગ્ય નિકાલની વ્યસ્થા કરવા પણ તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે પડી ગયેલા વૃક્ષોને ખસેડવાની કામગીરી અને વીજ થાંભલાઓના સમારકામની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે તેની જાણકારી પણ મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.
આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વારિકા, જામનગર, મોરબી અને જૂનાગઢમાં ઝાડ પડી જવા અને વરસાદને કારણે કેટલાક ગામોમાં વીજ પુરવઠાને અસર પડી છે તે પુર્વવત કરવા ઊર્જા વિભાગે પુરતી વ્યવસ્થા કરી દીધી છે.મુખ્યમંત્રીએ આ વાવાઝોડાની અસરો જે બે જિલ્લામાં વર્તાવાની શરુ થઈ ગઈ છે તે દ્વારકા અને કચ્છના જિલ્લાના કલેક્ટરો સાથે મોબાઈલ ફોનથી વાત કરીને છેલ્લામાં છેલ્લી પરિસ્થતિની વિગતો મેળવી હતી. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ એક લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે તેની વિગતો પણ આપી હતી.
કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આજ રાત્રે કચ્છના જખૌ ખાતે ટકરાશે. આ વાવાઝોડા ને પગલે ૧૬ બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં આગામી એક બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સંભાવનાને પગલે આ બે જિલ્લાના વહીવટી તંત્રને જરૂરી વ્યવસ્થાઓ સાથે સતર્ક રહીને દર કલાકે સ્ટેટ કંટ્રોલ રૂમને વિગતો પુરી પાડવા સૂચનાઓ આપવામાં આવી છે.
એટલું જ નહિ પાટણ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારના એક હજાર જેટલા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેમ મુખ્ય સચિવએ જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન રાજ્યના અધિક મુખ્ય સચિવો સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. તંત્ર દ્વારા Cyclone Biparjoy ની અસરને પગલે હવે દરિયાકિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. આ સાથે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા રાજ્યની અનેક સ્કૂલ બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વાવાઝોડાને કારણે આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
રાજ્યની અનેક શાળાઓમાં રજા જાહેર કરાઇ
વાવાઝોડાની અસરને કારણે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે મુજબ કચ્છમાં 13, 14, 15 ત્રણ દિવસ શાળાઓ બંધ રહેશે, મોરબી જિલ્લામાં 2 દિવસ શાળાઓ બંધ રહેશે, રાજકોટમાં 1500થી વધુ શાળાઓમાં 14, 15 જૂન રજા રહેશે, જામનગરની 708 શાળાઓ 15 જૂન સુધી બંધ રહેશે અને ગીરસોમનાથ જિલ્લામાં 13 થી 15 જૂન શાળાઓ બંધ રહેશે.
બનાસકાંઠાની તમામ શાળાઓ રહેશે બંધ
વાવાઝોડાની અસરને કારણે 16 અને 17 જૂને બનાસકાંઠાની તમામ શાળાઓ બંધ રહેશે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને ભારે વરસાદ અને પવનને લઈને નિર્ણય લેવાયો છે. વાવાઝોડાની શક્યતાઓ વચ્ચે શિક્ષણ અધિકારીએ આ નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીઓની સાવચેતી અને સલામતીના ભાગરૂપે શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે.
શુક્રવારે પણ બંધ રહેશે દ્વારકાધીશ મંદિર
ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. દ્વારકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની અસર અને ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ ભક્તો અને યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી શ્રી દ્વારકાધીશ મંદિર આવતીકાલે તારીખ 16 જૂન શુક્રવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. જોકે મંદિરમાં શ્રીજીની સેવા- પૂજાનો નિત્યક્રમ પરંપરા મુજબ પૂજારીઓ દ્વારા ચાલુ રહેશે. શ્રીજીના નિત્ય દર્શન માટે સંસ્થાની વેબસાઈટ www.dwarkadhish.org તથા સંસ્થાના અન્ય અધિકૃત સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ભક્તો દર્શન કરી શકશે. જેની સૌ ભાવિક ભક્તજનોને નોંધ લેવા જણાવ્યું છે.
દરિયાના પ્રચંડ મોજામાં માંડ બચ્યા મંત્રી પરસોત્તમ રૂપાલા
ભારત સરકારના ડેરી ઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલાને બિપોરજોય વાવાઝોડાને પગલે દ્વારકામાં બચાવ કામગીરી અને રાહત કામગીરીની જવાબદારી સોંપાઈ છે. વાવાઝોડાની સ્થિતિ વચ્ચે દરિયાકિનારે મંદિરની અંદર ઘૂંટણ સુધી દરિયાના પાણીની વચ્ચે પરષોત્તમ રૂપાલાએ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી.
તેઓ આજે સવારે દરિયા કિનારે દર્શન કરવા ગયા હતા. જ્યાં તેઓ દરિયા દેવને નમન કરી બહાર નીકળી રહ્યા હતા, તે વખતે દરિયામાંથી પ્રચંડ લહેર ઉઠી હતી. દરિયા કિનારે આવેલું પ્રચંડ મોજુ તેમને સ્પર્શી ગયુ હતું. આવામાં રૂપાલાને શરીરનુ સંતુલન જાળવવુ પણ મુશ્કેલ બન્યુ હતું. આવી સ્થિતિમાં તેઓ પોતાના સાથીદારો સાથે ઝડપભેર પાણીના પ્રવાહ વચ્ચે બહાર નીકળી ગયા હતા. આ દ્રષ્ય ત્યા હાજર સૌ કોઈને સ્તબ્ધ કરી દે તેવુ હતું. કારણ કે, રૂપાલાનો જીવ માંડ માંડ બચ્યો હતો.