અમદાવાદઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે લોકસભા બેઠક મુજબ ઇન્ચાર્જ અને પ્રભારીઓની યાદી જાહેર કરી છે. તો આજે કોંગ્રેસે 2019 નો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. અમદાવાદમાં લો ગાર્ડન સ્થિત ભાઈકાકા ભવનમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો 2019નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી હાજર રહ્યાં હતા. અમિત ચાવડાએ જણાવ્યું કે સંગઠન અંગેની જાહેરાત દિવાળી પહેલા કરવામાં આવશે. રાહુલ ગાંધીની મંજૂરી મળ્યા બાદ આ જાહેરાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો કોંગ્રેસ દ્વારા શહેરમાં યોજાતા કાર્યક્રમોમાં કોંગ્રેસી કોર્પોરેટરોની હાજરી ઓછી રહે છે જે બાબતે તેમણે જણાવ્યું કે આ અંગે કડક સૂચના આપવામાં આવી છે અને જે કોર્પોરેટર્સ હાજર નથી રહેતા તેમની પાસે ખુલાસો પણ માગવામાં આવે છે. આ ઉપરાત પરેશ ધાનાણીએ રાજ્યની આર્થિક સ્થિતિ, ખેડૂતોની આત્મહત્યા અછતગ્રસ્ત સ્થિતિ મુદ્દે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. 

અમદાવાદના ભાઈકાકા ભવનમાં શિક્ષણ ક્ષેત્રે કેવા બદલાવ લાવવાની જરૂર છે તે અંગે વિવિધ તજજ્ઞો અને કોંગ્રેસના કાર્યકરો પાસેથી સૂચનો મંગાવાયા છે. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને આયોજન પંચના પૂર્વ સભ્ય ડોક્ટર ભાલચંદ્ર મુંગેકર ખાસ હાજર રહ્યા હતા. જ્યાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોએ વર્તમાન શિક્ષણ નીતિ અને ભવિષ્યની જરૂરિયાત અંગે પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા.