CM રૂપાણીએ કપરા સમયમાં કોરોના વોરિયર્સની કામગીરી બિરદાવી, કહ્યું- કોરોના હારશે ગુજરાત જીતશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે તબીબો મેડિકલ સ્ટાફનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો. તેમણે કોરોના વોરિયર્સની કામગીરીની પ્રશંસા કરી.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના (Corona Virus) નું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુરુવારે રેકોર્ડબ્રેક 8152 નવા દર્દીઓ નોંધાયા. જ્યારે 81 લોકોના મૃત્યુ થયા. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) એ આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંબોધન કર્યું. આ સંબોધનમાં તેમણે તબીબો મેડિકલ સ્ટાફનું મનોબળ વધારવાનો પ્રયત્ન કર્યો. તેમણે કોરોના વોરિયર્સની કામગીરીની પ્રશંસા કરી. આ સાથે એમ પણ કહ્યું કે કોરોના હારશે ગુજરાત જીતશે.
તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષસથી આપણો દેશ આપણું ગુજરાત કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડાઈ સરકાર લડી રહી છે, રાજ્ય અને દેશનો એક એક સામાન્ય માણસ પણ આ લડાઈ લડી રહ્યો છે. પણ મહામારી સામેની આ માનવતાની લડાઈમાં જો કોઈનું સૌથી મોટું યોગદાન રહ્યું હોય તો ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ ભાઈઓ બહેનોનું રહ્યું છે. આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તમામ ડોક્ટર્સ, નર્સ, મેડિકલ, પેરામેડિકલ સ્ટાફને ખુબ ખુબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કોટિ કોટિ વંદન કરવાની પણ ઈચ્છા થાય છે. તમારા વતી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે. આજે પણ લડી રહ્યું છે. આપના થકી આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ.
તેમણે કહ્યું કે વર્ષ પહેલા જ્યારે આ મહામારીની શરૂઆત થઈ ત્યારથી તમે તમારું સર્વસ્વ ન્યૌછાવર કરીને, જાનની બાજી લગાવીને આ કોરોના સામે લડી રહ્યા છો. દિવસ રાત જોયા વગર, થાક્યા વગર, હાર્યા વગર બીજાની સેવા માટે પોતાના કર્તવ્યના પાલન માટે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વગર લોકોની સેવા કરી છે. જેમાં કેટલાય ડોક્ટર, નર્સ, મેડિકલ સ્ટાફે પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તેમના બલિદાનને ગુજરાત ક્યારેય ભૂલશે નહીં. આ રાજ્ય સદાય તમારું ઋણી રહ્યું છે. અને રહેશે. તમારા પરિશ્રમ અને સેવાથી એક એવો સમય આવ્યો કે જ્યાં આપણે કોરોના સામેની લડત લગભગ જીતી ગયા હતા. પરંતુ આજે ફરીથી એકવાર સ્થિતિ કથળી છે. કોરોનાના કેસ વધ્યા છે. ત્યારે આખું રાજ્ય તમારી સામે આશાના ભાવથી જોઈ રહ્યું છે. હું આપની મનોદશા સમજી શકું છું. કારણ કે તમારા સંઘર્ષને મે ખુબ નજીકથી જોયો છે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું છે છેલ્લા એક વર્ષથી તમે કોઈ પણ જાતના વિરામ વગર, થાક્યા વગર એક જ કામ કરી રહ્યા છો. એ પણ કેટલી વિષમ પરિસ્થિતિઓમાં. એક વર્ષથી તમે સામાન્ય જીવન જીવી શક્યા નથી. પરિવાર સાથે સમય પણ વીતાવી શક્યા નથી. જે મુશ્કેલ છે. કોઈ તપસ્યા સમાન છે. તમે જે કાઈ કરી રહ્યા છો તે અસામાન્ય છે. હું જાણું છું કે લડાઈ લાંબી ચાલશે. અંતમાં તમે પણ મનુષ્ય જ છો. સ્વાભાવિક છે કે આટલી લાંબી લડતમાં થોડી થકાવટ આવી જાય. ક્યારેક નિરાશા પણ આવી જાય. આપણે કોરોના સામે લડાઈ જીતવા નજીક જઈ રહ્યા છીએ. અવશ્ય આપણો વિજય થશે. આપણી પાસે હવે વેક્સિન સ્વરૂપે શસ્ત્ર પણ છે. રસીકરણનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. ઝડપી રસીકરણથી આપણે જલદી આ મહામારીમાંથી બહાર નીકળીશું. તેનો મને પૂરો ભરોસો છે. જલદી અંધેરા છટેગા, સુરજ નીકલેગા. પણ ત્યાં સુધી બધાની આશા તમારા પર છે. આપણે વર્તમાન પરિસ્થિતિ જોઈને હતાશ થવાની જરૂર નથી. થાકવાની પણ જરૂર નથી. બધા સાથે મળીને આ મહામારી સામે લડીશું. જીત માનવતાની થશે. તમે અમારા માટે સુપરહીરો છો.
વધુ વિગતો માટે જુઓ વીડિયો
ગુજરાતમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રાજ્ય આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગુરુવારે નવા 8152 દર્દીઓ નોંધાયા. આ સાથે કુલ કેસની સંખ્યા 3,75,768 થઈ. જેમાંથી 3,26,494 લોકો રિકવર થયા છે. જ્યારે 44,298 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં 81 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 5076 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં અને ત્યારબાદ સુરતમાં વધતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગુરુવારે 2672 નવા કેસ જ્યારે સુરતમાં 1864 નવા કેસ નોંધાયા. આ સાથે રાજકોટમાં એક જ દિવસમાં 762 કેસ અને વડોદરામાં 485 નવા કેસ નોંધાયા.
Corona ના નવા બે લક્ષણ સામે આવ્યા, જરાય નજરઅંદાજ ન કરતા
MP: વોર્ડ બોયે કોરોના દર્દીનો ઓક્સિજન સપોર્ટ કાઢી નાખ્યો, દર્દી મોતને ભેટ્યો, CCTVમાં ઘટના કેદ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube