ગાંધીનગર: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નાગરિકોની સુખાકારી માટે લીધેલા મહત્વના નિર્ણયોની મીડિયાને વિગતો આપતા મંત્રી વાઘાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે ૨૦૭૫ MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-૨ જળાશયમાં પાણીનું લેવલ ઘટતા, તેમાંથી પાણીનો ઉપાડ ૧૮૦ MLDથી ઘટીને ૧૦ થી ૧૫ MLD થયેલ છે જેના માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-૨ જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ માટે તા. ૨૫ એપ્રિલ-૨૦૨૨થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મણી-૨ જળાશય ભરવામાં આવશે. એ જ રીતે કચ્છ જીલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પામ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આયોજન છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી દેવામાં આવેલ છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે. 


મંત્રીએ ઉમેર્યું કે રાજ્યમાં પીવાના પાણીની ફરિયાદોના નિકાલ માટે ૨૪×૭ ટેલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૧૬ કાર્યરત છે. પીવાના પાણી સંદર્ભે જે પણ ફરિયાદો આવે તેનું અત્યંત સંવેદના સાથે નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરાશે. મંત્રીએ ઉમેર્યું કે મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પૂરતું આયોજન કરાયું છે કચ્છ જિલ્લાના લખપત અને ભુજ તાલુકામાં ઘાસચારાની માંગણી આવી છે એ સંદર્ભે પુરતી વ્યવસ્થાઓ કરી છે તેમજ અન્ય જગ્યાએ જેમ જેમ માંગણી આવશે તેમ-તેમ ઘાસચારો પૂરો પાડવામાં આવશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube