Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ માટે સતત માઠા સમાચાર આવી રહ્યા છે. હજુ તો મોઢવાડિયા અને અંબરીશ ડેરના કેસરિયાથી કોંગ્રેસ ઉભરી પણ શકી નથી ત્યાં વધુ એક નેતાએ કોંગ્રેસને રામ રામ કહી દીધા. કોંગ્રેસના કોમનમેન કહેવાતા આ નેતાના રાજીનામાથી કોંગ્રેસને પડ્યા પર પાટુ પડ્યું છે.


  • કોંગ્રેસને લાગ્યો ચોથો મોટો ઝટકો

  • મોઢવાડિયા, ડેર બાદ હવે લાડાણી

  • હવે કોંગ્રેસ સાથે નથી તેના 'કોમનમેન'!

  • 17માંથી 13 પર પહોંચી કોંગ્રેસ 

  • કોંગ્રેસની તેના ઈતિહાસમાં સૌથી માઠી દશા!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં આ શું થવા બેઠું છે. કોંગ્રેસને ન જાણે એવું તો કયું ગ્રહણ લાગ્યું છે કે એક બાદ એક નેતાઓે છોડીને જઈ રહ્યા છે. સૌથી પહેલા તો 2022ની વિધાનસભા ચૂંટણીમાં 400 વોલ્ટનો ઝટકો લાગ્યો હતો. કોંગ્રેસે તેના ઈતિહાસનું સૌથી કંગાળ પ્રદર્શન કરતા 182 બેઠકની ગુજરાત વિધાનસભામાં માત્ર 17 બેઠક જીતી શકી હતી.પરંતુ જે 17 જીત્યા હતા તેને પણ કોંગ્રેસ સાચવી શકે તેમ લાગતું નથી. કારણ કે ડિસેમ્બર 2023થી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામાનો દોર સતત ચાલુ જ છે. સૌથી પહેલા ખંભાતના ચિરાગ પટેલથી શરૂ કરી 6 માર્ચે માણાવદરના અરવિંદ લાડાણીએ પણ રાજીનામું આપી દીધું છે. જેના કારણે હવે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા 17થી ઘટીને 13 થઈ ગઈ છે. 


જૂનાગઢ જિલ્લામાં આવેલી માણાવદર વિધાનસભા બેઠકથી રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રીને હરાવનારા લાડાણી હવે આગામી સમયમાં ભાજપમાં જોડાઈ જાય તો નવાઈ નહીં. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના આ કોમનમેને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને હાર આપી હતી. કરોડોના આસામી ચાવડાને એક સામાન્ય ખેડૂત પરિવારના લાડાણીએ હરાવતા તે સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. અરવિંદ લાડાણી માણાવદરથી 2022ની ચૂંટણી જીત્યા હતા. 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા. ખેડૂત પુત્ર અને સામાન્ય જીવન જીવતા લાડાણી 35 વર્ષથી રાજકારણમાં છે. પોતાની રાજકીય કારકીર્દી સહકાર ક્ષેત્રથી શરૂ કરી હતી. માણાવદર તાલુકા સંઘના સતત ત્રણ ટર્મ પ્રમુખ રહ્યા છે. ત્યારપછી જિલ્લા પંચાયતની મટિયાણા બેઠકથી ડેલિકેટ બન્યા હતા. સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. લાડાણી વિસ્તારમાં કોમનમેનની છાપ ધરાવે છે. લાડાણીના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. 


કોણ છે અરવિંદ લાડાણી? 


  • માણાવદરથી 2022ની ચૂંટણી જીત્યા હતા

  • 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા 

  • ખેડૂત પુત્ર, સામાન્ય જીવન જીવતા લાડાણી 35 વર્ષથી રાજકારણમાં

  • રાજકીય કારકીર્દી સહકાર ક્ષેત્રથી શરૂ કરી હતી

  • માણાવદર તાલુકા સંઘના સતત 3 ટર્મ પ્રમુખ રહ્યા 

  • જિલ્લા પંચાયતની મટિયાણા બેઠકથી ડેલિકેટ બન્યા 

  • સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજમાંથી આવે છે 

  • લાડાણી વિસ્તારમાં કોમનમેનની છાપ ધરાવે છે


2022ની વિધાસભા ચૂંટણી પછી અત્યાર સુધી કોંગ્રેસની 4 વિકેટ પડી ગઈ છે. તેની વાત કરીએ તો, 6 માર્ચે માણાવદરના અરવિંદ લાડાણી, 4 માર્ચે પોરબંદરના અર્જૂન મોઢવાડિયા, 19 જાન્યુઆરીએ વીજાપુરના સી.જે.ચાવડા અને 19 ડિસેમ્બરે ખંભાતના ચિરાગ પટેલનો સમાવેશ થાય છે. આ સિવાય વિપક્ષ કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટીમાંથી પણ એક વિકેટ અત્યાર સુધી પડી છે. જેમાં 13 ડિસેમ્બરે વીસાવદરના ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. આતો વાત ધારાસભ્યોની થઈ, પરંતુ પૂર્વ ધારાસભ્યો, સંગઠનના નેતાઓ અને કાર્યકરોનો આંકડો બહુ જ લાંબો છે. કોંગ્રેસ માટે હવે ચૂંટણીમાં જવું ખુબ જ કપરુ થઈ ગયું છે. કોંગ્રેસ હવે તો કરે તો કરે શું?...કોંગ્રેસ આ 4 ધારાસભ્યો બાદ હવે આંકડો ક્યાં જઈ અટકશે તે પણ એક મોટો પ્રશ્ન છે. 


કયા કયા ધારાસભ્યના રાજીનામાં? 


  • 6 માર્ચ 2024, માણાવદરના અરવિંદ લાડાણી

  • 4 માર્ચ 2024, પોરબંદરના અર્જૂન મોઢવાડિયા

  • 19 જાન્યુઆરી 2024, વીજાપુરના સી.જે.ચાવડા

  • 19 ડિસેમ્બર 2023, ખંભાતના ચિરાગ પટેલ

  • 13 ડિસેમ્બર 2023, વીસાવદરના ભૂપત ભાયાણી


182 બેઠકવાળી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે હવે જે સમ ખાવા પુરતા 13 ધારાસભ્યો બચ્યા છે. તેને પણ તમે જાણી લો. અમે આપને કોંગ્રેસના બચેલા ધારાસભ્યો એટલા માટે બતાવી રહ્યા છીએ કે, ન જાણે બચેલા 13માંથી કોણ ખરી પડે?...હવે કોંગ્રેસ પાસે જે ધારાસભ્યો છે તેમાં, વાવથી ગેનીબહેન ઠાકોર, દાંતાથી કાંતિ ખરાડી, વડગામથી જીજ્ઞેશ મેવાણી, કાંકરેજથી અમૃતજી ઠાકોર, ચાણસ્માથી દિનેશ ઠાકોર, પાટણથી કિરીટ પટેલ, ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી, જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા, દાણીલીમડાથી શૈલેષ પરમાર, સોમનાથથી વિમલ ચુડાસમા, આંકલાવથી અમિત ચાવડા, લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ અને વાંસદાથી અનંત પટેલનો સમાવેશ થાય છે. બચેલા આ ધારાસભ્યોમાંથી કોઈ રાજીનામું આપી કેસરિયો ખેસ ધારણ કરે તો જરા પણ નવાઈ ન પમાડતાં...કારણ કે રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દોસ્ત કે કાયમી દુશ્મન નથી હોતું....


કોંગ્રેસ પાસે કયા MLA બચ્યા? 


  • વાવથી ગેનીબહેન ઠાકોર

  • દાંતાથી કાંતિ ખરાડી

  • વડગામથી જીજ્ઞેશ મેવાણી

  • કાંકરેજથી અમૃતજી ઠાકોર

  • ચાણસ્માથી દિનેશ ઠાકોર

  • પાટણથી કિરીટ પટેલ

  • ખેડબ્રહ્માથી તુષાર ચૌધરી

  • જમાલપુર ખાડિયાથી ઈમરાન ખેડાવાલા

  • દાણીલીમડાથી શૈલેષ પરમાર

  • સોમનાથથી વિમલ ચુડાસમા

  • આંકલાવથી અમિત ચાવડા

  • લુણાવાડાથી ગુલાબસિંહ ચૌહાણ 

  • વાંસદાથી અનંત પટેલ


લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભવ્ય ભરતી મેળો ચાલુ છે. એક પછી એક નેતાઓ કેસરિયો કરી રહ્યા છે. અત્યાર સુધી અનેક કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં હજુ ઘણાં લાઈનમાં છે. જેમાં મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયાનો સમાવેશ થાય છે. આ સિવાય સંગઠનમાં કામ કરતાં અનેક કાર્યકરો અને પદ્દાધિકારીઓ પણ ભાજપના ભરતી મેળામાં સામેલ થવાની લાઈનમાં છે. 


કયા નેતા હજુ લાઈનમાં? 


  • મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા

  • ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા

  • તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયા


આ તમામ ક્યારે કેસરિયો કરે છે તે જોવાનું રહેશે. દેશની સૌથી જૂની અને દેશમાં સૌથી વધારે શાસન કરનારી પાર્ટી કોંગ્રેસની આવી દશા કેમ થઈ રહી છે?, કેમ તેના જ નેતાઓ તેને દગો આપી રહ્યા છે?, એવી તો કોંગ્રેસમાં શું ખોટ પડી રહી છે કે એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે?. તમામ મુદ્દે કોંગ્રેસના નેતાઓએ મંથન કરવું જ પડશે. જોવાનું રહેશે કે કોંગ્રેસમાં ક્યારે મંથન થાય છે અને જે આંતરિક નારાજગી છે તે ક્યારે દૂર થાય છે.