અમદાવાદ: નિરમા યુનિવર્સીટી દ્વારા ૩ દિવસીય ઇવેન્ટનું આયોજન કરવામ આવ્યું છે જેમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખાસ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી પણ હાજર રહ્યા હતા. આ સિવાય નિરમાના માલિક કરસન પટેલ પણ આ કાર્યક્રમમાં વિજય રૂપાણીનું સ્વાગત કર્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિરમાના આ ૩ દિવસીય ઇવેન્ટમાં આજે વિજય રૂપાણીએ નિરમા ઈન્સીટ્યુટના વિધાર્થીઓ સાથે ખાસ સંવાદ કર્યો હતો. જેમાં વિધાર્થીઓ વતી આર જે ધ્વનિતએ સી.એમ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદમાં વિજય રૂપાણીએ પોતાના જીવનની અંગત વાતો સાથે રાજકીય કારકિર્દીની ચર્ચા કરી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે તેઓ જયારે 7 વર્ષના હતા ત્યારથી જ તેઓ RSS સાથે સંકળાયેલા હતા. અને નાનપણથી જ પોતે RSS ના સક્રિય કાર્યકર્તા હતા.


વિજય રૂપાણીએ યુવાઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે જયારે કટોકટી લાગી ત્યારે તેમને પણ સરકારના ઇશારે પકડીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, અને તે એક વર્ષ સુધીનો જેલવાસ ભોગવ્યો હતો. જેલવાસ દરમિયાન તેમને જેલના ઘણા અનુભવો પણ શેર કર્યા હતા. જેલમાં તેમણે તેમને રશિયન ભાષા પણ શીખી હતી. તેમને રાજકારણ અને રાજનીતિ વિષે જણાવ્યું હતું કે રાજકારણ અને રાજનીતિમાં બહુ મોટો તફાવત છે અને તે રાજનીતિમાં માને છે. રાજનીતિ એટલે રાજ્ય માટે કામ કરવું અને સારી નીતિ રાખવી તે તેમનું માનવું છે.


આ સિવાય જ્યારે તેઓ રાજકોટના મેયર તરીકે હતા ત્યારની વાતો પણ શેર કરી હતી અને જણાવ્યું હતું કે તે જ્યારે રાજકોટના મેયર તરીકે હતા ત્યારે તેમને રાજકોટવાસીઓ માટે ગટર લાઈન, પાણીની લાઈનોથી માંડીને રોડ રસ્તા અને લાઈટની સમસ્યાઓ પર પણ ઘણું કામ કર્યું છે. પોતાના અંગત જીવન વિષે તેમને વાત કરતા જાણાવ્યું હતું કે તેમને અંજલિ રૂપાણી સાથે પ્રેમ લગ્ન કર્યા છે અને અંજલી રૂપાણીએ પણ તમામ પરિસ્થિતિમાં તેમનો સાથે આપ્યો છે. જયારે તેમનો ૩ વર્ષનો પુત્ર પડી જતા તેનું અવસાન થયું હતું ત્યારે તેમણે જ વિજય રૂપાણીને આઘાતમાંથી બહાર લાવ્યા હતા.

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દુનિયાની સૌથી મોટી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના ખાસ પ્રસંગ દરમિયાન થયેલી વાતો પણ લોકો સાથે શેર કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે જણાવ્યું હતું કે, સરદાર સાહેબની પ્રતિમા એ ફક્ત પ્રતિમા નથી પણ સરદાર સાહેબના વિચારો એ જાતિ, જ્ઞાતિ એ બધાથી ઉપર ઉઠી અતૂટ રાષ્ટ્રવાદના નિર્માણનું પગલું છે. 


તેમણે પોતાના છાત્ર જીવનના સંસ્મરણો વાગોળતા કહ્યું કે, યુવા શક્તિમાં પ્રખર રાષ્ટ્રવાદના સંસ્કારોનું સિંચન થાય તે પ્રકારના છાત્ર ઘડતર, રાષ્ટ્ર ઘડતરના આયોજનો તે સમયની માંગ છે. ભારત સૌથી યુવા વસતિ ધરાવતો દેશ છે ત્યારે યુવાનોને તક મળે તે જરૂરી છે. આ માટે ગુજરાતને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી બનાવવાની નેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.  ગુજરાતમાં ફક્ત ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ થાય એટલું જ નહીં પરંતુ સામાજિક વિકાસ થાય તે માટે પ્રાથમિક સુવિધાઓનો પણ વિસ્તાર કરવો છે.


વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં જણાવ્યું કે, જીવનમાં લક્ષ્ય રાખી ધીરજ કેળવી આગળ વધવાથી જે તે લક્ષ્યમાં નિર્ધારિત સફળતા ચોક્કસ મળે જ છે. વિદ્યાર્થીકાળમાં અભ્યાસ પર પૂરતું ધ્યાન રાખી ઉજ્જવળ કારકિર્દી બનાવવી સમાજના વિકાસમાં પણ સહયોગ આપવાની અપિલ પણ તેમણે કરી હતી. મુખ્યમંત્રીએ નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ખાસ કરીને આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે, આજુબાજુના પર્યાવરણને જાણે, આદિવાસી સંસ્કૃતિ જાણે અને તેના વિશે સંશોધન કરે તે માટેનું આહવાન કર્યું હતું. દુનિયામાં જે પણ સારું છે તે ગુજરાતમાં લાવી પારદર્શકતા, નિર્ણાયકતા, સંવેદનશીલતાથી કાર્ય કરી ગુજરાતનો વિકાસ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.