અમદાવાદ : લોકસભાની ચૂંટણી પૂર્વે જાણે ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓની પક્ષમાંથી એક પછી એક વિકેટ પડતી દેખાઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કોંગ્રેસના જૂના જોગીઓ પાર્ટીથી અળગા થઇ રહ્યા છે. વિક્રમ માડમના રૂપમાં વધુ એક નેતાની નારાજગી સામે આવી છે. જો તેઓ પાર્ટી છોડે તો પક્ષને મોટો ફટકો પડી શકે એમ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળીયા વર્તમાન ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બની ગયા છે. આ સંજોગોમાં કોંગ્રેસના વધુ એક નેતા પાર્ટીથી નારાજ હોવાનું સામે આવતાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જામ ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ પાર્ટીથી નારાજ હોવાનું વાયરલ થયેલ એક ઓડિયો ક્લિપ દ્વારા કહી શકાય એમ છે. 


વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ કહેવાય છે કે, કેટલીક વાતોને લઇને નારાજગી છે. કોગ્રેસ પાર્ટી સારી છે અને કાર્યકરો સારા છે પરંતુ નેતાગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. જોકે આ ઓડિયો ક્લિપમાં એવું પણ કહેવાય છે કે તેઓ કોંગ્રેસ છોડશે પરંતુ ભાજપમાં તો નહીં જ જોડાય. 


કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને રામ રામ કર્યાના ગણતરીના દિવસોમાં જ વિક્રમ માડમની નારાજગી સામે આવતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શું ખરેખર તેઓ નારાજ છે? શું તેઓ પાર્ટી છોડશે ? આ સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.