ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર 33 જેટલા કોંગ્રેસી હોદ્દેદારો અને આગેવાનો સામે કડક પગલાં ભર્યા હતા, આ શાહી હજુ સુકાઈ નથી ત્યાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા પ્રગિત આહિર અને જુનાગઢ  શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત ઠુમ્મરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ શિસ્ત સમિતિએ પ્રમુખની મંજુરી બાદ બન્ને નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. બંને નેતાઓએ વિધાનસભાની ચુંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હતી. 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે આજે ત્રણ  નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


શિસ્ત ભંગની કુલ 71 ફરિયાદો મળી
આજે કોંગ્રેસની શિસ્ત સમિતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બાલુભાઈ પટેલે કોંગ્રેસમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે તેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ વખતે ડિસેમ્બર 2022 માં  કોંગ્રેસની શિસ્ત સમિતીની પુનઃરચના કરવામાં આવી હતી. આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી છે જેમાં કુલ 95 કાર્યકરોનો સમાવેશ થયો છે. જેમાં બે મિટીંગોમાં સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.


 મહત્વનું છે કે, ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં કારમી હાર માટે જોરદાર મંથન શરૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મોટા નેતાઓને ઘરે બેસાડી દીધા છે. કોંગ્રેસે નેતાઓને આંચકો આપ્યો છે. આનાથી સાબિત થાય છે કે કોંગ્રેસ કોઈને બક્ષવાના મૂડમાં નથી.