દારૂબંધી મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસમાં તડા પડ્યા! સુખરામ રાઠવાએ ભરતસિંહથી છેડો ફાડીને કહ્યું કે...
રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ. કારણ કે દારૂના દૂષણથી તમામ સમાજ બરબાદ થઈ રહ્યા છે. સુખરામ રાઠવાએ ભરતસિંહના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું છે. ગુજરાતની જનતા અને માતા-બહેનો ના ઈચ્છે ત્યાં સુધી દારૂબંધી જરૂરી છે.
ઝી ન્યૂઝ/ બ્યુરો: વિપક્ષના નેતા બનતાની સાથે જ સુખરામ રાઠવાએ ભરતસિંહ સોલંકીથી છેડો ફાડ્યો છે. દારૂબંધીના મુદ્દે ભરતસિંહની સાથે કોંગ્રેસના પણ ધારાસભ્યો નથી. દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસમાં તડા પડ્યા છે. એક તરફ જ્યારે ભરતસિંહ દારૂબંધી મામલે નિવેદન આપી કહી રહ્યા છે કે, સમય બદલવાની સાથે લોકો ઈચ્છે તો દારૂબંધી હટશે. તો બીજી તરફ સુખરામ રાઠવાએ કહ્યું કે, રાજ્યમાં દારૂબંધી હોવી જોઈએ. કારણ કે દારૂના દૂષણથી તમામ સમાજ બરબાદ થઈ રહ્યા છે. સુખરામ રાઠવાએ ભરતસિંહના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યું છે. ગુજરાતની જનતા અને માતા-બહેનો ના ઈચ્છે ત્યાં સુધી દારૂબંધી જરૂરી છે.
દારૂબંધી અંગે ધારાસભ્ય જશુભાઈ પટેલનું નિવેદન
દારૂબંધી અંગે ભરતસિંહના નિવેદન બાદ ધારાસભ્ય જશુભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દારૂબંધી હોવા છતાં રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ભાજપ બુટલેગરો પાસેથી ચૂંટણી ફંડ ઉઘરાવે છે. રાજ્યમાં છૂટથી દારૂ વેચાય અને પીવાય છે. ગાંધી-સરદારના ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ.
દારૂબંધી અંગે શૈલેષ પરમારની પ્રતિક્રિયા
દારૂબંધી અંગે ભરતસિંહ સોલંકીના નિવેદન પર શૈલેષ પરમારની પ્રતિક્રિયા સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભરતસિંહનું નિવેદન સરકાર પર પ્રહાર સમાન છે. ગાંધી-સરદારના ગુજરાતમાં દારૂબંધી રહેવી જોઈએ. ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે.
ભરતસિંહનું દારૂબંધી મુદ્દે નિવેદન
ગુજરાતમાં દારૂબંધી એક ખુબ જ વિવાદિત મુદ્દો રહ્યો છે. આ વિવાદમાં અનેક નેતાઓ દારૂ બંધી અંગે તો કેટલાક દારૂબંધી હટાવવાનાં પક્ષમાં પણ નિવેદનો આપી ચુક્યાં છે. જો કે મોટાભાગનાં નેતાઓ દારૂબંધી વિરુદ્ધ જ મંતવ્ય આપતા રહ્યા છે. પરંતુ ગુજરાત કોંગ્રેસનાં ઉચ્ચ નેતા ભરતસિંહ સોલંકી દ્વારા વિવાદિત નિવેદન અપાયું હતું. જેના કારણે અનેક નેતાઓ આ મુદ્દે કૂદી પડ્યા છે. અમદાવાદમાં યોજાનારી આર.જી પ્રીમિયર લીગના ઉદ્ધાટન સમયે ભરતસિંહે આડકતરી રીતે અમારી સરકાર આવે તો દારૂબંધી હટાવવાનો ઇશારો કર્યો હતો.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, ઠંડીમાં જમવાની વ્યવસ્થા તો અમે કરી છે, પરંતુ અન્ય વ્યવસ્થા થઇ શકે તેમ નથી. ઠંડી બહું છે પણ ગુજરાતમાં હાલ મનાઇ છે માટે વ્યવસ્થા થઇ શકે નથી. જો કે તેમણે આડકતરો ઇશારો કરતા જણાવ્યું કે, સમય સાથે બદલાવ આવશે તો દારૂબંધીમાં પણ બદલાવ આવી શકે છે. જેના પગલે આડકતરી રીતે કોંગ્રેસ સરકાર આવે તો દારૂબંધી હટી શકે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કટાક્ષ કરતા જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ કેટલી બંધી છે તે તો સૌ કોઇ જાણે છે. ગુજરાતમાં બિનકાયદેસર રીતે જોવે તેટલો દારૂ મળે છે.
ભરતસિંહે કહ્યું કે, જો દારૂ કાયદેસર રીતે વેચાતો હોત તો સરકારને ટેક્ષની પણ આવક થાત. જો કે હાલ તો ભાજપના મળતીયાઓ જ દારૂ વેચીને આર્થિક લાભ મેળવી રહ્યા છે. ભરતસિંહે કહ્યું કે, ઈન્દિરાજી કહેતા કે ધનાઢય લોકો દારૂ પીવે તો ચાલે પણ સામાન્ય માણસ દારૂ ન પી શકે. જો કે ગુજરાતની મહિલાઓ નિર્ણય કરે તો દારૂબંધી હટાવી શકાય તેમ છે. દારૂબંધી અંગે 7 કરોડ ગુજરાતીઓમાં મારા એકલાનો મત નિર્ણાયક નથી. પણ દારૂબંધી વચ્ચે દારૂ વેચાય છે તે સૌ કોઇ જાણે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube