ગાયોની દશા જોઈને જગદીશ ઠાકોર થયા ભાવુક, રડતા રડતા કહ્યું; `પશુઓના નામે રાજનીતિ નથી આવડતી`
રાજ્યમાં ઠેર ઠેર લમ્પી વાયરસના ભોગે હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર કચ્છના મુન્દ્રા તાલુકાના ગામોમાં આવ્યા હતા.
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: રાજ્યમાં પશુઓમાં ફેલાયેલ લમ્પી વાઇરસ મુદ્દે ગુજરાત કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. કચ્છના અસરગ્રસ્ત ગામ અને ગૌ શાળાની મુલાકાત દરમિયાન ગાયોની પરિસ્થતિ જોઈને જગદીશ ઠાકોર રીતસરના ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાયોની હાલાત જોઈ શકાય તેમ નથી, ગાયોના નામે રાજનીતિ કરતા અમને આવડતું નથી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર લમ્પી વાયરસના ભોગે હજારો ગૌમાતા અને ગૌવંશના મૃત્યુના પરિણામે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર કચ્છના મુન્દ્રા તાલુકાના ગામોમાં આવ્યા હતા. લમ્પી વાયરસનાં બેકાબુ સંક્રમણ અને ગુજરાતની ભાજપ સરકારની અને કચ્છ જિલ્લાના વહીવટી તંત્રની નિષ્ફળતાના પરિણામે હજારો ગૌમાતા, ગૌવંશનાં મૃત્યુ થયેલ છે. આ બાબતે અસરગ્રસ્ત પશુપાલકોનાં દુઃખદર્દમાં સહભાગી થવા, તકલીફો જાણવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કચ્છ મુલાકાતે આવ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પ્રાગપર અહિંસાધામ, ભુજપુર પાંગળાપોળ, કારાઘોઘા, જરપરા,બિદડા, સહિતના ગામોની મુલાકાત લીધી હતી. પરંતુ ભુજપુર પાંગળાપોડમાં બીમાર પશુઓને જોઈને કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પશુઓ માટે માનવીય અભિગમ દાખવે, તેમજ પશુપાલકોને બનતી મદદ કરે. લમ્પી વાયરસ અસરગ્રસ્ત વિસ્તારોનાં ગૌપાલકોની પણ મુલાકાત જગદીશ ઠાકોરે કરી હતી,
આ પ્રવાસ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા જોડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube