`ચૂંટણીમાં લોકો સાવરણાથી કાદવ સાફ કરી કમળને કચડશે`, જાણો પરેશ ધાનાણીએ આવું કેમ આપ્યું નિવેદન?
આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે ZEE 24 કલાક પર Exclusive વાતચીત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી અને આ વખતે પણ પરેશ ધાનાણીને અમરેલી બેઠક પરથી ઉતર્યા છે.
Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂંગલ વાગી ચૂક્યું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટાભાગના જાહેર થઈ ચૂક્યા છે. ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે ZEE 24 કલાક પર Exclusive વાતચીત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી હતી અને આ વખતે પણ પરેશ ધાનાણીને અમરેલી બેઠક પરથી ઉતર્યા છે. જેથી અમરેલીનો જંગ રોમાંચક બન્યો છે. 2017માં પરેશ ધાનાણીનો ભાજપના ઉમેદવાર સામે વિજય થયો હતો. ત્યારે આજે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ફોર્મ ભરી શકે છે. પરેશ ધાનાણીને અમરેલીથી ટિકિટ આપી છે.
ત્રિકોણીયો જંગ લાગે છે, શું અમરેલીમાં કોંગ્રેસનો દબદબો જળવાઈ રહેશે?
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 1960થી ગુજરાતની જનતાએ બન્ને પાર્ટીઓ (ભાજપ-કોંગ્રેસ)ને રાજનીતિને સીમિત રાખી છે. ભૂતકાળમાં એક બોહાળા સમાજનું પ્રતિનિધિત્વ કરતા ચીમનભાઈ પટેલે ત્રીજો પક્ષ ઉભો કરવાનો પ્રયાસ કર્યો. શંકરસિંહ વાઘેલાએ પણ રાજ્યમાં ત્રીજો પક્ષ ઉભો કરવાનો પ્રયાસ કર્યો. જે રાજપાને કોંગ્રેસમાં વિલીનીકરણ થયું. એજ રીતે ભારતીય જનતા પાર્ટીને પૈદા કરનારા સ્વ. કેશુભાઈ પટેલ એ પણ ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવીને ગુજરાતની રાજનીતિને વિભાજન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જનતાએ સમર્થન આપ્યું નહોતું. રાજપા હોય, મજપા હોય કે જીપીપી.. ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા વિરોધી મતને ત્રીજા મોરચામાં ધકેલી પોતાની ગાદી બચાવવા ગડમથલ કરી રહ્યા છે. હવે ગુજરાતીઓ ભાજપના પ્રપંચને સમજી ગયા છે. એટલે જો મંદીને હરાવવી હશે તો હાથને સાથ આપશે. મોંધવારીને હરાવવી હશે તો હાથને સાથ આપશે. બેરોજગારીમાંથી બહાર નીકળવું હશે તો હાથને સાથ આપશે. અત્યાચાર સામે અવાજ ઉઠાવવો હોય તો કોંગ્રેસને લાવશે. ભ્રષ્ટાચારના દરવાજાને તાળું મારવું હોય તો કોંગ્રેસની સરકાર લાવશે. જો કોંગ્રેસ આવશે તો સમગ્ર ગુજરાતમાં ફરી ખુશાલી લાવશે.
કૌશિક વેકરિયા તમારી સામે ભાજપના ઉમેદવાર છે, કેવો રહેશે મુકાબલો?
જાહેર જીવનમાં વ્યક્તિ ગૌણ બની જાય છે. વૈચારિક મુદ્દાઓના પાયા પર જ લોકશાહી ફૂલી, પાંગળી છે. કમનસીબે છેલ્લા 27 વર્ષના શાસનમાં ભાજપના શાસકોએ લોકશાહીમાં અહંકાર પૈદા કર્યો છે. અને આ અહંકારી શાસકો આજે સામાન્ય માણસનો અવાજ રૂધી રહ્યા છે. આ લડાઈ વ્યક્તિ સામેની નથી. એ વિચારધારા સામેની છે કે જેઓ જનતાને અવાજને કચડી રહ્યા છે. એ વિચારધારા સામેની લડાઈ છે જે લોકોને અધિકાર છીનવી રહી છે. એ ભાજપની વિચારધારા સામે લડાઈ છે કે જે ગરીબોના હક્ક છીનવી અમીરોને માલામાલ કરી રહી છે. એ વિચારધારાની સામે લડાઈ છે કે જે ગરીબ ગામડા અને ખેડૂતોને પાયમાલ કરી લાખો કરોડો ઔધોગિક લોન માફ કરી છે. સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લડાઈ કોઈ વ્યક્તિ પુરતું સીમિત નહીં રહે. ચહેરાઓ બદલાતા રહેશે, પાર્ટીઓ બદલતી રહેશે પરંતુ ગુજરાતીઓએ લોહી પરસેવાના ટીપે ગાંધી અને સરદારના સંસ્કારથી જે લોકશાહી વ્યવસ્થાને સીંચી હતી જે 27 વર્ષમાં લોકશાહી વ્યવસ્થાને લૂણો લગાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને મારા પ્રતિસ્પર્ધી મારી લોકશાહીને લૂંણો લગાડનારી પાર્ટીનો એક હિસ્સો છે. એટલે ગુજરાતની પ્રજા એમના સહિત કોઈને માફ નહીં કરે.
ગુજરાત આવશે તો કંઈ રીતે આવશે? એક બાદ એક ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે. કોંગ્રેસ કેમ રોકવામાં સફળ નથી?
હું હંમેશાં કહેતો આવ્યો છું કે, લોકો દ્વારા, લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ એટલે જનતા હોય છે. અને ગુજરાતની જનતાએ પરિવર્તનનો સંકલ્પ કર્યો છે. છેલ્લા 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી 4થી 14 કેન્દ્રસરકારને ટીકાઓ કરી નબળાઈઓ છૂપાવી, 15થી 21 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોંગ્રેસની ઝાટકણી કાઢી પોતાની નિષ્ફળતાઓ બતાવી. આજે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોર્પોરેશનથી કેન્દ્ર સુધી કેસરિયોનો જય જયકાર છે હું આપના મારફતે પુછવા માંગું છું કે ગેસનો બાટલો જે 400 રૂપિયામાં મળતો હતો એ 1200 એ થયો શું તેઓ કોંગ્રેસને દોષ આપી શકશે? 55 રૂપિયે લીટર મળતું ડીઝલ 100ને પાર થયું તો શું કોંગ્રેસનો વાંક છે? 70-75 રૂપિયે મળતું પેટ્રોલ આજે 100ને પાર થયું તો શું એ કોંગ્રેસ પર દોષારોપણ કરી શકશે? હું સ્પષ્ટપણે માનું છું કે આજની સ્થિતિમાં સારું અને ખરાબ એક જ ખાતામાં ખતવાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી જનતાનું કેન્દ્રબિંદુ બન્યા પછી પણ સરકાર તેમની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. કરઆંતકવાદના કારણે આજે સામાન્ય માણસનું જીવન જીવવું મુશ્કેલ થઈ ગયું છે. નાનો વેપારી પણ દિવાળીના દિવસે બોણી ના થાય તેવા દિવસો દેખાડવાનું પાપ ભાજપ દ્વારા થયું છે પરંતુ હવે હિસાબ કરવા ગુજરાત તૈયાર છે.
ભાજપમાં ભૂપેન્દ્રભાઈ, આપમાં ઈસુદાન ગઢવી, કોંગ્રેસનો ચહેરો કોણ? પરેશ ધાનાણી કે બીજું કોઈ?
કોંગ્રેસનો દરેક મતદાતા ગુજરાતનો ભાવિ મુખ્યમંત્રી છે. કોંગ્રેસ સૌની છે, સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. સમાનતા અને સદ્દભાવનાના પાયા પર દેશમાં લોકશાહીનો દીપ પ્રગટાવનારી પાર્ટી છે. વિચારધારાનું નામ કોંગ્રેસ છે. લોકોના ઉજ્જવળ ભવિષ્યનો દીપ પ્રગટાવવાનો અમે કોંગ્રેસ પક્ષના અમે કાર્યકર્તાઓ થનગની રહ્યા છીએ. ગુજરાત 1લી અને પાંચમી તારીખે રાહ જોઈ રહી છે. રાહ જુઓ 8મી તારીખે પરિણામ ચોંકાવનારા હશે. સમગ્ર ગુજરાતની અંદર ગરીબ ગામડાની અંદર લોકોને સાંભળનારી, સમજનારી અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે થનગનતી સરકાર ગાંધીનગરમાં ત્રિરંગો લહેરાવશે. ચારેકોર ફરી ખુશહાલી લાવશે.
કોંગ્રેસનું નેતૃત્વ ક્યાં છે? મોટા માથાઓ ક્યા છે જે 2017માં દેખાઈ રહ્યા હતા હાલ કેમ ગુજરાતમાં દેખાઈ રહ્યા નથી?
ભાજપનો વીતેલા 27 વર્ષમાં જનાધાર ઘટતો ગયો, ભાજપના શીર્ષનેતૃત્વને ભાજપના પાયાકારને ભાજપના કાર્યકરો પર વિશ્વાસ રહ્યો નથી રહ્યો. આજે પણ ભાજપના ઉમેદવારોની યાદી જુઓ તો તો કોંગ્રેસમાંથી સામ, દંડ, ભેદના પ્રયોગો કરીને ખેંચી જનારા લોકોને ઘોડે ચઢાવ્યા છે. રણમેદાનમાં ઉતાર્યા છે અને ભાજપના સીંચનારા પાયાના પથ્થરો કહેવાય એવા નીતિનભાઈ હોય, ભૂપેન્દ્રભાઈ હોય કે કેટલાયે લોકો એમને કાપી નાંખ્યા છે. ભાજપના પાયાનો કાર્યકરનું હૃદય રોઈ રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભાજપના પાયાનો કાર્યકરનું હૃદય રોઈ રહ્યું છે, આંસુ સારી રહ્યું છે એ જ લોકો આવનારા દિવસોમાં સાવરણો પકડીને કાદવ સાફ કરશે. કમળને કચડી નાંખશે.