ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યા બાદ કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે આગામી 4 દિવસ બાદ આવી રહેલી ઉત્તરાયણમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિયાળો બરાબરનો જામ્યો છે. ઉત્તર-પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફિલા પવનને કારણે શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ, રાજકોટ, નલિયા સહિત રાજ્યનાં 9 શહેરોમાં સિંગલ ડીઝીટ તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા હતા. ત્યારે ગુજરાતમાં 2 દિવસ કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. આ સિવાય છેલ્લાં 24 કલાકમાં હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં નોધાયેલા તાપમાનના આંકડા જાહેર કર્યા છે. જેમાં કચ્છના નલિયાનું તાપમાન 6.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરા શહેરનું તાપમાન 8.9 ડિગ્રી, અમદાવાદ શહેરનું તાપમાન 9.3 ડિગ્રી, ડીસા અને પાટણનું તાપમાન 9.5 ડિગ્રી, રાજકોટનું તાપમાન 9.7 ડિગ્રી, ભુજનું તાપમાન 10 ડિગ્રી, અમરેલી અને જૂનાગઢનું તાપમાન 10.2 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે. એટલું જ નહીં સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ કાતિલ પવન પણ ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.


સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડી પડી રહી છે. ગિરનાર પર્વત ઉપર ભારે ઠંડીનો માહોલ છવાઇ જવા પામ્યો છે. હાડ ગાળી નાખે અને સોંસરવો ઉતરી જાય તેવો ઠંડો પવન ગિરનાર પર્વત ઉપર ફૂંકાઇ રહ્યો છે. જ્યારે ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. માઉન્ટ આબુમાં સિઝનનું સૌથી નીચું તાપમાન માયનસ ત્રણ ડિગ્રી નોંધાતા રહીશો સહિત સહેલાણીઓ ઠુંઠવાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી તાપમાન નીચું જતા માયનસ ડિગ્રી ચાલી રહ્યું છે. આથી બરફ છવાયેલો જોવા મળ્યો છે. માઉન્ટ આબુના ગુરુ શિખર પર તાપમાન માઈનસ 5 ડિગ્રી પર પહોંચી ગયું હતું. તાપમાન શૂન્ય ડિગ્રીની નીચે પહોંચી જવાને કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. 


આ સિવાય, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ આજે કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. માત્ર રાતના અને વહેલી સવારના જ નહીં, પરંતુ દિવસના તાપમાનમાં પણ આજે ઘટાડો જોવા મળતાં લોકોને બપોરે પણ ઘરમાં સ્વેટર પહેરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube