Gujarat Congress New President: કોંગ્રેસના ગુજરાત એકમના નવા પ્રમુખની જાહેરાત થઈ ચૂકી છે. આ સાથે જ ગુજરાતના રાજકીય વર્તુળમાં એક મોટું વાવાઝોડું આવ્યું છે. લોકસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે મોટો દાવ રમી લીધો છે અને શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ બનાવી દીધા છે. દિલ્હી હાઈકમાન્ડ તરફથી શક્તિસિંહ ગોહિલને ગુજરાતની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસે પ્રથમવાર બોલ્ડ નિર્ણય લીધો છે, શક્તિસિંહ માટે લોકસભાની ચૂંટણી એ સૌથી મોટી પરીક્ષા છે પણ આ પરીક્ષા પાસ કરી તો કોંગ્રેસ માટે નવો સૂરજ ઉગશે. ભાજપ માટે પણ આ નામ ઝટકા સમાન છે. શક્તિસિંહ ગોહિલ હાલમાં રાજ્ય સભાના સાંસદ છે અને 2026 સુધી તેઓ સાંસદ બની રહેશે.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કારમી હાર બાદ કોગ્રેસ મોટા ફેરફારો કરવાના મૂડમાં હતી. વિધાનસભાની ચૂંટણીમાં 35 ટિકિટો વેંચાઈ એવા આક્ષેપો બાદ ગુજરાતના નેતાઓને દિલ્હી બોલાવાયા હતા. ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બાદ હવે ગુજરાતના નવા પ્રભારીની પણ જાહેરાત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પાંચ વરિષ્ઠ નેતાઓ દિલ્હી બોલવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ નવા અધ્યક્ષની જાહેરાત કરાઈ છે. હવે ભાજપ માટે શક્તિસિંહ ગોહિલનું નામ જાહેર થવું એ ટેન્શનનો વિષય છે. પાટીલે લોકસભાની ચૂંટણી માટે એડવાન્સમાં તૈયારીઓ કરી હોવા છતાં શક્તિસિંહ ગોહિલ એ સક્રિય નેતા છે. જે ભાજપના પ્લાનિંગમાં પંક્ચર પાડી શકે છે. 



કોણ છે શક્તિસિંહ ગોહિલ


શક્તિસિંહ હરીશચંદ્રસિંહજી ગોહિલ એક ભારતીય રાજકારણી છે જેઓ હાલમાં ભારતની રાજ્યસભાના સંસદ સભ્ય અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે.  શક્તિસિંહે ૧૯૯૧થી ૧૯૯૫ દરમિયાન સતત બે રાજ્ય સરકારોમાં નાણાં, આરોગ્ય, શિક્ષણ, નર્મદા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમણે ગુજરાત વિધાનસભામાં વિરોધી પક્ષોનું નેતૃત્વ ૨૦૦૭થી ૨૦૧૨ સુધીમાં વિપક્ષી નેતા તરીકે કર્યું હતું. શક્તિસિંહનો જન્મ ૪ એપ્રિલ ૧૯૬૦ના રોજ ભાવનગર જિલ્લાના લીમડા ખાતે, તત્કાલીન બૃહદ મુંબઈ રાજ્યમાં થયો હતો.  તે ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રના લીમડા રાજ્યના પૂર્વ રજવાડાના રાજવી પરિવારના મોટા પુત્ર છે. શક્તિસિંહે ભાવનગર યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્ર વિશેષતા સાથે વિજ્ઞાનમાં સ્નાતકની પદવી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક થયા છે.


આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતના નવા પ્રભારી અને રાજ્યના પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવા માટે ચર્ચા ચાલતી હતી. કોંગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની અત્યાર સુધીની સૌથી ખરાબ હાર બાદ રાજીનામું આપ્યું હતું, કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી માત્ર 17 બેઠકો જીતી હતી. હાર બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ રાજીનામું આપવાની ઓફર કરી હતી. જોકે, કોંગ્રેસે આ મામલે એ સમયે નિર્ણય લીધો ન હતો. હવે શક્તિસિંહ ગોહિલ નવા અધ્યક્ષ બનતાં ગુજરાતના રાજકીય સમીકરણો બદલાઈ જાય તેવી પૂરી સંભાવના ચે. 


દિલ્હીમાં પાંચ નેતાઓ હતા હાજર
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જેમાં અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ અને દીપક બાબરિયાનો સમાવેશ થાય છે. પાર્ટીના નવા રાજ્ય પ્રભારી અને અધ્યક્ષની નિમણૂક કરવા માટે રાજ્યના ટોચના નેતાઓ અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે દિલ્હીમાં ચર્ચાઓ ચાલી હતી. પ્રદેશ અધ્યક્ષના પ્રમુખ પદના ટોચના દાવેદારોમાં દિપક બાબરિયા અને પરેશ ધાનાણી આગળ હતા. આખરે કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ પર દાવ અજમાવ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ 182 સભ્યોની વિધાનસભામાં રેકોર્ડ 156 બેઠકો સાથે સત્તા જાળવી રાખી હતી. દીપક બાબરિયાને દિલ્હી અને હરિયાણાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. 


લોકસભાની ચૂંટણી એ પરીક્ષા
જો કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં નેતૃત્વમાં ફેરફાર કરે છે તો નવ મહિના પછી યોજાનારી લોકસભાની ચૂંટણી એ શક્તિસિંહ ગોહિલની પહેલી પરીક્ષા હશે. રાજ્યમાં પાર્ટી પાસે એક પણ લોકસભા સીટ નથી. આવી સ્થિતિમાં પાર્ટી સામે મોટો પડકાર એ છે કે તે લોકસભામાં પોતાનું ખાતું કેવી રીતે ખોલશે? 2014 અને 2019ની લોકસભા ચૂંટણી બાદ ભાજપ ત્રીજી વખત પણ ક્લીન સ્વીપ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા અધ્યક્ષ અને પ્રભારીની જાહેરાત બાદ કોંગ્રેસ લોકસભાની તૈયારીઓને વેગ આપે તેવી ધારણા છે.